Highway Robbery - 47 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 47

હાઇવે રોબરી 47

સાડા ત્રણ મહિના થઈ ગયા હતા આશુતોષની ઇન્જરીના. નંદિની દર અઠવાડિયે એક બે દિવસ ગામડે જતી હતી. જ્યારે નંદિની ગામડે જતી ત્યારે આશુતોષ પણ સાથે જવા જીદ કરતો. પણ નંદિની અને સોનલ કોઈ પણ બહાને એને રોકી રાખતા હતા.

આશુતોષના બેન્ક ખાતામાં નહિવત બેલેન્સ હતું. છતાં પણ નંદિની ક્યારેક કોરા ચેક પર સહી લઈ જતી. ત્યારે એ હસીને કહેતો...
' બેન્કમાં બેલેન્સ તો છે જ નહિ. '
' મને ખબર છે... '
' તો આ ચેકનું શું કરીશ ? '
' કેમ મારા પર વિશ્વાસ નથી ? '
' તું કહે તો આખી ચેક બુકમાં સહી કરી દઉં. '

**************************

બીજા દિવસે રવિવાર હતો. નિરવ, સોનલ, નંદિની, આશુતોષ બધા સાથે જ જમવા બેઠા હતા. આશુતોષ હવે કંટાળ્યો હતો.
' હવે મારે ઘરે ક્યારે જવાનું છે? હવે મારી તબિયત બિલકુલ સરસ છે. '
નંદિની: ' ચલો કાલે જઈએ. સવારે આઠ વાગે. '
આશુતોષ ખુશ થઈ ગયો:' સાચે જ ? '
નંદિની: ' હા સાચે જ. '
નિરવ: ' આશુતોષ, મારે એક કામ હતું. '
આશુતોષ: ' બોલો.. '
નિરવ: ' મારું ધંધાનું કામ ખુબ વધી ગયું છે. મારે એક વિશ્વાસુ માણસની જરૂર છે. જેના ભરોસે હું આખો ધંધો મૂકી શકું. તું મારી ઓફીસમાં કામ કરીશ. '
આશુતોષ : ' પણ કામ શુ કરવાનું ? '
નિરવ : ' બધે સી.સી.ટી.વી. છે. પણ મારા માણસોનું ધ્યાન રાખવાનું, હિસાબો લખવા માણસો રાખ્યા છે પણ એ બધાનું ધ્યાન રાખવાનું. માણસોની જરૂર પડે ભરતી કરવાની વગેરે. અને પગાર પચાસ હજાર. '
આશુતોષ : ' આટલો બધો પગાર.. '
નિરવ : ' આશુતોષ, તારે કામ કરવાનું છે એ કદાચ ઓછા પગારમાં થઇ શકે પણ વધારે પગાર વિશ્વાસનો આપીશ. મારો સોના અને હીરાનો જોખમી ધન્ધો છે. એમાં વિશ્વાસુ માણસ જોઈએ. અને કરોડોના હીરા પાછા આપનાર તારા જેવો વિશ્વાસુ વ્યક્તિ ક્યાંથી મળે. '
સોનલ જાણતી હતી કે નિરવ એક રીતે આશુતોષને મદદ કરી રહ્યો છે. પરંતુ નિરવના આટલા મોટા કારોબારમાં એક ઘરનો વિશ્વાસુ માણસ જોઈએ. અને એના માટે આશુતોષ યોગ્ય હતો.

****************************

સવારે નવ વાગે નિરવની ગાડી ગામ નજીક આવી. આશુતોષના હદયમાં કંઈક અવનવા ભાવ આવતા હતા. એને વસંત યાદ આવ્યો. કાશ એ આજે સાથે હોત. નંદિની બાજુમાં જ બેઠી હતી. એ ગાડીની બહાર જોતી કંઇક વિચારોમાં ખોવાયેલી હતી. ગાડી ગામના પાદરે આવી અને નિરવે ગાડી ઉભી રાખી.
નિરવ: ' આશુતોષ હીરા પોલીસમાં પકડાવા બદલ તને સરકાર તરફથી ઇનામ મળ્યું હતું.'
આશુતોષ આશ્ચર્યથી બધા તરફ જોઈ રહ્યો..
નિરવ: ' તને પૂછયા વગર અમે એનો ઉપયોગ કર્યો. નંદિની એમાં તૈયાર ન હતી. પણ અમે તેને પરાણે તૈયાર કરી. સોરી અમે તારી પરમિશન ના લીધી. '
આસુતોષે જોયું, નંદિનીની આંખોમાં આંસુ હતા.
નંદિની: ' આશુતોષ, સોરી.. '
આસુતોષે નંદિનીના હાથ પર પોતાનો હાથ મુક્યો.
' ના નંદિની. જે મારું છે એના પર તારો પૂરો અધિકાર છે. એમાં મારી પરમિશનની જરૂર ના હોય. '

