આત્માના અંતિમ સંસ્કાર - ૨૨

આત્માના અંતિમ સંસ્કાર ! – ૨૨

લાવણ્યા, વખત, પ્રોફેસર સિન્હા અને ઝારા પહાડોની નીચે જગ્યા દેખાય ત્યાં દોડ્યા પણ ભુ:સ્ખલનને લઈને નીચે જવાનો માર્ગ બંધ થઇ ગયો હતો ! “આગળથી ક્યાંક નીચે જવાય છે, ચાલો આદિવાસીઓના ગામમાં, એ લોકોને જરૂર બીજો રસ્તો ખબર હશે” લાવણ્યા બોલી અને એ લોકો પાછા જવા નીકળી પડ્યા.

ગામમાંથી એમણે મુખીને અને અન્ય એક વૃધ્દ આદિવાસીને બીજા રસ્તા વિષે પૂછપરછ કરી અને એ લોકોએ એક બીજો સાંકડો રસ્તો એમને દેખાડ્યો. બધા એ રસ્તે નીકળી પડ્યા.

લગભગ એક દિવસ જેટલું એ ચાલ્યા હશે અને હવે એ લોકો ખીણની નીચે પહોંચી ગયા હતા, વખતે આજુબાજુ તપાસ કરી પણ એમને યુવાના અને વિરાટના ક્યાય સગડ દેખાયા નહિ. “જરૂર એ લોકો આગળ ગયા હશે” ઝારાએ આગળ રસ્તો ગીચ જંગલમાં જતો હતો ત્યાં ઈશારો કરતા કહ્યું અને બધા એ જંગલ તરફ નીકળી પડ્યા.

એક નાનકડી ટેકરી આવી અને ત્યાં બહાર ગાયને નાખવાનું નીરણ પડ્યું હતું અને એક નાની નાની ઘંટડીઓ વાળો પટ્ટો પણ ! ઝારાએ ઝુંપડીમાં ડોકિયું કર્યું પણ અંદર કોઈ નહોતું ! અંદર બેઠક પાસે એક નાનકડું મોરપીંછ પડ્યું હતું. ઝારાએ એ ઉપાડી લીધું અને લાવણ્યાને બતાવ્યું. પગલાના નિશાનો જોઇને વખતે તારણ કાઢ્યું કે જરૂર વિરાટ અને યુવા અહી આવ્યા હશે. એમણે થોડીવાર એ ઝુંપડીમાં આરામ કર્યો.

લાવણ્યા અને વખત આંખો બંધ કરીને એક બીજાની સામે બેઠા હતા. એમણે હરી ઓમ નો જાપ શરુ કર્યો હતો ! બંનેએ એક બીજાના હાથ પકડ્યા અને થોડીવાર એ લોકો એમ  જ બેસી રહ્યા. બંનેને સ્વપ્નામાં બે પડછાયા ઉત્તર દિશામાં જતા હોય એવું લાગ્યું.

થોડીવાર થઇ એટલે આખી ટુકડી ઉત્તર દિશામાં ઉપડી ગઈ.

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીનમાં...

“જય ભોલેનાથ ! હર હર મહાદેવ !!!” નાગા સાધુઓના ટોળાએ પુકાર કર્યો. સાથે આવતા લગભગ બે હજાર જેટલા ચીની સૈનિકો આશ્ચર્યથી એમને જોઈ રહ્યા ! આગળ લગભગ ત્રીસ જેટલા ત્રિશુલધારી સાધુઓ ચાલી રહ્યા હતા. એમની પાછળ સમ્રાટ હુંગ અને સેનાપતિ મિંગ પોતપોતાના ઘોડાઓ પર સવાર હતા અને એમની આજુબાજુ લગભગ બે હજાર ચીની સૈનિકો. વૃદ્ધ ચાંગ પણ સાધુઓના વડા સાથે પોતાના ઘોડા પર હતો. એની આંખોમા ચમકારો હતો. હા, એ ઘડી આવી ગઈ હતી અને એને ખાતરી હતી કે એનું જીવન હવે છેલ્લું એક કાર્ય કરીને પૂરું થઇ જશે ! આખી ઝીંદગી એણે અને એના વડવાઓએ મહાન ચીની સામ્રાજ્યની સેવામાં કાઢ્યું હતું અને આજે એની પણ કસોટી હતી. પૂર્વ તરફથી આક્રમણખોરોના ધાડાઓ આવી રહ્યા હતા અને સમ્રાટ હુંગ એનો સામનો કરવામાં પાછો પડતો હતો. જો એમને સમયસર નાં હાંકી કઢાય તો મહાન ચીની સામ્રાજ્યને ખતરો હતો. જેવા એ લોકો આગળ સફેદ બરફાછીદિત પહાડો પાસે આવ્યા કે ચાંગે ફરીથી એક વાર પાછળ વળીને એની જન્મભૂમી, એના મહાન ચીની સામ્રાજ્યને એક વાર જોયું ! પાછું કદાચ ફરાય કે ના ફરાય ! એની આંખોમાં ભીનાશ આવી ગઈ. અહીંથી જ એના વ્હાલા ભત્રીજાઓ લી અને સુંગ યુન પણ ગયા હતા અને એ પહાડોમાં ખોવાઈ ગયા હતા !

“લી વગર મારું જીવન અધૂરું છે કાકા, હું પણ તમારી સાથે આવીશ” મી એ ચાંગ સમક્ષ જીદ કરી હતી અને એ પણ એમની સાથે ટુકડીમાં સામેલ થઇ હતી.

“યાઆઆઆઆઆ....” આખી ટુકડી હોકારા પડકારા સાથે ધૂળ ઉડાડતી પહાડો તરફ નીકળી પડી.

દુર સુદૂર પહાડોમાં બરફનું તોફાન વધી રહ્યું હતું, હિમાલયની પર્વતમાળા આ નવોદિત આગંતુકોનું સ્વાગત કરવા તૈયાર હતી ! ક્યાંક ડમરું વાગી રહ્યું હતું અને ક્યાંક નાચ થઇ રહ્યો હતો.

***

“પ્રભુ ?” લક્ષ્મીદેવીએ શ્રીવિષ્ણુનો હાથ પકડ્યો !

