krossing ગર્લ - 18


"ગણિત... આ એક એવો વિષય છે જેમાં તમે ફક્ત કાગળ અને પેનથી આખી દુનિયાના સમીકરણો બદલાવી શકો. આપણે ત્યાં આ વિષયને એટલી બોરિંગ રીતે ગોખવવામાં આવે છે કે અમુક વિદ્યાર્થીઓ જાણે કોઈ ભૂતપ્રેત હોય એમ આ વિષયથી ડરે છે. પણ મારા ક્લાસમાં એવું કશું નહીં થાય. આપણે ફક્ત કાગળ અને પેનથી શું જાદુ સર્જાઈ શકે તેનો જાત અનુભવ કરીશું.

પરંતુ આજે હું તમને મારી લાઈફનો એક કિસ્સો સંભળાવીશ. તમને બહુ હસવું આવશેધ્યાનથી સાંભળજો.....

હું નાનો હતો ત્યારે ભણવામાં સાવ ઠોઠ. એમાં પણ ગણિતના સાહેબ આવે એટલે હું ચોપડીમાં કંઈક ચિતરામણ ચાલુ કરી દઉં. આઠમા સુધી તો મને ધક્કા મારીને ગણિતમાં માંડ માંડ પાસ કરવામાં આવતો. હું પણ તેના સમીકરણોત્રિકોણમિતિના પ્રમેયોથી બહુ ડરતો. દસમા ધોરણમાં પણ મારી આ જ હાલત હતી. મને એમ હતું કે બધામાં નીકળી જઈશ... પણ ગણિતમાં તો મારી દાંડી ડૂલ થવાની જ.

અમારા ગામમાં એક ભંગારિયાની દુકાન. ગામ આખાનો ભંગાર ભેગો કરે. તેનો છોકરો મારો પાકો ભાઈબંધ. તે કોઈપણ ચીજનું ઓપરેશન કરવામાં ભારી ઉસ્તાદ. તેણે સાત પછી ભણવાનું છોડી દીધું હતું. હું નવરો હોઉં એટલે તેની દુકાન મારો અડ્ડો. તેનું કારીગરી દિમાગ ગજબનું. હું બસ તેને જોયા કરતો. એટલો ધગશવાળો કે જે કરવાનું નક્કી કરે તેમાં દિનરાત રચ્યોપચ્યો રહે. આખો દિવસ પપ્પા સાથે વાહનમાં ભંગાર ભેગો કરવા જાય. અને રાત્રે ગોડાઉનમાં એકલો એકલો કંઈક અવનવું સર્જ્યા કરે. ના આવડે તો શીખવા ગમે ત્યાં જાય. કોઈ મોટા સાહેબ કે પ્રોફેસરો સાથે વાત કરવામાં અચકાય નહીં. ગમે તેવી રીતે તૂટીફૂટી ભાષામાં પોતાની મુશ્કેલી કે પ્રશ્ન તેમને સમજાવી દે. તેને એક દિવસ કોઈ પ્રોફેસરની વાત સાંભળીને ખેતીમાં દવા છાંટવાનું નાનકડું હેલિકૉપ્ટર જેવું મશીન બનાવવાનું નક્કી કર્યું.

એણે બધી ગણતરીઓ માંડી. ધંધામાં ખાસ્સો નફો હતો. હું નવરી બજારની જેમ આંટા મારતો. તેણે મને આખો પ્રોજેક્ટ સમજાવ્યો. પોતાની મુશ્કેલીઓ રજૂ કરી. ગણિતના  આંકડા સાથે કેમ કામ લેવું એ એને આવડતું નહોતું. તેણે મને કીધું, “જો તું આવું હેલિકૉપ્ટર બનાવવામાં મદદ કરે તો નફામાં તારો બેઠો ચોથો ભાગ. પૈસાનું બધું રોકાણ મારું. ” મારે ગણિત સાથે 36 નો આંકડો એ એને પણ ખબર હતી. એટલે એણે ટોણો માર્યો, “શું આખો દિવસ ભણભણ કરે છે. તારું ભણતર  જો એક નાનકડું હેલિકૉપ્ટર ઉડાવતાં ના શીખવી શકે તો તારી ચોપડી નાખી દે કૂવામાં...

