krossing ગર્લ - 6

બંગલો નં. 10, રાજમાર્ગ.

બંગલાની લાલ ઈંટોમાં શોખથી સજાવેલા સપનાંઓ જોઈ શકાતાં હતાં. બે માળનો આ બંગલો કોઈ પુરાતન ઈમારતની યાદ અપાવતો હતો. આસોપાલવની ફરતી વાડ જાણએ બંગલાને ઘેરી વળી હતી. વાંસની ઝાંપલી પણ કલાત્મક કૃતિની જેમ રંગબેરંગી કલરથી ચીતરેલી હતી. દીવાલની બાજુની ક્યારી વિવિધ ફૂલોથી શોભતી હતી. અડધા ફળિયા માથે લીલીછમ વેલ છાપરાની જેમ પથરાયેલી હતી. બીજા માળની બાલ્કનીમાં હીંચકો હતો. પહેલા અને બીજા માળની વચ્ચે મોટા અક્ષરે લખેલું હતું – “જીવતું સ્વર્ગ”. હું ઝાંપલી ખોલી અંદર પ્રવેશ્યો. બારણે ટકોરા માર્યા.

થોડી વાર પછી ધીરે રહીને દરવાજો ખૂલ્યો. પંચરંગી બૉક્સરમાં છ ફૂટ ઊંચો છોકરો મારી સામે ઉભો હતો.  થોડા લાંબા વાંકડીયા વાળ. આછી દાઢી, આંખોમાં વાદળી ચશ્માં. એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં કાચના પ્યાલામાં કંઈક ડ્રીંક્સ હતું. તેનો માંસલ પણ એકવડીયો બાંધો. કસરતથી એકદમ પરફૅક્ટ શેપમાં કસાયેલું શરીર. તે કોઈ મૂવીના હીરો મટિરિયલ જેવો લાગતો હતો. બારસાંખને ટેકો લઈ પગની આંટી ચડાવીને તે ત્રાંસો ઉભો હતો.

“શું વેચવા આવ્યો છે – કોન્ડોમ્સ કે વાયેગ્રા ?” તે બોલ્યો.

મેં એક વાર મારી સામે જોયું. ખભે સાદી બૅગ લટકતી હતી. બ્લેક પૅન્ટ અને ઇન-શર્ટ કરેલા ફોર્મલ વ્હાઇટ શર્ટમાં હું કોઈ કંપનીના સૅલ્સમેન જેવો લાગતો હતો ? તેલ નખીને વ્યવસ્થિત ઓળેલું માથું, પગમાં પાર્ટીવેરના બૂટ, હાથમાં રહેલી પ્લાસ્ટિકની બૅગ... દીદાર તો કંઈક એવા જ હતા.

“કદાચ તમારી કોઈ ભૂલ થાય છે. હું અહીંયાં કંઈ વેચવા નથી આવ્યો પણ પી.જી. તરીકે રહેવાનું પૂછવા માટે આવ્યો છું. મને કાકાની કીટલીવાળા કૉકટેલભાઈએ તમારો કૉન્ટેક્ટ કરવા માટે કહેલું.” હું બોલ્યો.

“વૉટ ધ ફક...” તે હસીહસીને બેવડો વળી ગયો. તેણે ગ્લાસમાં બાકી રહેલું ડ્રીંક્સ પૂરું કર્યું, સિગારેટનો કસ લઈને પૂછ્યું, “કૉકટેલભાઈ... અબે આજના જમાનામાં કોણ આવી રીતે વાત કરે છે ? જો બકા, તું  મને વધારે પડતો સંસ્કારી લાગે છે. મારી ઘરે પી.જી. માટે ઘણાયે ટ્રાય કરી છે પણ કોઈ 10 દિવસથી વધારે ટક્યું નથી. રાજકોટમાં ઘણી સારી બોયસ્ હૉસ્ટેલ્સ છે. તું ત્યાં કંઈક સેટિંગ કર. મારી સાથે રહીશ તો બૅડબોય બનતાં વાર નહીં લાગે, જે બનવાની હજુ તારી ઉંમર નથી.”