“દેવી ! તમને ખબર છે કે માનવીય અવતાર એ બહુમૂલ્ય કેમ છે ? કેમ કે એમાં લાગણીઓ હોય છે, સબંધો હોય છે, હૃદય થી હૃદય અને મન થી મન નું સંધાન હોય છે ! હું જ્યારે રામનો અવતાર લઈને જન્મ્યો ત્યારે જ મને ખબર પડી કે માતા પિતાનો પ્રેમ શું હોય છે ! માં ની નિઃસ્વાર્થ લાગણી શું હોય છે ! મિત્રતા કોને કહેવાય ! ભાઈ કે જે તમારા માટે જાન પણ આપી દે, શત્રુ પણ એવા કે એમની સાથે લડતા પણ માન થાય !. કૃષ્ણ અવતારમાં મારા નાનપણના દિવસો એ છોકરીએ (યુવાએ) મને યાદ દેવડાવી દીધા અને કટાક્ષ પણ કર્યો કે ગોવાળિયો ધણને છોડીને ભાગી ગયો ! યમુના કિનારે મારી રાહ જોતી રાધા, મારી સખીઓ-ભેરુઓ, દરવાજે મારી રાહ જોઇને ખાધા પીધા વગર ઉભેલી મારી પાલક માતા યશોદા, મારા પાલક પિતાજી નંદ, બધાને છોડીને હું જતો રહ્યો ! કોઈ દિવસ પાછું ફરીને જોયું પણ નહિ ! બસ આ જ માનવીય લાગણીઓ છે કે જે ઈશ્વરને પણ સ્પર્શે છે અને એનું પણ હૃદય ચીરી નાખે છે ! માનવીય અવતાર અદભુત હોય છે દેવી ! આટલી પીડા તો મને પારધીએ પગની પાનીમાં તીર મારેલું ત્યારે પણ નહોતી થઇ” દુઃખ સાથે શ્રી વિષ્ણુએ કહ્યું. લક્ષ્મીદેવીએ ઉષ્માથી શ્રીવિષ્ણુનો હાથ દબાવ્યો અને એક ઊંડો શ્વાસ લીધો ! હજારો વર્ષો વીતી ગયા હતા પણ પ્રભુ હજુ પણ આ વાતથી ગ્લાની અનુભવતા હતા. એમનું મન વારંવાર યમુના કિનારે જતું રહેતું હતું. અચાનક તેઓ ઉભા થયા અને યમુનાના કિનારે આવીને એક વિશાળ વ્રુક્ષની નીચે બેઠા !

શ્રી વિષ્ણુ અનિમેષ નયને યમુનાના ખળ ખળ વહેતા જળ પ્રવાહને નીરખી રહ્યા ! એટલામાં એક નાનકડી છોકરી ત્યાં આવી ! એ આશ્ચર્યથી એમને જોઈ જ રહી ! “આ મોરપીંછ છે ?” એણે ખુશ થતા એમના મુગટમાં રહેલા મોરપીંછને જોઇને પૂછ્યું. શ્રી વિષ્ણુએ હસીને કહ્યું “હા, તારે જોઈ એ છે ? આ લે” એમણે મોરપીંછ કાઢીને એ છોકરીને આપ્યું. છોકરીને જાણેકે જગતનો સહુથી બહુમૂલ્ય ખજાનો મળી ગયો હોય એમ તાલી પાડી ઉઠી અને શ્રી વિષ્ણુની જેમ જ એણે એને એના માથામાં ખોસ્યું. “આ શું છે ?” ફરીથી એણે શ્રી વિષ્ણુની વાંસળી તરફ આંગળી ચીંધીને કહ્યું. “વાંસળી છે, તારે સાંભળવી છે?” એણે હકારમાં માથું ધુણાવ્યું અને શ્રી વિષ્ણુએ વાંસળી કાઢીને એમના હોઠો પર મૂકી અને મધુર ધૂન વગાડવાની શરુ કરી ! સમય થંભી ગયો ! અચાનક એ છોકરી ઉભી થઇ ગઈ અને એણે વિષ્ણુજીની આગળ પાછળ નૃત્ય કરવાનું શરુ કરી દીધું !

સુરજ ડૂબી ગયો હતો, ચંદ્ર પૂર્ણ રીતે ખીલ્યો હતો, ઝાડ નીચે આંખો બંધ કરીને વાંસળી વગાડતા વિષ્ણુજી એ કૃષ્ણ રૂપ ધારણ કરી લીધું હતું ! અચાનક ક્યાંકથી થોડા ગોવાળીયાઓ અને ગોપીઓ પ્રગટ થઇ ! એમણે કૃષ્ણની આજુબાજુ રાસ રમવાનો શરુ કર્યો ! કૃષ્ણએ આંખો ખોલી અને એક મધુર સ્મિત કર્યું અને વાંસળી વગાડવાનું ચાલુ રહ્યું, એમણે જોયું તો યમુનાની સામેના કાંઠે એક ઓળો પ્રગટ થયો હતો, “આવું છું કાન્હા, આવું છું” એણે સાદ પાડ્યો. એક વિષાદયુક્ત સ્મિત ફરીથી શ્રીકૃષ્ણના હોઠો પર આવી ગયું ! “રાધા ! આવી ગઈ તું !!!” એમણે આંખો મીચી દીધી અને વાંસળી વગાડવાનું ચાલુ રાખ્યું ! સૃષ્ટિ પણ આ અદભુત દ્રશ્ય જોઈ રહી હતી. બધું જ એકાકાર થઇ ગયું હતું ! શ્રી વિષ્ણુને આટલી શાંતિ ક્યારેય નહોતી મળી !

પહાડો ઉપરથી આ અલૌકિક દ્રશ્ય જોઇને લક્ષ્મીજી, મહાદેવ અને પાર્વતીજી નાં મુખ પર સંતોષનું સ્મિત ફરકી ગયું.

***

આજના ભારતીય સમયમાં...

“પિતાજી,,,” વિરાટ નીચે બેસીને નાના છોકરાની જેમ આક્રંદ કરી રહ્યો હતો ! પાછળ ઉભેલી યુવાને કઈ ખબર પડતી નહોતી ! એ નીચે બેઠી અને એણે પ્રેમપૂર્વક વિરાટના વાંસે હાથ ફેરવ્યો ! વિરાટ ઉંધો ફર્યો અને યુવાને ભેંટીને ફરીથી રડવા લાગ્યો ! યુવાએ એને સજ્જડ રીતે એની છાતીમાં ચાંપી દીધો ! થોડીવાર થઇ એટલે એ સ્વસ્થ થયો. “યુવા, એ મારા પિતાજી હતા ! મેજર સમ્રાટ ! એ જ હતા ! આટલા વર્ષો બાદ હું એમને મળ્યો પણ બસ અમે લોકોએ એક જ નજર મિલાવી અને એ ગાયબ થઇ ગયા ! એ જ આંખો, અઢળક પ્રેમ છલકાવતી આંખો ! હવે હું માં ને શું જવાબ આપીશ યુવા ?” યુવા કઈ પણ બોલ્યા વગર એની પીઠમાં હાથ ફેરવી રહી હતી. એની આંખોમાં રેવામાંનો ચહેરો ઉભરી ઉઠ્યો ! એ જ ભીની ભીની સુંદર આંખો કે જેમાં એક દ્રઢ વિશ્વાસ હતો કે એક દિવસ એમના પતિ પાછા ફરશે !

***

“સમ્રાટ,,, તમે આવી ગયા મારા વ્હાલા, સમ્રાટ,,,” રેવાએ દરવાજે ઉભેલી આકૃતિ તરફ નજર નાખીને બુમ પાડી. એ આકૃતિ આગળ આવી. એ શિવાનંદ હતો. “રેવા, હું છું, શિવાનંદ, તારા પુત્રો મેજરને શોધવા ગયા છે અને મને ખાતરી છે કે આ વખતે એ લોકો એને લઈને જ આવશે. તું શાંત થઇ જા, લે આ લે” શિવાનંદે બે ત્રણ સફેદ ટીકડીઓ રેવા તરફ લંબાવી. રેવાએ એ લઇ લીધી અને અચાનક એની આંખોમાં ઠંડક વ્યાપી ગઈ. એ કોઈ મોટા ઝૂલા પર બેઠી હોય એવું એને લાગ્યું. એ અત્યંત આનંદીત થઇ ઉઠી અને તાલી પાડીને હસવા માંડી. શિવાનંદ ખડખડાટ હસી પડ્યો.

***

બંને થોડા સમય પછી સ્વસ્થ થયા. વિરાટે ફરીથી એ રાખના ઢગલામાંથી થોડી રાખ લીધી અને માથે ચોપડીને દંડવત પ્રણામ કર્યા !. થોડીવાર ત્યાં બેઠા પછી બંને ત્યાંથી ચાલી નીકળ્યા. એ બેઠકની બાજુમાં થઇને એક સાંકડો રસ્તો આગળ જતો હતો. બંને એમાં આગળ વધ્યા ! લગભગ એક કલાક જેવું એ લોકો ત્યાં ચાલ્યા હશે અને એ રસ્તો પૂરો થઇ ગયો અને એ લોકો એ પહાડની બીજી બાજુ આવી ગયા. સામે એ જ સુંદર સ્ફટિક જળરાશી ધરાવતું સરોવર હતું ! બંને ત્યાં થાક ખાવા થોડીવાર બેસી પડ્યા. અચાનક યુવાએ આંખો ચોળી અને જોયું તો લગભગ એક સાત ફૂટ ઉંચી, રાખોડી રંગની માથે જટાળા વાળા વાળી આકૃતિ દુરથી પ્રગટ થઇ અને એ લોકો તરફ આવી.

એની આંખો લાલ હતી પણ એમાં એક અજીબ વાત્સલ્ય હતું ! “કોણ છો તમે બાળકો અને અહી શું કરો છો ?” એમણે પૃચ્છા કરી. યુવા અને વિરાટે હાથ જોડીને એમને પ્રણામ કર્યા. “બાબા, અમે મારા મિત્ર ને શોધવા આવ્યા છીએ.” “હા હા હા, બધા શોધતા જ હોય છે એવી વસ્તુ કે જે તમારી અંદર જ રહેલી હોય છે ! બસ એને હાડ માંસનું આવરણ ચડાવી દો એટલે એના પ્રત્યે આસક્તિ થઇ જાય ! પુત્રી, પાછા ફરી જાવ, આ માર્ગ દુર્ગમ છે અને અહી કોઈ રહેતું નથી કે આવતું નથી, હું વર્ષોથી અહી ફરું છું અને ભૂલેલા ભટકેલા લોકોને માર્ગ ચીંધુ છું ! પાછા ફરી જાવ”

“હે મહાન આત્મા, અમને માર્ગ બતાવો, અમે પાછા ફરવા અહી નથી આવ્યા, અમે આ ગુફામાં થી આવ્યા છીએ, ત્યાં મેં મારા પિતાજીને જોયા, સાધુ વેશે, જેવો હું એમને અડવા ગયો કે એ ગાયબ થઇ ગયા ! તમને એમના વિષે કઈ ખબર છે?” વિરાટે આંખમાં આંસુ સાથે પૂછ્યું.

“અહી સેંકડોની સંખ્યામાં લોકો આવે છે, શિવ ને શોધવા, કોઈ સત્યને શોધવા, કોઈ શક્તિને શોધવા, તારા પિતાજી જેની શોધમાં આવ્યા હશે એ એમને મળી ગયું હશે અને એ નિર્વાણ પામી ગયા હશે પણ તમારી પ્રત્યેની આસક્તિને કારણે એ એક છેલ્લી વાર તમને  જોવા ટકી ગયા હશે ! હવે એ મોક્ષ પામી ગયા હશે બેટા, એમનો સંતાપ ના કર, અહી થી પાછા ફરી જાવ.” એ વિશાળ અઘોરી સાધુએ કરુણતાથી વિરાટ તરફ જોતા જોતા કહ્યું.

“બાબા, હું તો મારા મિત્રને શોધીને જ જંપીશ અને એમ કરવામાં મને મહાદેવની સોગંધ કોઈ રોકી નહિ શકે !” યુવાએ આંખો લાલ કરતા કહ્યું. એ સાધુના મુખ પર હાસ્ય ફરકી ગયું ! બિલકુલ જીદ્દી હતી, એમના જેવી જ ! એમણે એમના બંને હાથ યુવા અને વિરાટના માથે મુક્યા અને “તથાસ્તુ” કહ્યું. યુવા અને વિરાટ આંખો બંધ કરીને બેસી રહ્યા. એમના શરીરમાં એક અજીબ પ્રકારની શાંતિ દોડી ગઈ ! આવી અનુભુત એમને ક્યારેય નહોતી થઇ !

ખબર નહિ કેટલી વાર એ બંને ત્યાં એમ જ બેસી રહ્યા હશે પણ અચાનક ઠંડા ઠંડા પવનોએ એમની આંખો ખોલી નાખી અને એમણે જોયુંતો એ વિશાળકાય આકૃતિ હવે ગાયબ  થઇ ગઈ હતી અને એમના પગલાની મોટી મોટી છાપ ત્યાં બરફમાં અંકાયેલી હતી. એક પગલાની છાપમાં એક રુદ્રાક્ષનો મણકો પડેલો હતો. વિરાટે એ લઇ લીધો અને એ લોકો એ પગલાની છાપ પાછળ પાછળ જવા લાગ્યા.

એક વિશાળકાય પહાડ પાસે આવીને એ પગલાની છાપ હવામાં ઓગળી ગઈ હોય એમ ગાયબ થઇ ગઈ ! એની ડાબી બાજુ એક રસ્તો જતો હતો. બંને એ રસ્તા તરફ વળ્યા અને અચાનક એમણે જોયું કે એક વિશાળ આખલો નસકોરામાંથી ધુમાડા કાઢતો એમની સામે ઉભો હતો. યુવાની આંખો લાલ થઇ ગઈ ! એણે એ આખલા સામે ત્રાટક કરવાનું શરુ કર્યું. એકદમ જ એ આખલો ઉંધો ફરી ગયો અને બરફની ધૂળ ઉડાડતો ત્યાંથી જતો રહ્યો ! જેવી એ ધૂળ નીચે બેઠી કે બંને એ જોયું કે દુરથી એક કિરમજી કલરના વસ્ત્રો પહેરેલી આકૃતિ જાણે કે ઉડતી હોય એમ એમની તરફ આવી ! એણે માથું મુંડાવેલુ હતું. એનું વિશાળ કપાળ ત્રિશુલથી ચમકતું હતું ! એનો સુધ્રઢ બાંધો અને લગભગ સાડા છ ફૂટની ઉંચાઈ એની પ્રતિભાને એક અનેરો ઓપ આપતી હતી ! એના હાથમાં એક લાકડાનો દંડ હતો ! યુવા અને વિરાટ ફાટી આંખે એને જોઈ જ રહ્યા ! “સમર !!!”

***

“હા મારા ભાઈ હું, લી, તારો મોટો ભાઈ, તું કેમ છે ? કાકા અને કાકી કેમ છે ? મી શું કરે છે ?” લી એ મધુર આવજે સુંગ યુન ને કહ્યું !

***

“પણ પણ...આ બધું શું છે સમર ? તું તું ...તારા વાળ ક્યા ગયા ? તે કેમ આવો વેશ ધારણ કર્યો છે ? તું ક્યા હતો આટલા દિવસ ?” વિરાટે આશ્ચર્યથી પૂછ્યું.

***

“હું હવે સાચા માર્ગે આવ્યો છું સુંગ યાન, હું અહી જ હતો અને અહી જ પાછો આવ્યો છું, પરમ કૃપાળુ ત્રિનેત્રની સંગતમાં. એમના ધામ માં !”

***

“તું ગાંડો થઇ ગયો છે ? તું એક ભારતીય સેનાનો જવાન છે સમર, અમે લોકો તને શોધવા આવ્યા છીએ, તને લેવા આવ્યા છીએ, માં રાહ જુવે છે, આ જો આમ, આ યુવા પણ તારી રાહમાં અડધી થઇ ગઈ છે, ચલ પાછો ચાલ મારા ભાઈ” વિરાટે ગુસ્સાથી કહ્યું

***

“પાછા ફરવું હવે અશક્ય છે  ભાઈ, હું નહિ આવી શકું. મને મારી ઝીંદગીનો મર્મ સમજાઈ ગયો છે અને મારી જે કાર્ય માટે પસંદગી થઇ હતી એ મુજબ હું અહી રહું છું અને અનંત વર્ષો સુધી, જ્યાં સુધી કોઈ બીજું આવશે નહિ ત્યાં સુધી આ દંડ લઈને આ મહાન શિવમંદિરની અને એની અંદર રહેલા ત્રિશુલની રક્ષા કરીશ ! આજ મારું કર્તવ્ય છે સુંગ યુન, આજ મારું કાર્ય છે અને આજ મારી નિયતિ છે, તું પાછો ફરી જા ભાઈ” લી બોલ્યો.

***

“આ બધું શું છે ? ત્રિશુલ ની રક્ષા ? શિવમંદિર ?! સમર, હું તને લેવા આવી છું અને કોઈપણ ભોગે તને લઈને જ જઈશ. જોઉં છું કે મને કોણ રોકે છે !” યુવાએ ગુસ્સામાં બુમ પાડી અને જવાબમાં સમર ધીમું હસ્યો અને એણે જમીન પર દંડ પછાડ્યો અને અચાનક બરફની મોટી ચાદર ત્યાં છવાઈ ગઈ ! થોડીવાર થઇ હશે કે એમણે આંખો ખોલી અને જોયું તો સમર ગાયબ થઇ ગયો હતો. એમણે હવે સામે જોયું તો એમની આંખો પહોળી થઇ ગઈ.

સામે એક પ્રાચીન ભવ્ય લાલ પથ્થરોનું બનેલું ભવન/મંદિર દેખાયું. એના વિશાળ ચોગાન માં અદભુત કદી જોયા પણ નાં હોય એવા રંગબેરંગી ફૂલો ઉગેલા હતા. ચારેકોર આંખો ઠારતી હરિયાળી છવાયેલી હતી. એ મંદિરના ગુંબજ ઉપર એક લાલ ધજા ફરકતી હતી અને એમાં ત્રિશુલ દોરેલું હતું. બંને સાવધાનીથી આગળ વધ્યા. જેવા ચોગાન વટાવીને મુખ્ય દ્વાર પાસે આવ્યા કે એ લગભગ ૬૦ ફિટ ઊંચું દ્વાર એક કડાકા સાથે ખુલી ગયું. અંદરથી એમને “ઓમ” નો ઘેરો ધ્વનીનાદ સંભળાતો હતો. આટલા ઠંડા વાતાવરણમાં પણ ત્યાં અજીબ પ્રકારની શાંતિ અને ઉષ્મા હતી. જેવા એ મુખ્યા દ્વારની અંદર ગયા કે એમને ફરીથી એક વિશાળ આખલાની પ્રતિમા દેખાઈ, એ એજ આખલા જેવી લાગતી હતી કે જે એમણે થોડી વાર પહેલા બહાર જોયો હતો. એ પ્રતિમા ઉપર ફૂલો ચડાવેલા લાગતા હતા. એની થોડે દૂર વિશાળ ઓરડો હતો અને હવે “ઓમ” નો ધ્વની અત્યંત તીવ્ર અવાજે એમના કાનોમાં પડવા લાગ્યો હતો. જેવું એમણે ઓરડાની ઉપર જોયું તો એ લોકો ભય થી થીજી ગયા, ત્યાં એક વિશાળ ભયાનક આંખ હતી, જાણેકે જીવિત હોય એમ એ એમને તાકી રહી હતી, એ ખુબજ ગુસ્સામાં જાણેકે અંગારા વરસાવતી હોય અને એમને સૂચક રીતે આગળ જતા રોકતી હોય એમ એમની સામે જોઈ રહી હતી. હમણા એનામાંથી આગનો વરસાદ થશે અને બંનેને જીવતા સળગાવી દેશે એવું લાગવા મંડ્યું. અચાનક યુવાનું આખું શરીર ગરમ થઇ ગયું, એણે આંખો બંધ કરી દીધી અને એ ધ્રુજવા લાગી ! થોડીવાર પછી એણે આંખો ખોલી અને એણે ત્રાટક કરતી હોય એમ એ વિશાળ આંખ સામે જોયા કર્યું ! વિશાળ આંખ વધારે પહોળી થઇ અને એમાંથી અંગારા વરસવા લાગ્યા ! યુવા સતત એને જ તાકી રહી અને ત્રાટક કરતી રહી ! થોડીવાર થઇ એટલે એક મોટો કડાકો થયો અને એ વિશાળ આંખ બંધ થઇ ગઈ અને એની નીચે રહેલો મોટો દરવાજો પણ એક કડાકા સાથે તૂટીને નીચે પડી ગયો ! વિરાટ ફાટી આંખે આ બધું જોઈ જ રહ્યો ! યુવાએ વિરાટનો હાથ પકડ્યો અને બંને અંદર પ્રવેશ્યા.

અંદર મંદિરના ઓરડામાં જેવા એ લોકો પ્રવેશ્યા કે એમણે જોયું ચારે તરફ અત્યંત ઝેરીલા સાંપ એક બીજાને વીંટળાઈને પડેલા હતા અને હિસ્સ હિસ્સ એવો અવાજ કરી રહ્યા હતા ! અંદરનું વાતાવરણ એકદમ ઝેરીલું હોય એવું લાગતું હતું. યુવાએ એક ઊંડો શ્વાસ લીધો અને એ ફરીથી વિરાટનો હાથ પકડીને આગળ વધી. એક પછી એક સર્પ જાણેકે માર્ગ આપતા હોય એમ દુર ખસવા  લાગ્યા. એક ખુણામાં મોટો ભયાનક નાગ બેઠો હતો ! એણે યુવાને આવતી જોઈ અને એ એકદમ ફેણ ઉઠાવીને એના માર્ગમાં આવી ગયો ! યુવાએ ફરીથી એની આંખોમાં જોયું અને ત્રાટક કર્યું. એ નાગ થોડીવાર યુવાની સામે ફૂંફાડો મારતો બેસી રહ્યો અને પછી એણે માથું જુકાવ્યુ અને એ પાછો એના ખુણામાં જતો રહ્યો. ઓમ નો ધ્વની હવે વધારે ને વધારે ઘેરો થઇ ગયો હતો. એ કમરાની આગળ હવે એક બીજો મોટો કમરો હતો અને એની વચ્ચોવચ્ચ એક વિશાળ શિવલિંગ ઉભું કરેલું હતું. એની બાજુમાં એક અદભુત અને અદ્વિતીય ત્રિશુલ રાખેલું હતું. એમાં વચ્ચે ડમરું બાંધેલું હતું અને રુદ્રાક્ષના મણકાઓ. એ ત્રીશુલમાંથી અનેરો દિવ્ય પ્રકાશ આવી રહ્યો હતો. યુવા આગળ વધી અને એણે શિવલિંગને  દંડવત પ્રણામ કર્યા અને ધીરેથી એ ત્રિશુલને સ્પર્શ કર્યો ! ક્યાંક વીજળી ચમકી ઉઠી અને ભયાનક ગડગડાટ થવા  લાગ્યો ! યુવાએ એ ત્રિશુલ ઉઠાવી  લીધું હતું અને એમાંથી નીકળતી પ્રકાશધારામાં એ ન્હાઈ રહી. એણે એ ત્રિશુલ ઊંચું કર્યું અને એક ભયાનક ત્રાડ પાડી ! ત્રિશુલની અપાર અને ભયાનક શક્તિ એનામાં સમાઈ રહી હતી !

***

એક ભયાનક ગડગડાટ સાંભળીને સુંગ યુન ચમક્યો, એની આંખો અંજાઈ ગઈ અને ચારોતરફ બરફનું તોફાન છવાઈ ગયું ! એણે આંખો બંધ કરી દીધી અને એ નીચે બેસી પડ્યો ! ખબર નહિ કેટલી વાર થઇ હશે પણ જ્યારે  એણે એની આંખો ખોલી તો એ પ્રાચીન તળાવ પાસે આવેલા વળાંક પાસે પડ્યો હતો. એના આખા શરીર માં પીડા  વ્યાપી ગઈ હતી. એને એનું મોત હવે હાથવગું જ લાગતું હતું ! એણે અત્યંત પીડાથી એની આંખો બંધ કરી દીધી !

***

લાવણ્યા ઉભી રહી ગઈ ! એણે સૂચક નજરે વખત સામે જોયું ! દુર સુદૂર પહાડોમાંથી એમને કોઈની ભયાનક ત્રાડ સંભળાઈ રહી હતી ! વીજળી ચમકારા લઇ રહી હતી ! લાવણ્યાએ આંખો બંધ કરી અને એને પહાડો પર એક હાથમાં ત્રિશુલ લઈને ઉભેલી યુવા દેખાઈ ! એ ખડખડાટ હસી રહી હતી ! લાવણ્યાએ એક નિઃશ્વાસ નાખ્યો અને એ લોકો આગળ વધી ગયા !

***

લગભગ પાંચ દિવસનો પ્રવાસ કરીને સમ્રાટ હુંગ અને એની ટુકડી એક વિશાળ સરોવર પાસે આવીને ઉભા રહ્યા. હુંગને નવાઈ લાગતી હતી કે આટઆટલી ઠંડી હોવા છતાં પણ આ નગ્ન સાધુઓ શરીરે ખાલી રાખ ચોપડીને એમની આગળ જતા હતા, અને આનંદથી “હર હર મહાદેવ, જય ભોલે” નો નાદ કરતા જતા હતા ! “બેવકૂફો, કરી લો જેટલો આનંદ કરવો હોય એટલો કરી લો, ટૂંક સમયમાં જ આ બરફનું રેગીસ્તાન તમારું આખરી સ્થાન બની જવાનું છે.” હુંગ મનમાં ને મનમાં હસ્યો.

તળાવ પાસે આવીને ટુકડીએ પડાવ નાખ્યો અને તંબુ બાંધ્યા. મી અને ચાંગ એક જ તંબુમાં બેઠા હતા, મી એ એક પાત્રમાં વાઈન કાઢ્યો અને ચાંગને આપ્યો. ચાંગે એક ઘૂંટડો ભર્યો અને મી તરફ જોયું ! સુંદર મી ના પાતળા લાંબા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા. એની આંખોમાં આશાવાદ હતો. એને ખાતરી હતી કે એ જરૂર લી ને અને સુંગ યુનને શોધી કાઢશે. “કાકા, હું જરા આંટો મારીને આવું છું. તમે અહી બેસો. હું વાળું કરવાના સમયે પાછી આવી જઈશ” મી એ રજા લીધી અને એ સરોવરના કિનારે ફરવા નીકળી પડી.

એ લગભગ કિનારે કિનારે ફરતી ફરતી આગળ વધી રહી હતી કે અચાનક એણે જોયું કે પહાડની ડાબી બાજુ એક રસ્તો જતો હતો અને ત્યાં કોઈના વિશાળ પગલાની છાપ હતી. કુતુહલવશ મી આગળ વધી અને જેવો એણે વળાંક પસાર કર્યો કે એની આંખો પહોળી થઇ ગઈ. એણે જોયું કે કોઈ નીચે બરફમાં પડ્યું હતું. એ ભયથી થીજી ગઈ અને શું કરવું એની એને ખબર નાં પડી. એ ધીરેથી આગળ વધી અને એણે જોયુંતો કોઈ વ્યક્તિ ઉંધા માથે બરફમાં પડી હતી. એ નીચે બેઠી અને એણે ધીરેથી એ વ્યક્તિનું માથું સીધું કર્યું અને એ ચીસ પાડી ઉઠી ! એ સુંગ યાન હતો ! એનો શ્વાસ ધીરે ધીરે ચાલતો હતો. લી એ એને હચમચાવી દીધો. સુંગ યુને આંખો ખોલી અને એને ધૂંધળી મી ની તસ્વીર સામે દેખાઈ. એને લાગ્યું કે એ સ્વપ્ન જોઈ રહ્યો છે પણ થોડીવારમાં એ સંપૂર્ણ ભાનમાં આવી ગયો. એ મી ને ભેંટી પડ્યો અને રડવા લાગ્યો. થોડીવાર થઇ એટલે એ શાંત થયો અને એણે મી ને સઘળી બીન કહી સંભળાવી. લી આ મહાન શક્તિની રક્ષા કરતો સાધુ થઇ ગયો છે એ સાંભળીને મી ને નવાઈ લાગી. અચાનક એ ઉભી થઇ ગઈ અને એ વળાંક પાસે આવેલા રસ્તા પર “લી...લી...લી...” ની બુમો પાડતી દોડવા લાગી. સુંગ યુન પણ એની પાછળ દોડ્યો. થોડીવાર થઇ હશે કે અચાનક જાણેકે હવામાં પ્રગટ થયો હોય એમ એક ઓળો એમને દુરથી આવતો દેખાયો. કિરમજી રંગના પોશાકમાં એ લી હતો. એ આગળ આવીને બંને પાસે ઉભો રહી ગયો. એના મુખ પર સ્મિત હતું.  

“લી...” આંખમાં આંસુ સાથે મી એ હાથ આગળ કર્યા. લી ના મુખ પર અપાર શાંતિ હતી અને હોઠો પર અકળ સ્મિત ! “હું તને લેવા આવી છું, તું મારા જીવનનો એકમાત્ર પ્રેમ છે લી, ચલ અમારી સાથે, કાકા અને કાકી રાહ જુવે છે તારી, ચલ આપણે ક્યાંક દુર જતા રહીશું, હું તારા વગર નહિ રહી શકું લી” મી ની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા.

“પ્રિયે, મારું ફરવું હવે નિરર્થક છે ! હું આ મહાન આત્માની શરણમાં આવી ગયો છું, એમણે એમની કૃપા મારા પર વરસાવી છે. મેં એમની મહાન શક્તિની રક્ષા કરવાનું વચન આપ્યું છે. હવે હું હજારો વર્ષો સુધી અહી રહીશ અને આ શક્તિના સાનિધ્યમાં પ્રભુની સેવા કરીશ. આ દંડ જુવે છે ? મારા પહેલાના એક સાધુની પાસેથી મને આ મળ્યો છે અને હવે હું એ પરંપરામાં આગળની કડીમાં જોડાઈ ગયો છું ! હું પાછો નહિ આવી શકું મી, તું અને સુંગ યુન પાછા ફરી જાવ, મારી રાહ ના જોઇશ મી, મને માફ કરી દે, મારી આ જ નિયતિ છે !” અત્યંત વ્યથિત પણ શાંત અવાજે લી એ કહ્યું. એને યાદ આવ્યું કે કેવી રીતે એ ભટકતો ભટકતો આ જગ્યાએ આવી પહોંચ્યો હતો અને એ વિશાળ રાખોડી કલરની આકૃતિને મળ્યો હતો અને એમણે એને સાચો માર્ગ સુજાડ્યો હતો કે જે ઈશ્વરની શરણમાં જતો હતો ! એને યાદ આવ્યા એમના સંવાદો.

લી - “હે મહાન સાધુ, હું અહી મારા કાકા અને મહાન ચીની સામ્રાજ્યના તરફથી આવ્યો છું. મને અહી મુકવામાં આવેલી શક્તિ અંગેનો માર્ગ સુજાડો.

સાધુ – (ખડખડાટ હસતા) “શક્તિ તો તારી અંદર જ રહેલી છે વત્સ, પહેલા પોતાની અંદર જો અને પછી વાત કર ! આ બધી શક્તિઓ નકામી છે જ્યાં સુધી માનવની અંદરની શક્તિ જાગશે નહિ ત્યાં સુધી એના હાથમાં ગમે તેવા હથિયાર રાખો કે ગમે તેવી શક્તિ રાખો એ એનું કઈ કરી શકે નહિ. તું શું લેવા આવ્યો છે ? એ વસ્તુ કે જે તારી પાસે અને તારા મહાન સામ્રાજ્ય પાસે પહેલેથી જ છે ? તમે લોકોએ શું આ શક્તિની મદદથી આટલું મહાન સામ્રાજય બાંધ્યું હતું ? આ બધું છોડ અને પાછો ફરી જા, તારા લોકોને સમજાવ કે શક્તિ એ અંદરનું આત્મસન્માન, આંતરિક જુસ્સો અને આત્મવિશ્વાસ છે, એ કોઈ બાહરી વસ્તુ કે હથિયાર નથી કે જેનાથી તમે અન્ય પર વિજય પ્રાપ્ત કરી શકો !”

લી – “ આપની વાતોથી મારી આંખો ખુલી ગઈ છે, હે પવિત્ર આત્મા, તો પછી મુક્તિ એ શું છે ? કોઈ ને મુક્તિ જોઈતી હોય તો શું કરવું જોઈ એ ?”

સાધુ- (મીઠું હસતા હસતા) “મુક્તિ ? હા હા હા, તને કોણે બાંધ્યો છે?”

લી – “મને,,,મને તો કોઈએ બાંધ્યો નથી હે પવિત્ર આત્મા”

સાધુ – “તો પછી તું શેની મુક્તિ માંગે છે કે શોધે છે ? આત્માને કોઈ બાંધી શકતું નથી, મન ચંચળ છે, એને છુટું મૂકી દે અને તને જે યોગ્ય લાગે તે કર, તને તારી કહેવાતી “મુક્તિ” મળી જશે”

આટલું સાંભળતાં જ લી ના બંધન – મુક્તિ – સંસાર અને નિર્વાણ એવા વિચારો બદલાઈ ગયા ! એ સાધુના પગમાં પડી ગયો અને કાયમ ત્યાં જ રહેવાની એણે અનુમતિ માંગી લીધી.

લી એ પ્રેમભરી આંખો અને કરુણાથી એને પામવા ઈચ્છતી મી સામે જોયું અને કહ્યું “સંસારના બધા બંધનો હવે અસાર છે મી, સુંગ યુન, તમે બંને પાછા ફરી જાવ અને કાકા કાકીની સેવા કરો, હું અહી બંધાયેલો છું અને હું કાયમ અહી જ રહીશ જ્યાં સુધી કોઈ બીજી વ્યક્તિ મુક્તિ માર્ગ શોધતી અહી આવે નહિ અને મારી જગ્યા લે નહિ !”

સુંગ યુન અત્યંત દુખ થી બોલ્યો “ભાઈ, એવું જ હોય તો હું અહી રહી જાઉં છું, તું અને મી બંને પાછા ફરી જાવ, મહેરબાની કરીને તું પાછો આવી જા ભાઈ”

“મારી રાહ ના જોશો, મારી નિયતિ નક્કી છે અને હું હવે હજારો વર્ષોથી અહી જ રહીશ, તમે પાછા ફરી જાવ. આ જગ્યા વર્જિત છે અને કટુ મનથી અને પાપ લઈને આવતા લોકોને અહી બાળીને ભસ્મ કરી દેવામાં આવે છે.”

લી એ એક કરુણાસભર સ્મિત કર્યું અને એ પાછો ફરી ગયો, બંને એને જતો જોઈ જ રહ્યા, જાણે કે એ હવામાં ઓગળી ગયો હતો ! અચાનક મી આગળ આવી અને એણે ત્રાડ પાડી “હે મહાન આત્મા, હે મહાન શક્તિ, તમે ભલે મારા લી ને મારાથી છીનવી લીધો હોય પણ હું પણ એક સ્ત્રી છું અને મેં એને પ્રેમ કર્યો છે, કદાચ સહુથી વધારે, અને એ પ્રેમની કસમ કે હું અનંતકાળ સુધી એની રાહ જોઇશ, સાંભળો ઓ શક્તિઓ ના દેવતા, હું એની રાહ જોઇશ, એક દિવસ તમારે એને મને મળાવવો જ પડશે, હું રાહ જોઇશ, જોઉં છું કે કોણ મને રોકે છે એમ કરતા !!!” પછી એ રડતા રડતા બરફમાં નીચે બેસી પડી અને એણે એનું મુખ હથેળીઓમાં ઢાંકી દીધું. સુંગ યુન કરુણતાથી એને જોઈ રહ્યો અને પછી થોડી વારમાં એને ઉભી કરી અને એ ત્યાંથી પાછો ફરી ગયો.

***

“મારા દીકરા” સુંગ યુનને જોઇને ચાંગ ખુશીથી આગળ દોડ્યો અને એને ભેંટી પડ્યો. બંને જણા પાછા એમના પડાવ પાસે આવી ગયા હતા. સુંગ યુન પણ એના કાકાને ભેંટીને રડી પડ્યો. “લી ક્યા છે” ચાંગે પૂછ્યું અને જવાબમાં મી એ એમને સઘળી બીના કહી સંભળાવી. ચાંગે એક ઊંડો શ્વાસ લીધો. એના ચહેરા પર દર્દ હતું પણ હૃદયમાં ખુશી હતી. એનો ભત્રીજો આ મહાન શક્તિની પાસે રહેતો હતો અને એની પૂજા કરતો હતો, એની રક્ષા કરતો હતો ! એને એનું અને એના ખાનદાનનું જીવન સફળ થઇ ગયું હોય એવું લાગ્યું.

***

હુંગે સુંગ યુનની તરફ જોયું અને કહ્યું “તો તારો ભાઈ એ શક્તિની રક્ષા કરતો થઇ ગયો છે એમ ? હા હા હા, શક્તિની રક્ષા ના કરવાની હોય, શક્તિ પોતે રક્ષા કરે અને યુધ્ધમાં કામમાં આવે, મુરખ, ચલ મને એ જગ્યા બતાવ એટલે હું તને બતાવું કે શક્તિનો કેમ ઉપયોગ કરાય.” સુંગ યુને માથું ધુણાવ્યું અને કહ્યું “એ વર્જિત જગ્યા છે સમ્રાટ, ચાલો આપણે પાછા ફરી જઈએ અહીંથી, નહિતો વિનાશ થશે અને આપનું નિકંદન નીકળી જશે. મારી વાત માનો સમ્રાટ, પાછા ફરી જાવ, હજી પણ સમય છે !” જવાબમાં હુંગ ખડખડાટ હસ્યો “આટલે દુર આવીને હું પાછા ફરી જવા નથી આવ્યો, ડફોળ, ચલ મને એ જગ્યા બતાવ, નહિ તો હું તારા કાકાનું અને આ મી નું અહી જ કાસળ કાઢી નાખીશ.” એણે ધમકી આપી. સુંગ યુને માથું ધુણાવ્યું, હવે એની પાસે  કોઈ ઉપાય બચ્યો નહોતો. એણે મી ને ઈશારો કર્યો અને કહ્યું “સારું મહારાજ, અત્યારે તો રાત્રી થવા આવી છે, હું તમને કાલે વહેલી સવારે એ જગ્યા તરફ દોરી જઈશ” હુંગે આકાશ તરફ જોયું અને કહ્યું “સારું, કાલે વહેલી સવારે આપણે નીકળીશું, પણ જો કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી છે તો હું તારા કાકા અને મી ને જીવતા સળગાવી દઈશ, સમજ્યો ?” સુંગ યુને અત્યંત દુખ સાથે હકારમાં માથું ધુણાવ્યું. હવે આ ઘમંડી સમ્રાટને કોઈ રોકી શકે એમ નહોતું.

મી ત્યાંથી અલગ થઇ ગઈ અને નાગા સાઘુઓના વડાને જઈને મળી અને એમને એણે સઘળી હકીકત કહી. એ ઉભો થઇ ગયો અને એની આંખોમાં અંગારા વરસી રહ્યા હતા ! “મહાદેવની શક્તિ પામવા એ દુષ્ટ અમને અહી લઇ આવ્યો છે ? એ પામર મનુષ્ય શું જાણે કે એ શું છે ? મહાદેવ કોણ છે ? એને સમજાવો, રોકો નહિ તો અનર્થ થઇ જશે !!!” મી એ એને કહ્યું કે સુંગ યુને ઘણા પ્રયત્નો કર્યા પણ એ અહંકારી સમ્રાટ માનવા તૈયાર જ નથી થતો. “તો પછી હું અને મારા સાથીઓ એને રોકીશું, તું ચિંતા ના કર પુત્રી, આજે રાત્રે પ્રચંડ યુદ્ધ થશે અને અમે એને પહેલા સમજાવીશું અને જો નહિ માને તો એનો અને એની સેનાનો નાશ કરી દઈશું”

એ લોકોને ખબર નહોતી કે હુંગનો એક ગુપ્તચર ત્યાં ઉભો ઉભો બધું સાંભળી રહ્યો હતો. એ તરત જ એના સમ્રાટને સુચના આપવા દોડ્યો.

***

“શું ? હા હા હા, આ નાગડાઓ આપણી સામે યુધ્દ  કરશે ? મિંગ, મારા સેનાપતિ, તું સાંભળે છે ?” હુંગે ઉભા થઇ ને હસતા હસતા મિંગને કહ્યું, એ પણ આ સાંભળીને હસી પડ્યો. “મહારાજ, એ લોકો આપણા પર હુમલો કરે એ પહેલા આપણે જ એમને પતાવી દઈ એ” એ બોલ્યો. હુંગે હકારમાં માથું ધુણાવ્યું. “પેલી છોકરી, ચાંગ અને સુંગ યુનને કઈ થવું ના જોઈએ, બાકી બધાને કાપી નાખો” એ ગુસ્સામાં બોલ્યો.

***

નાગા સાધુના વડાએ ચિલમ સળગાવીને એક ઊંડો દમ લીધો. એમનો પડાવ સૈન્ય પડાવથી થોડે દુર હતો, એણે આંખો ચોળી અને સામે જોયું તો હુંગ ના પડાવમાં હલચલ મચી ગઈ હતી. થોડીવારમાં એના સૈનિકો એમની તરફ ધસી ગયા. એણે બુમ પાડીને એના સાથીઓને હોશિયાર તો કર્યા પણ મોડું થઇ ગયું હતું ! બધા અફીણના નશામાં ધુત હતા અને અચાનક થયેલા હુમલામાં એ લોકો સપડાઈ ગયા હતા ! નાગા સાધુના વડાએ એનું ત્રિશુલ હાથમાં લીધું અને પ્રતિકાર કર્યો પણ એ લોકોની સંખ્યા એક તો ઓછી હતી અને સામે હુંગનું પ્રશિક્ષિત સૈન્ય એના માણસોની જેમ નશામાં નહોતું ! એક પછી એક એના માણસો મૃત્યુને ભેંટ ચડવા લાગ્યા. એ પોતે બહુ બહાદુરીથી લડ્યો. એની સામે મિંગ પોતે તલવાર લઈને આવી પહોંચ્યો. બંને વચ્ચે ખૂંખાર યુધ્દ જામ્યું. દુરથી આ બધું જોતા હુંગે એક નિઃશ્વાસ નાખ્યો અને એણે એક બાણ ચડાવ્યું અને નિશાન તાકીને એ નાગા સાધુના વડાની પીઠ પર મારી દીધું. એ સાધુ ડચકા ખાતો ખાતો નીચે ઢળી પડ્યો. લાગ જોઇને મિંગે પણ એની છાતીમાં તલવાર હુલાવી દીધી. “દુષ્ટો, તમારા સામ્રજ્યનું પતન થશે, મહાદેવ તમને કોઈ દિવસ માફ નહિ કરે” એ ડચકા ખાતો ખાતો બોલ્યો અને ઢળી પડ્યો. સફેદ બરફમાં લોહીની નદી વહી ગઈ ! બધે લાલ લાલ અને ભયંકર દ્રશ્ય થઇ ગયું ! દુરથી આ બધું જોતા અને હુંગની કેદમાં રહેલા સુંગ યાન, મી અને ચાંગે એક નિસાસો નાખ્યો. ચાંગની આંખોમાં આંસુ આવી ગયા ! હવે અંત નજીક હતો.

***

ભાગ-૨૨ સમાપ્ત.

 

 

 

 

 

 

***

Rate & Review

Viral 1 month ago

Golu Patel 4 months ago

Jayshree Parmar 4 months ago

Hims 4 months ago

next part kyare avase??

Balkrishna patel 4 months ago