મને લાગી આવ્યું. હવે મારી આબરુનો સવાલ હતો. દસમાની બોર્ડની પરીક્ષાને એક મહિનાની વાર હતી. મેં તેની પાસે ચાર મહિનાનો સમય માગ્યો. તેણે આપ્યો. તે રાત્રે ગણિતની ચોપડી ખોલી. વાંચવા માટે નહીં પણ શીખવા માટે. 15 દિવસમાં ચોપડીનો કોઈ દાખલો એવો નહોતો જે મને નહોતો આવડતો. ત્યારે અનુભવ્યું... જો શરૂઆત કરી દઈએ તો કોઈપણ કામ ધારીએ એટલું અઘરું નથી હોતું. 

તે ધૂની બાવાની ધૂન હવે મને પણ લાગી. મને ભણવામાં ખરેખર રસ જાગ્યો. દસમાની પરીક્ષા પછી હેલિકૉપ્ટર માટેની માહિતી ભેગી કરવા માંડી. રમકડાંના સ્ટોલથી માંડી જામનગર જઈ વાયુસેનાના અધિકારીઓને પણ મળી આવ્યો. તેમણે મને બધી બેઝીક વાતો શીખવી. તમારો ઇરાદો નેક હોય તો તમને બધી બાજુની મદદ મળી રહે છે. મહિના દિવસમાં હેલિકૉપ્ટરની બ્લૂ પ્રીન્ટ તૈયાર કરી નાખી. પંદર દિવસ તેમાં જરૂરિયાત મુજબના સુધારાવધારા કર્યા. એક બીજો શેઠને રસ પડતાં તેઓ પણ પૈસા રોકવા તૈયાર થયા. પંદર દિવસ એન્જિન સહિતની બધી સામગ્રી ભેગી કરતાં થયા. પાંચ  દિવસના ફિટીંગ પછી દસ દિવસ સુધી ઉડાડવાની પ્રૅક્ટિસ કરી. અલબત્ત મેં રિમોટ સંચાલિત જ આખું હેલિકૉપ્ટર બનાવ્યું હતું. એક અઠવાડિયામાં મારા દોસ્તનો પણ ઉડાડવા પર હાથ બેસી ગયો. અમે પ્રોફેશનલ કામ ચાલુ કરી દીધું.

દસમા પછી 11, 12 કરવા માટે હું રાજકોટ આવી ગયેલો. બે વર્ષમાં દરેકના ભાગે ચોખ્ખા બે લાખ રૂપિયા આવ્યા. મારો બે વર્ષનો ભણવા અને રહેવાનો બધો ખર્ચ નીકળી ગયો. છતાં પણ થોડા પૈસા વધ્યા એનું ગોવા જઈને સેલીબ્રેશન કર્યું. જ્યારે પૈસા તમારી ખુદની કમાણીના હોય ત્યારે તેનું સેલીબ્રેશન કરવાનો આનંદ જ ઓર હોય છે. ત્યારબાદ મને ગણિતમાં ખૂબ રસ પડ્યો. મેં તેમાં જ Ph.D. કર્યું. ગણિત જેટલો સહેલો વિષય આજે મને એક પણ નથી લાગતો. એક દોસ્તારે મારેલો ટોણો અને થોડા પૈસા કમાવાની લાલચે મને મેથ્સના આંકડાઓ સાથે રોમાન્સ કરતો કરી દીધો.

આ વાત આપણા સબજેક્ટ બહારની છે પરંતુ જિંદગીના સાચા પાઠ પુસ્તકોની બહાર જ ભણવાના હોય છે. બની શકે આવો કોઈ નાનકડો પ્રસંગ તમારું પણ ફ્યુચર બનાવવાનું કામ કરે. હંમેશાં યાદ રાખવું – ભણવું જરૂરી છેએથી વધુ જરૂરી છે સતત શીખતા રહેવું. ભણેલી બાબતોને વાસ્તવિકતામાં કેમ એપ્લાય કરી શકાય એ વિચારતા રહેવું. આપણે મેથ્સ લૅબમાં ગણિતના સૂત્રોરોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય એ શીખીશું. હવે આપણે નેક્સ્ટ લેસન તરફ આગળ વધીએ.

ક્લાસમાં એક આંગળી ઊંચી થઈ. સરે સવાલ પૂછવાની મંજૂરી આપી. સરતમારી આ સ્ટોરી સાંભળવાની ખૂબ મજા પડી. તમે એ તો કહો કે તમે હેલિકૉપ્ટર કઈ રીતે બનાવ્યું આઈ મીન બધા રુલ્સ કે ડેફીનેશન કઈ રીતે અપ્લાય કર્યા ?” તેણે પૂછ્યું.

ઓહમને આશા હતી જ ક્લાસમાંથી કોઈક તો આ જાણવા માગતું હશે જ. આપણે આ વાત 12 સ્ટાન્ડર્ડના લાસ્ટ મન્થમાં કરીશું. એનું રિઝન છે.. ત્યાં સુધીમાં તમેય બનાવવા માટેના જરૂરી બધા લેસન શીખી ગયા હશો. તેમાં ફિઝિક્સની પણ અમુક મેટર ઇન્વોલ્વ હોય છે. ત્યારે આખી પ્રોસેસ સમજાવીશ તો તમને જલસો પડવાનો. બીજું હેલિકૉપ્ટરથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ આપણે મેથ્સની લૅબમાં બનાવવાના છીએ. હું આશા રાખીશ ફ્યુચર લૅબમાં શીખેલી બાબતો તમને રિયલ લાઈફમાં ઘણી જગ્યાએ કામ લાગશે." મોડેલ સરનું આજનું લેકચર પૂરું થયું.

*********

મોડેલ સરના હેલિકૉપ્ટરે ભારી મોજ કરાવી દીધી.અમારો લંચટાઈમ તેમની વાતોમાં જ વીતી ગયો. સાંજે સ્પોર્ટસના પિરિયડમાં મને ફૂટબોલ રમવાનો ચસ્કો લાગ્યો હતો. ઇન્ડોર ગેમ્સમાં બૅડમિન્ટન રમતી વખતે હું રાહુલ કે મીરા સામે ક્યારેય જીતી ના શકતો. 

આજે શનિવાર હતો અને અમે ચારેય ફ્રૅન્ડસ બહાર જમવા માટે જવાના હતા. એ જગ્યા મારા ઘરથી ખાસ્સી દૂર હતી. હેપ્પી અને રાહુલ ડાયરેક્ટ ત્યાં જ પહોંચવાના હતા. જ્યારે મીરા મને રિસિવ કરવા માટે આવવાની હતી. મેં ના પાડેલી કે હું મારી રીતે પહોંચી જઈશ. તેને કંપની મળી રહે તે માટે હું તેની સાથે જવા તૈયાર થયો. મેં મીરાને મારું સરનામું આપ્યું. રાતે મળવાના પ્રોમિસ સાથે સ્કૂલેથી બધા છૂટા પડ્યા.

રાત્રે 8 વાગ્યે મીરાએ 'તીતલી' હોર્ન માર્યું. હું તૈયાર જ હતો. ફટાફટ ઘર લોક કરી તેની પાછળ ગોઠવાઈ ગયો. અમારી સવારી ચાલી નીકળી.

વાઉ કાનાતારા તો ઘરની સામે જ ગર્લ્સ હૉસ્ટેલ છે. તારે તો જલસા જ હશે. કેટલી ગર્લફ્રૅન્ડ છે ?” હું તેનાથી અંતર રાખીને બેઠો હતો.

શું જલસા બધી કેવા એટીટ્યૂડવાળી છે. સામે જોવે તો પણ જાણે કેમ...” મેં કહ્યું.

મતલબ ટ્રાઈ તો ચાલુ જ છે પણ હજુ સુધી ક્યાંય સેટીંગ નથી થયું એમ ને ?” તેણે આંચકા સાથે બ્રેક મારી.

ના રેએવું કંઈ નથી. એ બધી કૉલેજમાં સ્ટડી કરે છે. તો કોઈ જોબ કરે છે. હું આખો દિવસ ભણવામાંથી નવરો થાઉં તો કંઈક કરું ને ?” મેં મારી જાતને માંડ માંડ તેનો સ્પર્શ થતાં રોકી.

જા ને જુઠ્ઠા. હું આ સાચું નથી માનતી. એમ કહે ને તારું ક્યાંય સેટીંગ નથી થતું. હા તારે ના કહેવું હોય તો તારી મરજી. નેક્સ્ટ ટાઈમ હું તને નહીં પૂછું.” તે વળાંક લેતાં બોલી.