“કૉકટેલે કીધું હતું રાજકોટમાં તમારાથી અઘરી આઈટમ એક પણ નથી. મને 10 દિવસ રહેવા દો. નહીં ફાવે તો પાછો ચાલ્યો જઈશ.” મારે ફઈના ઘરેથી બને એટલું વહેલું નીકળવું હતું.

તે કોઈને ફ્લાઈંગ કિસ આપી રહ્યો હતો. બેબ્સ, આજે રાત્રે નાઈન ઓ ક્લોક એફ.બી.માં મળીએ. તારું વૉઇસ રેકોર્ડિંગ સાથે લેતી આવજે. મેં પાછળ ફરીને જોયું. બાલ્કનીમાં ઉભેલી છોકરીએ હસીને થમ્સઅપનો ઇશારો કર્યો. મેં તે વિશાળ બિલ્ડિંગ તરફ નજર કરી. તેના ઍન્ટ્રી ગૅટની દીવાલ પર લખેલું હતું, “લાઈફ લાઈન ગર્લ્સ હૉસ્ટેલ”.

તેણે સિગારેટ બુઝાવી. કંઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યો, “તું ઘરની અંદર જા. ટિપોઈ પર રુલ્સના લિસ્ટની ફાઇલ પડી હશે. વાંચી લે. હું દસેક મિનિટમાં આવું છું.” હું કંઈ પૂછું એ પહેલાં તો તે નીકળી ગયો.

હું અંદર ગયો. અત્તરની સુવાસથી જાણે આખું ઘર મઘમઘી રહ્યું હોય તેવું લાગ્યું. હોલ મોટો હતો. મીની થિયેટર જેવડી ટીવી સ્ક્રીન, આધુનિક સાઉન્ડ સિસ્ટમથી સજ્જ હોય તેવું લાગ્યું. હોલના ખૂણે અને સ્ક્રીન નીચેના સ્ટેન્ડ પર થઈને કુલ દસેક જેટલા સ્પીકરો લાગેલા હતા. એક મોટા અને બે નાના સોફા વચ્ચે મખમલી ગાલીચો પાથરેલો હતો. દીવાલ પર નાનામોટા અનેક ચિત્રો લગાડેલા હતા. હોલમાં ઠેર ઠેર બુક્સના ઢગલા પડ્યા હતા. બે ટેડી સોફા પણ તેના આરામ ફરમાવવા માટે હતા. મેઈન ડૉરમાં દાખલ થતાં ડાબી બાજુ હોલ હતો. જમણી બાજુ બે રૂમ હતા. રૂમની પાસે જ ઉપરના માળે જવા માટે સીડી હતી. સીધા ચાલી પાંચ પગથિયાં ચડો એટલે ડાબી બાજુ ડાઇનિંગ ટેબલ અને તેની બરાબર પાછળ રસોડું હતું. ડાઇનિંગ ટેબલની આગળના ભાગમાં છ ફૂટ લાંબું અને ત્રણ ફૂટ પહોળું માછલીઘર હતું.

નાના સોફા પાસે ખૂણામાં ટિપૉઈ હતી. તેના પર એક બ્લૂ કલરની ફાઈલ હતી. હું સોફા પર બેસી તે ફાઈલ વાંચવા લાગ્યો.

હું જીવતા મડદા સાથે સંબંધ રાખતો નથી. અહીંના સ્વર્ગમાં જીવવા માટેના નિયમો :

*  સમાજ, સરકાર અને પરિવારે પ્રતિબંધ મૂકેલા બધા કામો કરવાની અહીં છૂટ છે.

*  પ્રેમ, સેક્સ અને ભોજનની સૂગ ના હોવી જોઈએ.

*  આ ઘર છે એટલે શિસ્ત,સ્વચ્છતા અને સંસ્કારો માટે બહુ આગ્રહ ના રાખવો.

*  આ ‘જીવતું સ્વર્ગ’ છે. તમને મરતાં પહેલાં દરેક ઇચ્છા જીવી લેવાની કોઈ મનાઈ નથી.

 

મેં બીજું પાનું ફેરવ્યું. વધુ નિયમો માટે આગળ વાંચો. મેં પાછું પાનું ફેરવ્યું, તેમાં પણ આવું જ લખેલું હતું. આગળના પાનાઓમાં પણ આ જ લખાણ... મેં આખી ફાઈલ ફેરવી નાખી. છેલ્લા પાને લખ્યું હતું – 

“મૂરખના સરદાર”

“આ ઘર છે કોઈ કાળા પાણીની જેલ નથી.”

હું હસી પડ્યો. મેં મનોમન નક્કી કર્યું. મેં નક્કી કર્યું 12 સાયન્સ પૂરું નહીં થાય ત્યાં સુધીમાં કોઈ પણ સંજોગોમાં આ ઘર નહીં છોડું. મેં ફાઈલ પડતી મૂકી. ઝડપથી ઉભો થઈને માછલીઘર પાસે ગયો. તે બરાબર મારી આંખોની સામે આવતું હતું, કેટલું અદભુત હતું. બધી માછલીઓ સ્વતંત્ર હોવા છતાં કેદ હતી. મારી જેમ જ. છતમાં પવનની લહેરખીથી ઝૂમર ડોલતાં ખન...ખન...નો અવાજ આવ્યો. ખરેખર બધું કઈંક અલગ જ  હતું. કોઈ અજબની શાંતિ અનુભવાતી હતી.

“શું લાગે છે તને ? તું આ બધા રુલ્સ ફોલો કરી શકીશ ?” તેનો અવાજ મને વાસ્તવિકતામાં લાવ્યો.

“મને નથી ખબર. પણ હું પ્રયત્ન ચોક્કસ કરીશ કેમ કે આટલી બધી ફ્રીડમ મને હજુ કોઈ દિવસ મળી નથી. ક્યાંય ખબર ના પડે તો મને શીખવાડજો.” મેં કહ્યું.

“આઈ લાઈક યોર ડેરિંગ એન્ડ થોટ પ્રોસેસ. લાગે છે તને તારી અસલી ઓળખ આપવી પડશે. તારું મૅકઑવર કરવું પડશે. કાલે સવારે સામાન લઈને આવી જજે. બાકીનું બધું તને સવારે સમજાવી દઈશ.” તેણે ઉપરના માળે જતાં કહ્યું.

“અહીંનું રૅન્ટ શું છે ? મારા પપ્પા કંઈ બહુ પૈસાવાળા નથી.” મેં પૂછ્યું.

“તું મને સહન કરી શકે એમાં તારું ભાડું આવી જાય. આમ તો તારા માટે બધુ મફત હોવા છતાં કશું પણ ફ્રી નથી કારણ ફ્યુચરમાં કોઈ દિવસ તારે આની બહુ મોટી કિંમત ચુકવવા તૈયાર રહેવું પડશે. સી યુ ટુમોરો મોર્નિંગ ઍટ 7 a.m.” આટલું બોલી તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

હું આખા રસ્તે વિચારતો રહ્યો,તે મને મફતમાં રહેવા દેવા શા માટે તૈયાર થયો હશે ? શું તે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતો હશે ? ચહેરા અને સ્વભાવ ઉપરથી તો એવો નથી લાગતો. જે હોય તે દસ દિવસમાં બધી ખબર પડી જશે. પરંતુ ફઈ અને ફુવાને શું કહેવું ? તેમને કેમ સમજાવવા ? સાચું કહીશ તો કોઈપણ સંજોગોમાં તે મારી વાત નહીં માને. આજના સમયમાં કોણ આવી મહેરબાની કરે ? મારે મારી કલ્પનાનો ચમત્કાર બતાવવો જ પડશે.

*  *  *  *  *  *  *  *

“ફુવા, એક કપલ ફોરેન રહે છે. અહીંયાં તેમનું મકાન ખાલી છે. તેમના સંબંધીનો એક છોકરો એ મકાનમાં રહીને સ્ટડી કરે છે. આમ તો એ બીજા કોઈને ભાડે આપતા નથી. ‘કાકાની કીટલી’ પર ઓચિંતી એ છોકરાની સાથે મુલાકાત થઈ. તેને મારી સાથેની વાતચીત પસંદ પડી હશે. હું રહેવા માટે જગ્યા શોધું છું મેં તેને વાત કરી. તેણે મને વ્યાજબી ભાવે પોતાની સાથે રહેવા માટે ઓફર કરી. કદાચ તેને પણ કોઈની કંપનીની જરૂર હશે. આમ જોતાં તો છોકરો સારો લાગ્યો એટલે મેં પણ હા પાડી દીધી. પછી તેની જોડે ઘર જોવા ગયો. મને ઘર પણ બહુ ગમ્યું.” આખરે મેં બનાવટી વાર્તા ફઈ અને ફુવા સમક્ષ રજૂ કરી.