****************************

નિરવની ગાડી આશુતોષના ઘરની આગળ આવીને ઉભી રહી. આશુતોષ આશ્ચર્યથી ઘરને જોઈ રહ્યો. તૂટેલા ખન્ડેર ઘરની જગ્યા એ સરસ બે માળનું મકાન હતું. આગળ ખુલ્લી જગ્યાને કવર કરી એક સરસ દરવાજો મુકેલ હતો. ઘર આગળની ખુલ્લી જગ્યામાં આશુતોષને ગમતા રંગબેરંગી ફૂલો ઉગેલા હતા.
આસુતોષે નંદિની તરફ જોયું.....
સોનલ: ' આશુતોષ કેવી લાગી સરપ્રાઈઝ. ત્રણ મહિના નંદિનીએ દોડધામ કરી છે. અને ખાસ તારી પસંદના ફૂલો વાવ્યા છે. '
આશુતોષ: ' ખૂબ સરસ, થેન્ક્સ નંદિની.'
આશુતોષની બા દરવાજે દીકરાને આવકારવા થાળીમાં કંકુ, ચંદન, પાણીનો લોટો લઈને ઉભા હતા. બાની બાજુમાં રાધા ભાભી પણ ઉભા હતા. આશુતોષની બાજુમાં નંદિની, સોનલ, નિરવ ઉભા હતા.
રાધા ભાભી: ' બા, મારી નંદિનીને ના પોંખતા, હજુ વાર છે. '
બધા હસી પડ્યા....
****************************

સાંજે બધા છુટા પડ્યા. ઘરનું કામ પતાવી નંદિની આશુતોષ પાસે આવી.

' હું જાઉં છું ઘરે, ભાભી રાહ જોતા હશે. '
' થોડી વાર તો બેસ મારી પાસે. '
ખાટલાની કિનારી પાસે નંદિની બેઠી.
' નંદિની તું જઈશ એટલે ઘર ખાવા આવશે, રોકાઈ જા... '
' કેમ.. આટલા વર્ષો તો એકલા રહ્યા હતા. '
' નંદિની હવે નહિ, હવે હું થાક્યો છું. એકલતાથી. '
નંદિની નિરુત્તર હતી. રોકાવાનું એના હાથમાં ન હતું.
પરંતુ રાધા ભાભી સમજદાર હતા. આશુતોષની આંખોમાં નંદિની માટેના ભાવ સમજતા હતા. એમની ઈચ્છા હતી કે વસંતની હાજરીમાં એમનું સ્વપ્ન પૂરું થાય તો સારું. પરંતુ એમનું મન જાણતું હતું કે હવે રાહ જોવી નકામી છે. એ જ્યાં હશે ત્યાં એ જાણશે કે એમનું સ્વપ્ન પૂરું થયું તો પણ એમના મનને શાંતિ મળશે.

અને રાધા ભાભીએ ત્રણ મહિના પછીનું મુહૂર્ત કઢાવ્યું. નંદિની અને આશુતોષના મનમાં બે વિરોધી ભાવ એક સાથે આવતા હતા. પોતાના લગ્નના અને વસંતની ગેરહાજરી ના.

**************************
રાઠોડ સાહેબને આશુતોષના લગ્નનું આમંત્રણ હતું. એક પોલીસ ઓફિસરની સાથે એ એક સજ્જન વ્યક્તિ પણ હતા. એમને એક વિચાર આવતો હતો કે કદાચ વસંત આવશે. જે બહેનના લગ્નનું એણે સ્વપ્ન જોયું હતું એમાં એ ના આવે એવું ના બને. ત્રણ મહિનાથી નંદિનીના લગ્નની તારીખ નક્કી થઈ છે. એટલે એ વાત વસંત સુધી જરૂર પહોંચી હશે.

નંદિનીના લગ્નની આગલી રાતથી નંદિનીના ગામ લની ચારે બાજુ સાદા કપડાંમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.
સોળે શણગાર સજી નંદિની તૈયાર હતી. એક આશ હતી. ભાઈ આવશે.. જે ભાઈ એ એના સ્વપ્ન પૂરું કરવાનું સ્વપ્ન જોયું અને એ સ્વપ્ન પૂરું કરવા પોતાની જીદંગી દાવ પર લગાવી દીધી, એ ભાઈ મને વિદાય કરવા નહિ આવે? જરૂર આવશે....
રાઠોડ સાહેબ પણ ફેમિલી સાથે લગ્નમાં આવ્યા હતા.
જીદંગીની કેવી પરિસ્થિતિઓ હોય છે? શરીર લગ્નમાં આવ્યું છે અને મન કોઈને શોધી રહ્યું છે.

આખરે એ ઘડી આવી ગઈ.....

(ક્રમશ:)

29 જુલાઈ 2020