મેં થોડું વિચારીને કહ્યું, “એક છોકરી છેજેની સાથે હું ચૅટ કરું છું. તેની સાથે ડેટ પર પણ જવાનો હતો. બટ સાગરે બધી પથારી ફેરવી નાખી. બે દિવસ પહેલાં જ તેને માંડ કરીને મનાવી છે. મીરાતારે પણ કોઈ બોયફ્રૅન્ડ તો હશે જ ને ?” હવે હું નેચરલ ફીલ કરી રહ્યો હતો.

હા હા... બોયફ્રૅન્ડઝ... નો... નેવર... હા ફ્રૅન્ડ્ઝ છે ઘણા બધા. એમાં બોયસ પણ છે. ઘણાને મારા બોયફ્રૅન્ડસ બનવું છે. કેટલાયે ઓનલાઈન અને ઓફલાઈન પ્રપોઝ પણ કર્યું છે. બટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ.” તે બોલી.

કેમ કોઈ પ્રોબ્લેમ છે... ઇટ્સ નેચરલ.” મેં કહ્યું.

આઈ નો ઇટ્સ નેચરલ. પણ મને ટિપિકલ રોમાન્સ કે ટાઈમપાસમાં રસ નથી. રીલેસનશીપમાં કશોક સ્પાર્ક તો હોવો જોઈએ ને યાર. સ્કૂલ કે કૉલેજમાં કે પછી પાડોશમાં કોઈ છોકરી દેખાવે સારી હોય તો તેને ગર્લફ્રૅન્ડ માટે પ્રપોઝ કરી દો.... વોટ નોનસેન્સ. મારી ચોઇસ અને રુલ્સ થોડા અલગ છે.” તે ખુલીને વાત કરી રહી હતી.

બધી છોકરીઓ સ્ટાર્ટીંગમાં આમ જ કહે છે.” મેં તેના ખભે હાથ મૂકવાની હિંમત કરી.

જાને વાયડા. હું એવી નથી જેવી તું સમજે છે અને વિચારે છે.” તે બોલી.

તેમની બીજી લાઈન પણ આ જ હોય છે.” હું હસ્યો.

કાનાતું જેટલો ડાહ્યો છે એટલો લાગતો નથી. તું થોડો અજીબ છે. બધા જેવો નહીં જે મને ગમે છે. તારી તરફ એટ્રેક્ટ કરે છે.” તે પાછું વાળીને જોતાં બોલી.

બધા આવું જ કહે છે. આઈ એમ સમથીંગ સ્પેશિયલ. પણ મને તો એવું કંઈ લાગતું નથી. હું બીજા છોકરાઓ જેવો જ સામાન્ય છું. અલબત્તતેમના જેટલો સ્માર્ટ નથી. બહુ ઇંગ્લિશ બોલતા નથી આવડતું ઇવન બીજી કોઈ એક્ટિવિટીમાં પણ ખાસ પરફોર્મ નથી કરી શકતો. ઘણી વાર કોઈ તું ખાસ છો એમ કહે ત્યારે કોઈ મારી મજાક ઉડાવતું હોય તેવું લાગે છે.” મને ખરેખર કંઈક અજીબ ફીલ થયું.

ડિયરડોન્ટ અન્ડર એસ્ટીમેટ યોરસેલ્ફ. તને ખબર છેમારો સૌથી ફેવરીટ સબ્જેક્ટ સાયકૉલોજી છે. હું કંઈ તારી મજાક ઉડાવવા માટે નથી કહેતી. બટ તને પહેલી વાર મળી ત્યારે જ ફીલ થઈ ગયું કે તું બીજા જેવો નથી. એનું રીઝન મને જ્યારે ક્લિક થશે ત્યારે ચોક્કસ સમજાવીશ. પણ તું સૂતી વખતે શાંતિથી વિચારજે. શું તું બીજા નૉર્મલ લોકોની જેમ રહે છે વિચારે છે કે જીવે છે ?” તે બોલી.

મેં કંઈ જવાબ ના આપ્યો. તેના ખુલ્લા વાળને મારા ચહેરા સાથે રમાડતો રહ્યો. તેના અસ્તિત્વને મહેસૂસ કરતો રહ્યો. અમે મૌન રહી મંઝિલ તરફ આગળ વધી રહ્યા હતા......


***

Rate & Review

Heena Suchak 5 months ago

V Dhruva 5 months ago

ashit mehta 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago