Highway Robbery - 48 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 48

હાઇવે રોબરી 48

રાતથી વસંતને ઘર યાદ આવતું હતું. નંદિની અને રાધા યાદ આવતા હતા. મન થતું હતું ઘરે દોડી જાઉં. ખબર નહિ કેમ આજે નંદિનીનો ચહેરો સામે આવી જતો હતો. એ સન્નાન આદિથી પરવારી મંદિરમાં પ્રભુ સામે જઇ બેસી ગયો. આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો.
માથે કોઈનો હાથ ફરતો હતો. વસંતે આંખો ખોલી. સ્વામીજી એક નિર્મળ હાસ્ય સાથે સામે ઊભા હતા. જાણે આંખોથી હદયમાં ઉતરતી નજર હતી તેમની પાસે.
' વત્સ, માલિકના ખોળા લમાં ચિંતા શેની, બધું જ એને સોંપી દે. સુખ, દુઃખ, ચિંતા, આધિ, વ્યાધિ અને જવાબદારી. એ આપણા કરતાં બહુ જવાબદાર છે. અને વિશ્વાસ રાખ એના સમયે જઇ એ એનું કામ જરૂર પૂરું કરશે. '
વસંત સ્વામીના પગને પકડી પડ્યો રહ્યો. પ્રશ્ચયાતાપના આંસુથી સ્વામીના પગ પખાળી રહ્યો.
સ્વામીજીએ એને ઉભો કર્યો. વસંત આંસુ લૂછી ઉભો થયો.
' પ્રભુ, રસોઈમાં આજે મગની દાળનો શિરો બનાવું? '
' વત્સ, રસોડું તારું છે. મને પૂછવાની જરૂર નથી. જા પ્રભુ કદાચ આજે એનો પ્રસાદ ઇચ્છતા હશે. '

સ્વામીજી ઘણો અંદાજ લગાવી શકતા હતા. માણસના ચહેરાને વાંચી શકતા હતા. પણ કોઈ માણસને પ્રશ્નો પૂછી એના ઘાને ખોતરવા નહોતા માંગતા. આ જ સાધુત્વની સાચી નિશાની હતી.

*************************

આજ વસંતને સમજાતું ન હતું કે શું થયું છે ? આજે નંદિની કેમ આટલી યાદ આવે છે ? એ રસોઈ ઘરમાં ગયો. નંદિનીને મગની દાળનો શિરો ખૂબ ભાવતો. એ પણ ભાઈના હાથનો જ. જ્યારે એને મન થતું ત્યારે એ જીદ કરી વસંત પાસે શિરો બનાવડાવતી.

વસંત થાળી તૈયાર કરી મંદિરમાં ગયો. પ્રભુ ચરણે થાળી મૂકી આંખો બંધ કરી ઉભો રહ્યો. પ્રભુ ભાવનાના ભૂખ્યા હોય છે. એ પ્રાર્થના કરતો રહ્યો...
' પ્રભુ, આજ આમ કેમ ? બધું બરાબર તો હશે ને? બધું તારા ચરણોમાં ધરું છું... સુખ, દુઃખ, પાપ, પુણ્ય, રાધા, લાલો અને... અને મારી નંદિની. '
પ્રભુની મૂર્તિ સુધી થાળીની સુવાસ પહોંચતી જ હશે. વસંતને આજે પ્રભુનો ચહેરો વધારે પ્રસન્ન લાગ્યો. વસંતનું મન હળવું થયું.
સ્વામીજીથી મનોમન એક પ્રાર્થના નીકળી. 'હે પ્રભુ સહુ જીવનું કલ્યાણ કરજે. તારા શરણે છે બધું. '

એ સમયે નંદિનીના ફેરાની વિધિ ચાલતી હતી. નિરવ એની લાડલી બહેનના લગ્નમાં જવ તલ હોમી ભાઈની ફરજ અદા કરી રહ્યો હતો.
વસંતની ગેરહાજરીમાં સોનલ અને નિરવે કન્યાદાન કર્યું હતું. અને ધનાઢય નિરવ લાડલી બહેનને લગ્નમાં જે માંગે એ આપવાનું વચન આપી બેઠો હતો. અને નિરવ લાડલી બહેને જે ન માગ્યું એ બધું પણ લઈ આવ્યો હતો. વસવસો ફક્ત એટલો જ હતો કે એ વસંતને લાવી ના શક્યો. જેની રાહ નંદિની જોતી હતી.

લગ્ન પતાવી વર વધુ જમવા બેઠા. કેટલીય વાનગી ઓમાં એક વાનગી મગની દાળનો શિરો હતો. નંદિનીએ પહેલી ચમચી મ્હોમાં મૂકી. એ જ સ્વાદ... જે ભાઈ વગર કોઈના બનાવી શકે. નંદિનીએ ચારે બાજુ જોયું. કોઈ ન હતું. આજે નંદિનીને એ શિરો ખૂબ વ્હાલો લાગ્યો. ભાઈના આશીર્વાદ બહેન સુધી પહોંચી ગયા.

***********************

આખરે એ ઘડી આવી ગઈ...

કન્યા વિદાયની. રાઠોડ સાહેબ અને નંદિની બન્નેની આશા ઠગારી નીવડી. વસંત ના આવ્યો. નંદિનીને વિદાય કરવા ના આવ્યો.
રાઠોડ સાહેબ જાણતા હતા કે વેશ બદલીને પણ એ બહેનના લગ્નને દૂરથી જોવા આવશે, પણ એ ના આવ્યો.
પરાઈ છોકરીની વિદાય પર આજે પહેલી વાર રાઠોડ સાહેબની આંખોમાં આંસુ આવી ગયા.
નંદિનીને સાસરે કાંઈ દૂર જવાનું ન હતું. કોઈ વિશેષ દુઃખનું કારણ પણ ન હતું. પણ છેલ્લી ઘડી સુધી એની નજર વસંતને શોધતી રહી. કદાચ દૂરથી પણ ભાઈ હાથ ઊંચો કરી આશીર્વાદ આપે. કદાચ છેલ્લી ઘડીએ ભાઈ ક્યાંક દેખાઈ જાય.

પણ વસંત ક્યાંય ના દેખાયો. અને મનમાં, હદયમાં એક બોજ લઈ લાડલી બહેન વિદાય થઈ.

************************
અઢી વર્ષ વીતી ગયા હતા.. વારાણસી સ્ટેશન પર આજે ખૂબ જ ભીડ હતી. અમદાવાદ જતી ટ્રેન આજે વધારે ભરચક હતી. એનું એક કારણ એ હતું કે વારાણસીથી અમદાવાદની આ ગાડીના બે કોચ કોઈ સાધુઓએ બુક કરાવ્યા હતા. જે સાધુઓને રિઝર્વેશન નહતું મળ્યું એ જનરલ કોચમાં ગોઠવાઈ ગયા હતા.

ગુજરાતથી આવતા સ્વામીજીના કોઈ ભક્તના અતિ આગ્રહને વશ થઈ સ્વામીજીએ, એ ભક્તના ગામમાં કથા કરવા જવાનું સ્વીકાર્યું હતું.

ટ્રેનની સાઈડની સીટ પર બેઠેલો વસંત વિચારમગ્ન હતો. આનન્દ અને ડરના મિશ્રિત ભાવ હદયને ઘમરોળી રહ્યા હતા.......

(ક્રમશ:)

30 જુલાઈ 2020