“છોકરાનું નામ શું છે ?” ફુવાએ પૂછ્યું.

હે ભગવાન... એનું નામ શું હતું ? એણે હજુ પોતાની ઓળખાણ આપી જ નહોતી. ઓહ શીટ... હું તેનું નામ પૂછવાનું કેમ ભૂલી ગયો ? “તેને મે ઉપરથી કંઈક કીધું હતું. થોડુંક લાંબુ અને અઘરું છે. અત્યારે યાદ નથી આવતું... હા, પણ મને ઘરનું ઍડ્રેસ ખબર છે.” મેં થોથવાતાં કહ્યું.

તેમણે સરનામું અને બીજી બધી વિગતો પૂછી. મારી વાતો સાંભળી તે મરકમરક હસ્યા. તે ગૅલૅરીમાં જઈને કોઈ જોડે ફોનમાં વાતો કરવા લાગ્યા. તેમણે મારા ઘરે ફોન જોડ્યો. મારા પપ્પા સાથે વાત કરી. આખરે મને ત્યાં રહેવા જવાની મંજૂરી આપી દીધી. હું હરખાઈ ગયો.

તે મને જરૂરી વાત કહેવા માટે બીજા રૂમમાં લઈ ગયા. “ક્રિષ્ના, તને વાર્તા ઘડતાં સારી આવડે છે. પણ રજૂઆત યોગ્ય રીતે ના થાય તો તે ફૅક અને બનાવટી છે એવું સમજતાં વાર નથી લાગતી. વાર્તા સાથે કામ લેવું હોય તો ખોટું બોલવામાં માસ્ટરી કેળવવી પડે.

તું જેની ઘરે રહેવા જવાનો છે તેનું નામ સાગર શેખ છે. તેના ભૂતકાળ કે કામ વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેની અમુક પ્રવૃત્તિઓ ખૂબ જ રહસ્યમય છે. માટે થોડો સાચવીને રહેજે. છોકરો ખરાબ નથી. મસ્ત મૌલાના અને બેફિકર જીવડો છે. તને જીવતાં શીખવાડી દેશે. જવું કે નહીં ? સવાર સુધીમાં વિચારી લેજે. એક વાર ત્યાં જઈશ પછી પાછો ક્યારેય નહીં આવી શકે. ઑલ ધ બેસ્ટ.”

ફુવાના આ શબ્દો સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે મારું જૂઠ પકડી પાડ્યું હતું. છતાં પણ મને ત્યાં રહેવા જવા માટેની પરમિશન આપી. મતલબ તે માણસ તરીકે સુરક્ષિત છે. એટલી તો મને ખાતરી થઈ ગઈ. શું હું હાથે કરીને કોઈ મુસીબત નોતરી રહ્યો હતો ? કોઈ માણસનું કામ આટલો લાંબો સમય કેમ છુપું રહી શકે ? જે પણ હોય... મારે તો અહીંથી બને તેમ વહેલા નીકળવું હતું. મને તેનો કોઈ ડર નહોતો લાગતો. ફુવાએ કહ્યું સાવ તેવું તો ના જ હોય. જો ખરેખર એવું હોય તો એના પણ ચોક્કસ કારણો હશે. આ બધું તેના ઘરમાં રહેવા ગયા સિવાય ક્યારેય જાણવા મળે તેમ નહોતું. હું આતુરતાથી સવાર પડવાની રાહ જોવા લાગ્યો.

વહેલી સવારે મેં ફઈનું ઘર છોડ્યું. રિક્ષા સાગરના ઘર સામે ઉભી રહી. સામેની ગર્લ્સ હૉસ્ટેલમાંથી છોકરીઓ ડોળા ફાડીને જોઈ રહી હતી. કેટલીક એકબીજાને તાલી દેતી ચહેરો અંદર હસી રહી હતી. હું સામાન સાથે ‘જીવતા સ્વર્ગ’માં દાખલ થયો.

“વેલકમ મિસ્ટર ક્રિષ્ના પટેલ. યુ આર ટેન મિનિટ્સ લૅટ. અહીંયાં રહેવા માટે બધા કામ સમયસર કરવાની ટેવ પાડી લેજે. તું બેસ, હું આપણા માટે કૉફી બનાવું છું.” તે ફોનમાં કોઈ સાથે વાત કરતાં કરતાં કૉફી બનાવી રહ્યો હતો. મને માછલીઘર બહુ ગમી ગયું. ફરીથી ઉભો થઈ તેને જોવામાં મશગુલ બની ગયો.

“એ બધી ક્યાંય નથી જવાની. આખો દિવસ તારી સામે જ રહેશે. અત્યારે ભલે ટીકીટીકીને જોતો હોય. અઠવાડિયા પછી તેની સામે નજર પણ નહીં કરે.” સાગર શેખ ‘છોકરીના છપ્પા’માં આવું બ્રહ્મજ્ઞાન આપે છે.

તે હાથમાં કૉપીના બે કપ લઈને હાજર થયો. એક મને આપ્યો, પછી પોતે રસોડાના પગથિયાંની દીવાલને ટેકો દઈ લાંબા પગ કરીને બેઠો.તે સતત મને નીરખી રહ્યો હતો. તેની નજર હું અનુભવી શકતો હતો. એકદમ શાંતિથી કૉફીની ચુસ્કી લેતાં લેતાં તેને પ્રથમ મૌન સાથેનો સંવાદ રચ્યો. સાગરે બહુ મસ્ત કૉફી બનાવી હતી. આમ તો હું ચા પીતો. ગીતા ક્યારેક અમારા બંને માટે કૉફી બનાવતી. પરંતુ સાગરની કૉપીનો સ્વાદ કંઈક અલગ જ હતો. મેં તેની સામે જોયું. તે એકદમ શાંત થઈ પોતાનામાં ખોવાયેલો હતો. કૉફીના ઘૂંટડાની લિજ્જત તે આંખો બંધ કરી માણી રહ્યો હતો. તેણે મને ‘ક્રિષ્ના પટેલ’ કહીને બોલાવ્યો હતો એ મને યાદ આવ્યું.

“મેં તો મારું નામ જ નથી કહ્યું, તો તમને કેમ ખબર પડી ?” મેં પૂછ્યું.

તે હસ્યો અને આંખો ખોલી, ”મારા ઘરમાં રહેવું હોય તેની સાત પેઢી સુધીની ડિટેઇલ્સ મારી પાસે હોય છે. હવે એ ક્યાંથી આવી એવું ના પૂછતો. હવે જે કહું છું તે ધ્યાનથી સાંભળજે. આમ તો એગ્રીમેન્ટ ફાઈલમાં બધું ડિટેઈલ્સમાં લખેલું છે પરંતુ તને ટૂંકમાં કહું છું.

મારું નામ સાગર શેખ છે. તારે મને ફક્ત નામથી જ બોલાવવાનો. પાછળ જી, સર, ભાઈ કે સાબનું સન્માનનું ટૅગ જોડવાની જરૂર નથી. શેખ સરનેમ મેં ફક્ત શોખ માટે જ રાખી છે. હું બધા ધર્મમાં માનું છું એટલે જ માનવધર્મ સિવાય કોઈ ધર્મમાં માનતો નથી. મારા વિશે બીજું કંઈ પૂછવું નહીં અને જાણવાની કોશિષ પણ ના કરવી. જ્યારે પણ મને જે જણાવવા જેવું લાગશે એ સામેથી કહીશ.

હું હમણાં બહાર જવાનો છું, સાંજે પાછો આવીશ. અહીંયાં સીડી પાસેનો જે ખુલ્લો રૂમ છે એ તારા માટે છે. રૂમમાં ટેબલ પર એગ્રીમેન્ટ માટેની ફાઈલ પડી છે. ઘરમાં રહેવા માટે તેમાં દસ દિવસમાં સહી કરવી ફરજિયાત છે. સાથે એક મોટુ કવર છે. તેમાં બેન્કનું કાર્ડ, ઘરની ચાવી, ઘરની જરૂરી વસ્તુ માટેની દુકાનોનું લીસ્ટ, ઘરની તમામ સર્વિસ માટે જરૂરી લોકોના નંબર છે. તું તારા અને ઘર માટે ગમે તેમ ખર્ચ કરી શકે છે. હું ક્યારેય હિસાબ નહીં માગું પરંતુ પૈસા કરતાં મારો વિશ્વાસ વધુ અગત્યનો છે એ વાત હંમેશાં યાદ રાખવી.

બીજા માળે બે રૂમ છે, જેમાં એક મેજીક રૂમ છે. તેમાં ભૂલથી પણ ક્યારેય પ્રવેશવાની ગુસ્તાખી ના કરવી. બીજો રૂમ મારો છે. તેમાં તું ગમે ત્યારે આવી શકે છે. તેની બાલ્કનીમાં એક હીંચકો છે. સવારમાં કે સાંજે ગર્લ્સ હૉસ્ટેલની છોકરીઓને નિહાળવાની ટેવ પાડવી. તારી ઉંમર દસ વર્ષ વધી જશે. સાથે ઘણું બધું ફ્રીમાં શીખવા મળશે. એક મૂંગા પતિ-પત્ની ઘરની સફાઈ અને બીજા કામ માટે આવશે. તારે જ્યારે બપોરે જમવાનું હોય ત્યારે તેમને કહી દેવું. રાત્રે જમવાની વ્યવસ્થા બીજી જગ્યાએ છે. મારો ફોન ચાલુ હોવાની કોઈ ગૅરૅન્ટી નથી. ઇમરજન્સી માટે તારા રૂમમાં ત્રણ નંબરો લખેલા છે એ યાદ રાખી લેજે. ફોનમાં ‘છોકરીના છપ્પા’નો કૉડવર્ડ છે. તને ઍની ટાઈમ મદદ મળી જશે. નાની નાની વાતોમાં મને ફોન કરવો નહીં. આજે આટલું બસ છે. વધારે વાતો પછી કરીશું.”

સુચનાઓ સાથે તેની કૉફી પણ પૂરી થઈ ગઈ હતી. તે પોતાના રૂમમાં ગયો. પાંચેક મિનિટમાં બૅગ લઈને ‘બાય’ કહીને નીકળી ગયો. મનમાં થોડા સવાલો થયા પણ હું પૂછવા માટે હજુ તૈયાર નહોતો તેવું લાગ્યું.  

“મૅજિક રૂમ... શું હશે તેમાં ? અંદર જવાની શા માટે ના પાડી હશે ?” મેં કૉફી પૂરી કરી. કપ મૂકવા રસોડામાં ગયો. દીવાલો સહિત સ્ટૅન્ડના ખાના ફર્નિચરથી મઢેલા હતા. દરવાજા પાસેના લાંબા મારબલ પર ઑવન મિક્સર સહિતના બધા સાધનો હતા. ત્રિપલ ડૉરનું રેફ્રિજરેટર હતું. પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બાઓ નાસ્તાથી ભરેલા હતા. મેં ટોપલીમાંથી એક સફરજન ઉપાડ્યું. સામાન લઈને મારા રૂમમાં ગયો.

મારા માટે તો રૂમ ખાસ્સો મોટો હતો. મોટા સિંગલબેડમાં બે વ્યક્તિ આરામથી સૂઈ શકે તેમ હતા. દીવાલમાં ફર્નિચરથી મઢેલા કબાટના છ ખાના હતા. મેં ઉપરના એક ખાનામાં મારો સામાન ગોઠવ્યો. એક સ્ટડી ટૅબલ, એક નાનું કમ્પ્યૂટર ટૅબલ, રિવોલ્વિંગ ચૅર, દીવાલની ખાંચામાં ઉભી કરેલી લાંબી લાઈબ્રેરી, દીવાલ પર ટીંગાતાં ચિત્રો – આખો રૂમ ભરેલો છતાં પૂરતી જગ્યાવાળો હતો.

મેં કવર ખોલ્યું. તેની સૂચના મુજબ જરૂરી વસ્તુઓ પાકીટમાં મૂકી. બીજા લિસ્ટ ટૅબલના ખાનામાં મુક્યા. ઇમરજન્સી નંબરો સાગરના નંબર સાથે મોબાઈલમાં સેવ કર્યા. પછી ઍગ્રીમેન્ટ ફાઈલ હાથમાં લઈ પલંગમાં પડતું મુક્યું. એકદમ પોચાં રૂમાં જાણે હું ખૂંચતો જતો હતો. મુલાયમ, સુંવાળું અને નરમ. હું ફાઈલ વાંચવા લાગ્યો. બધું અંગ્રેજીમાં હતું. થોડુંક ઘણું સમજાયું. થોડી વારમાં કંટાળો આવ્યો. મેં સાગર પર વિશ્વાસ રાખીને સહી કરી દીધી. ન્હાવા માટે બાથરૂમમાં ગયો. ઓહો... હું જોઈને અચંબિત થઈ ગયો. એકદમ ચકચકિત અને ચોખ્ખું... કેટલું મોટું હતું. મોટો બાથટબ,ખુણામાં ઇંગ્લિશ ટોઇલેટ. .અને દરવાજા પાસે   વોશ‌‌-બેસિન હતું. તેની સામે દીવાલમાં વિશાળ અરીસો જડેલો હતો. તેની નીચે સ્ટૅન્ડમાં બ્યુટીફિકેશનના બધા સાધનો ગોઠવેલા હતા. હું અડધી કલાક સુધી બાથટબમાં નહાતો રહ્યો પછી ડાન્સ કરતો કરતો તૈયાર થવા લાગ્યો. હરખમાં ને હરખમાં તાળી પડાઈ ગઈ.

 પણ... આ શું ?

 મારા રૂમનો કલર અને દીવાલની ચિત્રોની ડિઝાઈન બદલાઈ ગઈ. ફરીથી તાળી પાડી. પાછું બધું બદલાયું. હું નાના બાળકની જેમ હરખાઈ ગયો. મારી તાલીઓના જુદા જુદા અને રિધમ સાથે રૂમનો કલર અને ડિઝાઈન ચૅન્જ થતાં હતાં. મેં રૂમની છત પર જોયું, તેનું ફ્લોરિંગ કંઈ અલગ જ હતું. રૂમમાં ક્યાંય પણ પંખો કે એસી નહોતા છતાં જરા પણ ગરમી નહોતી થતી. મને કંઈ સમજાયું નહીં. અત્યારે એ વિશે વિચારવાનો સમય નહોતો. હું સ્કૂલે જવા માટે ઝડપથી તૈયાર થવા લાગ્યો.

સ્કૂલબેગમાં એડમિશન લેટર, બીજા જરૂરી ડોક્યુમેન્ટ સાથે પેન અને નોટ પણ મુક્યા. હું હજુ સ્કૂલ કેમ્પસમાં ગયો નહોતો પરન્તુ ગૂગલ દેવતાની મદદથી તેનો આખો નકશો મગજમાં કેદ હતો. એડમિશન વિધિ તેની સિટી ઓફિસે જ પતાવી દીધી હતી. ઘરને લોક કર્યું. વાંસની ઝાપલી બંધ કરી.

'ગુડ મોર્નિંગ, હેવ આ નાઇસ ડે'  હોસ્ટેલના ગેટમાંથી નીકળતી સુંદરીના સ્મિત સાથે શબ્દોની મીઠાસ કાને અથડાઈ.

મેં પણ હસીને 'ગુડ મોર્નિંગ' કહ્યું.

રીક્ષા કરવાને બદલે પંદર મિનિટમાં ચાલીને "કાકાની કીટલી" પર પહોંચ્યો. આ જ રિંગ રોડ પર મારી સ્કૂલ 5 કિલોમીટર દૂર હતી. બસ સ્ટોપ પર ઉભા રહો એટલે જોઈએ તેટલી સિટીબસ અને રીક્ષા મળી રહેતી. થોડીવારમાં એક નવીનક્કોર બસમાં બેસી મેં સ્કૂલ તરફ આગળ વધી રહ્યો હતો.

 

***

Rate & Review

Heena Suchak 5 months ago

V Dhruva 6 months ago

Nipa 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago