અંતિમ પડાવ

અંતિમ પડાવ
(વ્યથા દરેક માતા-પિતાની)

સ્થળ - આઈ.સી.સી.યુ ની કેબીન નં- 4
સમય - સવારનાં સાત કલાક

     આઈ.સી.સી.યુ વિભાગમાં વિવિધ પ્રકારના મોનિટરો માંથી અલગ - અલગ પ્રકારનાં એલાર્મ વાગી રહ્યાં હતાં, સૂર્યનારાયણ જાણે આળસ છોડીને જેવી રીતે નાનું બાળક શાળાએ જાય તેવી જ રીતે પોતે આકાશમાં ધીમે - ધીમે પોતાનું સ્થાન જમાવી રહ્યા હતાં, આઈ. સી.સી.યુ ની બારી માંથી કુમળો પ્રકાશ આવી રહ્યો હતો. 

     અચાનક કેબીન નં - 4 માં દાખલ થયેલ જીવરાજભાઈ એક ઝબકારા સાથે જાગી ગયાં, આથી જીવરાજભાઈના પત્ની કંચનબેન દોડીને ફરજ પરનાં ડોકટરને બુમ પાડીને બોલાવ્યા, કંચનબેને એકાએક ચીસ પાડી હોવાથી ફરજ પર હાજર રહેલા ત્રણેય ડોકટર કેબીન ચાર તરફ દોડીને પહોંચ્યા.

     કેબીન ચારમાં જઇને જોયુ તો છેલ્લા ત્રણ દિવસથી બેભાન હાલતમાં રહેલ દર્દી જીવરાજભાઈને એકાએક ભાનમાં આવેલા જોઈને બધાં જ ડોકટરોને જાણે કોઈ જંગ જીત્યા હોય તેવો આનંદ થયો. અને જીવરાજભાઈના પત્નીને સમજાવતા કહ્યું કે 

“તમે ! ચિંતા ના કરો.!”

“તમારા પતિ ખરેખર નસીબદાર છે કે જે છેલ્લા ત્રણ દિવસથી મોતના મુખના દરવાજે ઉભા હતાં, અને મોતને માત આપીને તેઓ પાછા પરત ફર્યા છે.”

“સાહેબ ! એ તમારા બધાની મહેનતને લીધે જ શક્ય બન્યું છે.”

“સાહેબ ! મારી ઉંમર 72 વર્ષ થઈ છે, પરંતુ મેં હજુ સુધી ભગવાનને જોયેલા નથી, તેના વિશે મેં માત્ર સાંભળેલ જ છે, પણ મને આજે ખ્યાલ આવ્યો કે એ ભગવાનતો આપણા મનની અંદર હોય છે, પણ તમે તો મારા માટે, મારા પતિ માટે અને મારા આખા પરિવાર માટે ભગવાન જ છો.” - કંચનબેને પોતાના બંને હાથ જોડી બધાં ડોક્ટરને કહ્યું.

“માજી ! અમે કાંઈ ભગવાન નહિ, અને તો માત્ર નિમિત્ત છીએ, અમે દર્દીને બચાવવા માટે અમારાથી બનતાં બધાં જ પ્રયત્નો કરી છૂટતા હોઈએ છીએ, બાકી તો બધું ઉપરવાળા ઈશ્વરના હાથમાં હોય છે.”

“તો ! પણ ! સાહેબ હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે.” - કંચનબેન આંખમાં આંસુ સાથે બોલ્યાં.

“તમારા પતિને બચાવવા માટે અમે ખરેખર ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તમારાં પતિને બચાવવા માટે જેટલી દવા કામમાં આવી છે એટલી જ તમારી  દુવા પણ કામમાં આવી છે….એટલે જ કહેવાય છે કે દર્દી માટે માત્ર દવા નહીં પરંતુ દુવાનું પણ મહત્વ રહેલ હોય છે.” - આવેલ ડોક્ટરમાંથી સિનિયર ડોકટરે કંચનબેનને આટલું સમજાવી, જીવરાજભાઈનાં હાથમાં રહેલ સોઈ (વેઇનફ્લો) માં લગાડેલ બાટલો (પાઇન્ટ) કાઢી, મોનિટરમાં બે ત્રણ બટન એડજસ્ટ કરીને પોતાની ચેમ્બરમાં જતાં રહ્યાં.

   આ બાજુ જીવરાજભાઈને ભાન આવાવાથી, કંચનબેનની ખુશીઓનો પાર નહોતો રહ્યો. કંચનેબેને જીવરાજભાઈનાં માથા અને કપાળ પર પ્રેમ પૂર્વક હાથ ફેરવ્યો, અને આંખોનાં ખૂણા આંસુઓથી ભીના થઈ ગયાં, આ જોઈ જીવરાજભાઈએ કહ્યું કે 

“શું ! થયું, શાં માટે તું  રડવા જેવી લાગે છો…..?” - જીવરાજભાઈએ આશ્ચર્ય સાથે પોતાની પત્નીને પૂછ્યું.

“કંઈ નહીં ! એતો તમને સારું થઈ ગયું, એટલે મારી આંખમાં ખુશીના આસું આવી ગયાં હતાં” - કંચનબેને પોતાનો ચહેરા પર રહેલા આંસુ લૂછતાં - લૂછતાં બોલ્યાં.

“કંચન ! તને હજુ પણ ખોટું બોલતાં નથી આવડ્યું, હું તને અને તારા રડવા પાછળના કારણને સારી રીતે સમજી શકુ છું.”

“હા ! તમારી વાત સાચી છે, જે મા-બાપને પોતાના સંતાનો હોવા છતાં પણ આવી પરિસ્થિતિમાં એકપણ સંતાન પડખે ના ઉભો હોય, તો તે મા-બાપની આંખોમાં આંસુ આવે તે સ્વભાવિક જ છે.”

“હા ! પણ હવે તો હું તારી સાથે જ છું અને મારા છેલ્લા શ્વાસ સુધી તારી સાથે જ રહીશ.” - કંચનબેનના હાથ પર પોતાનો હાથ મુકીને બોલ્યાં.

“બસ ! તમારી આ જ બાબત મને એટલી ગમે છે કે મને એવું થાય કે હજુ હું તમારી સાથે વધુ જિંદગી જીવી લવ.” - કંચનબેન હળવું સ્મિત આપતા બોલ્યાં.

“કંચન ! હું પણ ખરેખર નસીબદાર છું કે મને તારી જેટલી સુંદર સ્ત્રી. પત્નીનાં સ્વરુપમાં મળી.” - જીવરાજભાઈએ કંચનબેનને હિંમત આપતા કહ્યું.

“હું ! તમને એક વાત કહું…?”

“મને ! જ્યારે આપણાં પોતાના સંતાનો છોડીને જતાં રહ્યાં ત્યારે જેટલું દુઃખ નહોતું થયું, એટલું દુઃખ મને તમારી છેલ્લા ત્રણ દિવસની હાલત જોઈને થયું હતું, છેલ્લા ત્રણ દિવસ તો મને ત્રણ વર્ષ જેવા લાગી રહ્યા હતાં, આમ જે વ્યક્તિ સતત સુખ અને દુઃખમાં ખડેપગે આપણી સાથે જ ઉભો હોય અને અચાનક જ પળવારમાં આપણાથી જાણે દૂર થઇ રહ્યો હોય એવો એક ભયાનક અનુભવ મને થયો, જે વ્યક્તિ પોતે જમે કે ના જમે પણ મને તો ચોક્કસથી પૂછે જ કે…“કંચન ! તે જમી લીધું” છેલ્લા ત્રણ દિવસથી મારા કાન જાણે તમારા આ શબ્દો સાંભળવા માટે તરસી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું, બધાં એ તમે સાજા થઈ જાશો એવી આશા છોડી દીધી હતી, પરંતુ એકમાત્ર મારા  મન અને હૃદયે આશા છોડી ન હતી, સાત - સાત જન્મ સુધી અને છેલ્લાં શ્વાસ સુધી સાથે સાથે રહેવાથી ટેક લેનાર આવી રીતે મને કેવી રીતે છોડીને જઈ શકે……?....અને અંતે મારી જ જીત થઈ.”

“સાચી વાત છે…! કંચન…. મને જો મોતના મુખ માંથી જો કોઈએ પાછો આવવા માટે મજબૂર કર્યો હોય તો તે તારો પ્રેમ જ છે.” - જીવરાજભાઈએ કંચનબેનના માથાં પર હાથ ફેરવતા - ફેરવતા બોલ્યા.

“હા ! આ કેબિનમાં છેલ્લા ત્રણ દિવસથી માત્ર તમારા શરીર સાથે લગાડેલા મોનિટરોના એલાર્મ સિવાય એકપણ અવાજ સંભળાતો હતો નહિ, જાણે તમારો અવાજ સાંભળીને આ આઈ.સી.સી.યુ ની દીવાલોમાં એક નવી ચેતના પ્રસરી ગઈ હોય તેવું લાગે છે.

 આટલું બોલી જીવરાજભાઈ અને કંચનબેન એકબીજાને ગળે મળીને રડવા લાગ્યાં, અને બનેવ એકબીજાને આશ્વાસન આપવા લાગ્યાં.

*********************************************************
    જીવરાજભાઈ અને કંચનબેન 50 વર્ષથી એકબીજા સાથે પ્રેમથી રહેતા હતાં, આથી સ્વાભાવિક હતું કે બનેવને એકબીજા પ્રત્યે અઢળક લાગણી અને અપાર પ્રેમ હતો.

    બેનેવના લગ્ન બાદ તેને ત્રણ સંતાનો હતાં, જેમાં બે દીકરા રોહન અને જયેશ અને એક દીકરી કાવ્યા હતી.

     જીવરાજભાઈનો  જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો, આથી નાનપણથી જ ગરીબી કોને કહેવાય એ જીવરાજભાઈ જણાતા જ ન હતાં, જીવરાજભાઈનાં પિતાએ એક જાણીતા ઉદ્યોગપતિ હતા, અને આખા શહેરમાં તેની સારી એવી આબરૂ અને પ્રતિષ્ઠા ધરાવતા હતાં. ધીમે - ધીમે દીવસો, મહિના અને વર્ષો વીતવા લાગ્યાં. જોત- જોતામાં જીવરાજભાઈએ પોતાનો અભ્યાસ પણ પુરો કરીને માત્ર 18 વર્ષની ઉંમરમાં જ પોતાના પિતાનો બિઝનેસ સાંભળી લીધો, અને થોડા જ સમયમાં જીવરાજભાઈએ પણ પોતાના પિતાની માફક સારી એવી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી લીધી.
ત્યારબાદ થોડા જ સમયમાં કંચનબેન સાથે લગ્ન થઈ ગયાં.

     પરંતુ મિત્રો કહેવાય છે કે સુખ અને દુઃખએ સિક્કાની બે બાજુઓની માફક હોય છે, જે જીવનનો નિત્યક્રમ છે..કે પહેલા હંમેશા સુખ આવે અને ત્યારબાદ દુઃખ આવે જ છે. આવું જીવરાજભાઈનાં કિસ્સામાં પણ બન્યું.

      થોડા વર્ષો બાદ શેરબજારમાં એકાએક પડતી આવી અને જીવરાજભાઇની કંપનીના બધા જ શેરનો ભાવ ધટી ગયો અને તેની કંપનીને ભારે નુકશાની ભોગવવી પડી, આવી અચાનક આફત આવવાને લીધે જીવરાજભાઈની કંપનીમાં રહેલા બધા જ ભાગીદારો છટકી ગયાં, જીવરાજભાઈએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેને આવા દિવસો પણ જોવાનો વારો આવશે.
આથી જીવરાજભાઈ એકદમ હતાશ અને નિરાશ થઈ ગયાં.

      ત્યારબાદ જીવરાજભાઈએ પોતાના બધાં સંતાનોને બોલાવીને માંડીને બધી વાત કરી, પરંતુ તેના બધા જ સંતાનોએ એવું કહ્યું.

“પપ્પા ! તમારી વાત તો સાચી જ છે, પરંતુ હાલમાં જે કંઈ પરિસ્થિતિનું નિમાર્ણ થયું છે તે પાછળ જવાબદાર તમે પોતે જ છો, અને આ ભૂલ તમે કરી છે તો અમે લોકો શાં માટે ભોગવીએ.” - આટલું બોલી બધા જ સંતાનોએ પોત-પોતાનો નિર્ણય જણાવીને તે બધાંએ પોતાનું ઘર છોડીને અલગ થવાનો નિર્ણય જણાવ્યો.

ત્યારબાદ તેઓ પોતપોતાના રૂમમાં જતા રહ્યાં, જતાં - જતાં જયેશે રોહનને પૂછ્યું. 

“ભાઈ ! આપણે જે નિર્ણય લીધો એ યોગ્ય છે ખરો.” - થોડીક ચિંતા સાથે જ્યેશે રોહનને પૂછ્યું.

“હા ! ચોક્કસ, હાલમાં પપ્પા પાસે કંઇપણ સંપત્તિ નથી રહી, અને બેકની લોનને લીધે, એકાદ અઠવાડિયામાં આપણું આ ઘર પણ બેન્ક દ્વારા સિલ કરવામાં આવશે.” - રોહને આત્મવિશ્વાસ સાથે જવાબ આપતા કહ્યું.

“પણ ! ભાઈ તને આ બેંક વાળી વાતની ખબર કેવી રીતે પડી..?” - જ્યેશે આશ્ચર્ય સાથે પૂછયું.

“આજે સવારે પપ્પાનાં આસિસ્ટન્ટ શંકરભાઈનો ફોન આવ્યો હતો, અને તેમણે મને આ બધી વિગતો ફોન પર જણાવી, આથી મેં અલગ થવાનો નિર્ણય લીધો છે.” - રોહને જણાવ્યું.

“પણ ! ભાઈ તને એવું નહીં લાગતું કે આપણે મમ્મી-પપ્પા સાથે રહેવું જોઇએ….?”

“તારે રહેવું હોય તો તું રહી શકે છો, પણ જો તું એમની સાથે રહીશ તો રોડ પર આવી જઈશ એ વાત તો ચોક્કસપણે નિશ્ચિત છે, પપ્પાએ જે ભુલ કરેલી છે એનું પરિણામ આપણે શાં માટે ભોગવીએ….?”

“ઓકે ! ભાઈ તમે જેમ કહો તેમ…!” 

  આટલું બોલી બનેવ ભાઈઓ પોતપોતાના રૂમમાં જઇ પોતાનો સામાન લઈ હમેંશાને માટે ઘર છોડીને જતાં રહ્યાં, અને આ બાજુ હોલમાં રહેલ ખુરશી પર જીવરાજભાઈ બેઠાં-બેઠાં ઊંડા વિચારોનાં વંટોળમાં ચડી ગયાં, જેમને જોતા એવું લાગી રહ્યું હતું કે પોતાના દીકરાઓએ કરેલ વર્તન જોઈ ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હોય, જેની પોતે ક્યારેય સપનામાં પણ કલ્પના નહિ કરી હોય, કે પોતાના જ સંતાનો કપરી પરિસ્થિતિમાં આવી રીતે સાથ છોડી દેશે….!

   એટલીવારમાં કંચનબેન આવ્યા અને કહ્યું કે 
“શું ! વિચારી રહ્યાં છો…?” - એક આશ્ચર્ય અને ડર સાથે પુછ્યું.

“કંઈ નહીં, મને એવું હતું કે જે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ અને રૂપિયો હોય, તે ધારે એ મેળવી શકે, પરંતુ એ મારો ખોટો ભ્રમ હતો, મારી પાસે એટલી બધી સંપત્તિ હતી કે હું જે ધારતો એ મેળવતો હતો, પણ હું મારા પોતાના સંતાનોનો પ્રેમ મેળવવાંમાં આજે નિષ્ફળ થયો.”

“હશે ! હવે તમે ખોટી ચિંતા ના કરો, નસીબમાં જે થવાનું લખ્યું હશે, એ થઈને જ રહેશે….!” - કંચનબેને આશ્વાસન આપતા કહ્યું.

“પ...ણ….કંચન મને એ નહીં સમજાતું કે શું આ બને આપણાં એ જ બાળકો છે કે જે નાના હતાં, ત્યારે રોહન મારો ડાબો હાથ ખેંચીને કહેતો હતો કે, “આ મારા પપ્પા છે.” જ્યારે બીજી બાજુ જયેશ મારો જમણો હાથ પકડીને કહેતો હતો કે,“ના….હો….આ મારા જ પપ્પા છે...રોહન તારા નહી..”

“હશે...હવે….છોડો એ બધી ચિંતા…છોરું કછોરૂ થાય, પણ માવતર કમાવતાર ના થાય.” - કંચનબેન હિંમત આપતા બોલ્યાં.

“પણ...કંચન..મને આપણાં છોકરાના વર્તન પ્રત્યેના દુઃખ કરતાં, વધારે આનંદ એ બાબતનો છે કે મારા દરેક સુખ-દુઃખમાં મારી સાથે ખડેપગે ઉભી રહેનાર મારી જીવનસંગીની મારી સાથે ઉભી રહી છે….અને ખરેખર તું જ મારી સાચી હિંમત છો.” - કંચનબેનનો હાથ પોતાના હાથમાં પકડીને જીવરાજભાઈ બોલ્યાં.

બીજે દિવસે સવારે જ્યારે કંચનબેન જીવરાજભાઈને જગાડવા માટે ગયાં, ત્યારે એકાએક જીવરાજભાઈને છાતીમાં દુખાવો ઉપાડ્યો, કંચનબેન તરત જ રૂમમાં રહેલ લેન્ડલાઈન ફોનમાંથી પોતાના 108માં ફોન કર્યો, એવામાં જીવરાજભાઈ પોતાના પલંગ પરથી પડી ગયાં, અને માથાનાં ભાગે ઇજા થવાથી બેભાન થઈ ગયાં.

     પાંચથી દસ મિનિટમાં 108 આવી ગઈ, અને જીવરાજભાઈને 108માં હોસ્પિટલ જતી વખતે દરમિયાન 108ના સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર મળવાથી, તેની બચવાની શક્યતા વધી ગઈ.

*********************************************************

   કંચનબેન અને જીવરાજભાઈ જ્યારે એકબીજાને ગળે મળીને રડી રહ્યાં હતાં એ દરમિયાન, આઈ.સી.સી.યુ ના ચોકીદારે તેમની કેવિન ખખડાવતા કહ્યુ કે…

“જીવરાજભાઈ, તમને કોઈ મળવા આવ્યું છે..”

“હા ! તેમને અંદર મોકલી દયો....” - પોતાના ચહેરા પર રહેલા આંસુ લૂછતાં જીવરાજભાઈ બોલ્યા.

“કોણ આવ્યું હશે...આપણને મળવા..?” - નવાઈ સાથે કંચનબેને જીવરાજભાઈને પૂછયું.

“ખબર નહી, એ તો મળવા આવે ત્યારે ખ્યાલ આવે…! 

“મને એવું લાગે છે કે કદાચ જયેશ અને રોહન મળવા આવ્યા હશે..!” - કંચનબેન વિચારતાં-વિચારતા બોલ્યાં.

“કંચન ! હજુ પણ તને એવી આશા છે કે એ આપણને મળવા આવશે એવી…..?..જો એ લોકોને આપણને મળવા જ આવવું હોત તો ક્યારેય આવી રીતે આપણને છોડીને ગયાં જ નહોતો.”

    એટલીવારમાં કેબીનનો દરવાજો ખખડયો, કંચનબેને ઉભા થઈને દરવાજો ખોલ્યો, તો તેની સામે પોતાના દિકરાની ઉમર જેટલી જ ઉંમરનો એક યુવાન પોતાની પત્ની અને નાના છોકરા સાથે ઉભો હતો.

“ દાદા ! હવે તમારી તબિયત કેવી છે…?” - પેલા યુવકે પૂછ્યું.

“સારૂં છે….પરંતુ…..ત….મે…..?” - જીવરાજભાઈએ થોડું ખચકાતા પૂછ્યું.

“જી ! હું રાહુલ અને આ મારી પત્ની સ્વાતિ અને આ અમારો પુત્ર રાઘવ છે..”

“રા...હુ...લ…???” - જીવરાજભાઈએ વિચારતા - વિચારતા પૂછ્યું.

“સાહેબ ! કદાચ તમે નહીં જણાતાં હશો કે આજથી ચાર વર્ષ પહેલાં તમે વાત્સલ્ય કાર્ડિયાક હોસ્પિટલમાં એક ગરબી છોકરાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનેશન આપ્યું હતું, જે તમે ચેક સ્વરૂપે તમારા આસિસ્ટન્ટ શંકરભાઇ સાથે તમે હોસ્પિટલમાં મોકલાવી આપ્યો હતો, તમે મારા દીકરા રાઘવ માટે કોઈ ભગવાનથી ઓછો નથી. મારા દીકરાનું હૃદય અત્યારે ધબકતું હોય તો તે માત્ર તમારા જ લીધે, આજે રાઘવનો જન્મદિવસ હોવાથી તમારા આશીર્વાદ લેવા માટે મેં તમારા મોબાઈલ પર કોલ કર્યો પરંતુ કોલ લાગ્યો નહિ, આથી મારી પાસે શંકરભાઈનો નંબર હોવાથી મેં તેમને કોલ કર્યો,જેમણે મને બધી જ વિગતો જણાવી, જે સાંભળીને મને ખુબ જ દુઃખ થયું આથી હું તરત જ મારા પરિવાર સાથે તમને મળવા અહીં આવી પહોંચ્યો.” - રાહુલ એક જ શ્વાસમાં આ બધું બધું બોલી ગયો.
  
     આ સાંભળી જીવરાજભાઈ અને કંચનબેન બનેવની આંખમાં આંસુમાં આંસુ આવી ગયાં, જ્યારે એક તરફ પોતાના બનેવ છોકરા આવી રીતે પોતાને તરછોડી જતા રહ્યાં, જ્યારે બીજી બાજુ માત્ર એક નાનકડા ઉપકારને લીધે પોતાને માતા-પિતાનો દરજ્જો આપનાર રાહુલ અને સ્વાતિ ઉભા હતાં, આમ જાણે જીવરાજભાઈને મનની શાંતિ મળી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.

     થોડીવારમાં ફરી પાછું જીવરાજભાઈને છાતીમાં દુખાવો શરૂ થયો, બધા જ ડોક્ટરો દોડાદોડ કરીને જીવરાજભાઈને સારવાર આપવા લાગ્યાં, અને બધા જ સગાં સંબંધીઓને બહાર જવા માટે જણાવ્યું, અથાગ પ્રયત્નો કર્યા બાદ, ડોકટરે બહાર આવીને કહ્યું કે.

“માફ કરજો, અમે ખુબ મહેનત કરવા છતાં પણ એમને બચાવી ના શક્યા, અચાનક તેમને વધારે ત્રિવતાનો હાર્ટએટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ થયું.

   આથી બધા ખુબ બુમો પાડીને રડવા લાગ્યા, રાહુલે રડતાં - રડતાં કંચનબેનને કહ્યું કે, “આપણે કેવા કમનસીબ છીએ કે આપણે તેમની છેલ્લી કોઇ ઈચ્છા વિશે પણ નાં પૂછી શક્યા.” 

“ના ! રાહુલ બેટા એવું નહીં, આપણે જણાતાં - અજાણતાં જ તેમની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી જ દીધી છે.” - પોતાના આંસુ લૂછતાં કંચનબેન બોલ્યાં.

“એ…..કેવી રીતે….મને કંઈ સમજાયું નહીં.?” - રાહુલે વિસ્મય સાથે કંચનબેનને પૂછયું.

“બેટા ! તારા દાદા એકવાર તો મોતનાં મુખમાંથી તો પાછા આવેલ હતાં, પરંતુ શાં માટે આવ્યા એ મને અત્યારે સમજાય રહ્યુ છે, જ્યારે તેમને એકાએક છાતીમાં દુખાવો ઉપાડ્યો ત્યારે તેમના એક હાથમાં મારો હાથ હતો, અને બીજા હાથમાં તારો હાથ હતો, મને એક દિવસ તારા દાદા કહેતા હતાં કે, મારી એક ઇચ્છા છે કે જ્યારે મારૂં મૃત્યુ થાય ત્યારે મારી જીવનસંગીની અને મારા દીકરા મારી પાસે ઉભા રહેવા જોઈએ, અમારા પોતાના છોકરા તો ના આવ્યા, પરંતુ તું પણ એના માટે કંઈ છોકરાથી ઓછો ન હતો, આથી એની જે છેલ્લી ઈચ્છા હતી તે પુરી થઈ ગઈ હોવાથી, તેમના જીવને શાંતિ મળવાથી તેના જીવને મોક્ષ પ્રાપ્ત થયો.” - આટલું બોલતાની સાથે જ કંચનબેન ફરીથી રડવા લાગ્યાં

   “બા” - એવો એક ચીસ પાડીને રાહુલ પણ કંચનબેનનાં ગળે મળીને રડવા લાગ્યો.

     ત્યારબાદ જીવરાજભાઈનાં મૃતદેહને ઘરે લાવી, અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયાં, રોહન અને જયેશ પણ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં આવેલ હતાં, એટલીવારમાં બ્રાહ્મણે કહ્યું કે
“જીવરાજભાઈનાં પુત્ર આગળ આવીને પોતાના પિતાના મૃતદેહને અગ્નિદાહ આપે, આથી રોહન અને જયેશ આગળ આવ્યા.

“ઉભા રહો…..! જીવરાજભાઈનાં મૃતદેહને અગ્નિ સંસ્કાર તેના ખરા અર્થમાં જે પુત્ર છે….તે રાહુલ જ આપશે….એવો જીવરાજભાઈમાં પત્ની કંચનબેનનો આદેશ છે.” - રોહન અને જયેશને અટકાવતા શંકરભાઇ બોલ્યાં.

    રાહુલે બ્રાહ્મણની સૂચના પ્રમાણે જીવરાજભાઇના મૃતદેહને અગ્નિદાહ આપ્યો. હવે રોહન અને જયેશને પોતાની ભૂલ સમજાઈ રહી હતી, જેનો કોઈ અર્થ હતો જ નહીં.

    જયેશ અને રોહને કંચનબેનને પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો પરંતુ એનો સ્પષ્ટ વિરોધ કરતાં કહ્યું કે, “મારા પતિનાં મન જે ખરા અર્થમાં તેના છોકરો છે હું તેમની સાથે એટલે કે રાહુલ સાથે જ રહીશ, તમે હવે જઈ શકો છો.” - આટલું બોલી કંચનબેન રાહુલના ઘરમાં જતાં રહ્યાં, અને ઘરનાં કોઈ એક ખૂણામાં જઈને રડવા લાગ્યા.


 મિત્રો, આપણાં જીવનમાં પણ એવું ક્યારેક થતું હોય છે કે આપણે કોઈની માફી માગવા માંગતાં હોવા છતાં-પણ આપણાં અહમને લીધે હિંમત કરી શકતા નથી, અને જ્યારે આપણે માંડ-માંડ હિંમત કરીએ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય એવું પણ બની શકે. દુનિયાના કોઈપણ માં-બાપ માત્ર એટલું જ ઇચ્છતાં હોય છે કે તેમના બાળકો ઘડપણ દરમ્યાન તેમની લાકડી બનીને ઉભા રહે.
અને એ માં-બાપ કે જેને પોતાના સંતાનો હોવા છતાંપણ નિરાધાર રહેવું પડે છે, એના કરતાં વધારે આ દુનિયામાં કોઈ કામનસીબ નથી.

                     સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ
                        મકવાણા રાહુલ.એચ
                                (બે ધડક)     
      

***

Rate & Review

ATULCHADANIYA

ATULCHADANIYA 2 weeks ago

Bharat Saspara

Bharat Saspara 7 months ago

Dimpal

Dimpal 7 months ago

Panchal Vinayak

Panchal Vinayak 9 months ago

A

Krishna Thobhani

Krishna Thobhani 9 months ago