યોગ સંયોગ - 1 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - 1

યોગ સંયોગ - 1

યોગ સંયોગ ભાગ 1

પ્રસ્તાવના

સબંધો હમેશ ઋણાનુબંધિત હોય છે.દરેક સબંધ તૂટે કે જોડાય તેની પાછળ યોગ એટલે કે કિસ્મત હોય  છે. સંબંધોના તણાવાણા યોગ સંયોગ આધારીત ગૂંથાય છે. પ્રેમ પામવો કે ગુમાવવો તે પણ યોગ એટલે કે કિસ્મતને આધીન હોય છે. કેમ કે કોઈ પણ સંબંધને ગમે તેટલો પ્રેમ અને વિશ્વાસથી ગૂંથીએ પણ જો તમારો તે સબંધ સાથે યોગ જ ન હોય તો ?  તો સંબંધોની એ  દોર લાખ પ્રયત્નો કરવા છતાં તૂટી જાય છે.અને જો તેનો યોગ હોય તો લાખ ગાંઠ હોય તો પણ તે અતૂટ રહી જાય છે.

આવી જ એક નવલકથા આપની સમક્ષ લઈને આવી છું.
પ્રતિલિપિ વાર્તા સમ્રાટ સ્પર્ધા અંતર્ગત આ નવલકથા રજુ કરી રહી છું.

અદ્વિકા, અન્વય, આધ્યા અને અભિનવ આ વાર્તાના  મુખ્ય પાત્રો છે.  તે યોગ સંયોગને આધીન થઈ પ્રેમ અને વિરહમાં ઝઝૂમે છે.અનહદ પ્રેમ હોવા છતાં સંયોગ એટલે કે સંજોગો સામે વિવશ બની જાય છે.

વાચક મિત્રો માણવા માટે તૈયાર થઈ જાવ અદ્વિકા, અન્વય આધ્યા અને અભિનવની પ્રેમ કહાની. જે પ્રેમ અને વિરહની સાથે સાથે રહસ્યો અને રોમાંચથી ભરપૂર છે.

મારી આગળની નવલકથાની જેમ આ પણ આપ સૌને ખૂબ ગમશે તે વાતનો મને વિશ્વાસ છે. આપ સૌ મારી આ નવલકથાને સ્નેહ સહર્ષ સ્વીકારી મને પ્રોત્સાહિત કરશો તેવી આશા સાથે.... મને આપના અમૂલ્ય પ્રતિભાવનો ઇન્તઝાર રહેશે.

ચાલો જોડાવ મારી સાથે, આ નવી સફરમાં....

****************************

અરુણોદયનો સુંદર નજારો હતો. પૂર્વમાંથી સુરજ પોતાના સોનેરી કિરણોની શાહી સવારી લઈને ધરાને દિપાવવા આવી રહ્યો હતો. ચાંદામામા પણ સૂર્ય સામે મરક મરક મલકાતા વિદાય લઈ રહ્યા હતા. પર્ણ પર છવાયેલ ઝાકળના ભીનાં મોતી સૂરજની આભામાં અનેરો ચળકાટ ધરાવતા હતા.  સાથે જ થોડીવારમાં પોતાનું અસ્તિત્વ ઓઝલ થવાનું છે એ વાતને તે જાણે પર્ણના કાનમાં કહી રહ્યા હતા. પક્ષીઓ પણ આળસ મરડીને બેઠા થઈ મધુર કલરવ કરી ધરાની રોનકમાં ચાર ચાંદ લગાવતા હતા.

વાતાવરણની રોનક જાણે ઓછી હોય તેમ અદ્વિકા પોતાના મધુર સ્વરમાં પોતાના વહાલા કૃષ્ણની આરતી કરતી હતી. અદ્વિકાના મીઠા સ્વરનો રણકાર અને ઘંટડીનો નાદ સાંભળી નિશાબેન અને આકાશ ભાઈ બહાર આવ્યા. ત્રણેયે મળી કાન્હાની આરતી કરી. આરતી કર્યા બાદ અદ્વિકા બંનેને પગે લાગતી હતી, ત્યાં જ આકાશ ભાઈ બોલ્યા,

"બેટા અદી, તારા મીઠા સ્વરમા કાન્હાની આરતી સાંભળી મારું મન પ્રસન્ન થઈ જાય છે. ભગવાન તને હંમેશા ખુશ રાખે. આકાશભાઈ પણ આંખોમાં સ્નેહ સાથે અદ્વિકાના માથે હાથ રાખી તેને આશીર્વાદ આપે છે. અદ્વિકા આકાશભાઈની આંખોના ખૂણે બાજેલ ભીનાશને પામી જતા, આંખોના ઈશારા વડે જ કંઈક કહે છે. આકાશભાઈ પણ અદ્વિકાના ઈશારાને સમજી જતા હોય તેમ ગળું ખંખેરી મજાકના અંદાજમાં બોલ્યા, "અદી, આજે તારી મમ્મીને પ્રસાદ નહીં આપતી. તે મારા કરતા પૂરી એક મિનિટ મોડી આવી છે. અને આપણો તો નિયમ છે આરતીમાં જે છેલ્લે આવે તેને પ્રસાદ ન મળે."  નિશાબેન પણ બંને સારી રીતે ઓળખતા હતા. તે બંનેની સામે જોઈ મુસ્કુરાયા.

વડોદરાના પોશ એરિયા એવા અલકાપુરી વિસ્તારના ક્રિષ્ન બંગલોઝમાં અદ્વિકા તેના પરિવાર સાથે રહેતી હતી. બંગલો ખૂબ વિશાળ અને સુંદર હતો. ફોરેન સ્ટાઈલમાં બંધાયેલ આ બંગલો બે માળનો હતો. તેનો ઇન્ટિરિયર એક હવેલીમાં હોય તેવું હતું. બંગલોની આગળ આવેલ વિશાળ ગાર્ડન તેને વધારે રમણીય અને સુંદર બનાવી રહ્યો હતો.

  અદ્વિકા પૂજાની થાળી મંદિરમાં મૂકી બહાર આવતા બોલી, "પપ્પા, આજે મમ્મીનું ચેકઅપ કરાવવા જવાનું છે. ગઈ કાલે સાંજે જ મેં ડોક્ટર મહેરાની અપોઈન્ટમેન્ટ લઈ લીધી હતી." તેની વાત સાંભળી બંને  પતિ પત્ની એકબીજાની આંખોમાં જોઈ રહ્યા.

નિશાબેન સામે જોઈ આકાશ ભાઈ બોલ્યા,  "અદી, બેટા ! આજે તો તારું પ્રેઝન્ટેશન છે. તારે નવ વાગ્યે ઓફીસ જવાનું છે. તે વધુ જરૂરી છે."

આકાશભાઈની વાત સાંભળી નિશાબેન બોલ્યા,  "હા, બેટા.ચેક અપ તો કાલે પણ થશે.તેની શું ઉતાવળ છે ?"
આકાશભાઈ પણ તેમની વાતનો સાથ પુરાવતા બોલ્યા,

"તારી મમ્મી સાચું કહે છે. આજની ઇવેન્ટ તારા માટે મહત્વની છે. તે ખૂબ મહેનત કરી છે. તું જાણે છે અમારા માટે તારાથી વધુ કશું જ નથી.તારી ખુશી એ જ અમારી ખુશી."

અદ્વિકા આકાશભાઈની પાસે ગઈ અને બોલી, " પપ્પા , મારા માટે પણ તમારા અને મમ્મીની ખુશીથી વધુ કશું નથી."

અદ્વિકાનો સ્નેહથી નીતરતો ચહેરો જોઈ નિશાબેન બોલ્યા , "બેટા, છેલ્લા એક વર્ષથી તું એ જ તો કરી રહી છે !  ચેકઅપ માટે  કાલે જઈશું બેટા. અને આજે તો...."

આજે તો....

આ વાક્ય પૂરું કરતા પહેલા તો નિશાબેનના ગળે ડૂમો બાઝી ગયો. આંખો જાણે છલકાવું છલકવું થઈ રહી .

આ વાક્ય સાંભળતા જ અદ્વિકાના પગ પણ ત્યાં જ થંભી ગયા. એક સાથે કેટલાય અહેસાસનું ધમાસાણ યુદ્ધ ફાટી નીકળ્યું. આંખોની ભીનાશને રોકવા હૃદયમાં ઉમટેલા દર્દના સૈલાબને તેણે ભીતરમાં જ સમેટી લીધું.

મનની વેદનાને અદ્વિકા મનમાં જ જીરવી ગઈ !  તે જાણતી હતી કે પોતાની આંખમાંથી એક આંસુ પણ છલકાશે તો તે નિશાબેનને સંભાળી નહી શકે.

એક ઘરમાં એવા ત્રણ જીવ  જીવતા હતા કે જે એકબીજાની ખુશી માટે પોતપોતાના દર્દને ભીતરમાં જ ઓગાળતા !  પ્રેમ અને સંબંધની એક નવી પરિભાષા તેમનામાં જીવતી.

અદ્વિકાના થંભેલ પગ જોઈ નિશાબેન સામે દીવાલ પર લટકતી તસવીરની નજીક ગયા. એ તસવીરને તે અનિમેષ નજરે જોઈ રહ્યા. સવારથી મહા મહેનતે રોકેલી તેની અશ્રુધારા વહેવા લાગી. અદ્વિકા પણ અત્યાર સુધી રોકી રાખેલ લાગણી અને સંવેદનાની પાળને તોડતી નીશાબેનને ભેટી પડી. બંને ચોધાર આંસુએ પોતાના મનમાં ખળભળાટ  કરતા દર્દના હલેસાને હડસેલી રહ્યા.બંને વચ્ચે જાણે અંતરની લાગણીઓ અને દર્દનો અનોખો સેતું રચાઈ રહ્યો.

કેટલીય વાર સુધી આ ધોધ અવિરત વહી મનથી મનના બોજને હળવો કરતો રહ્યો.અદ્વિકાના ચહેરાને જોઈ  નિશાબેન બોલ્યા બેટા, "આજથી એક વર્ષ પહેલાં આ જ  દિવસે એ ગોઝારી ઘટના બની હતી."

***********************

કેનેડામાં આજે ભયંકર બરફ વર્ષા થઈ હતી.ઠેર ઠેર રોડ પર બરફની સફેદ ચાદર આચ્છાદિત થઈ હતી.જે કેનેડાની સુંદરતાને  ચાર ચાંદ લગાવી રહ્યા હતા.પણ આ સુંદરતાના લીધે કેટલાક લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયાં હતાં.

સફેદીની ચાદર ઓઢેલ કેનેડા હિમાલય સમું દિસતુ હતું.વૃક્ષો પણ સફેદીની એ ચાદર તળે ઢંકાઈ ગયા હોવાથી લીલા પર્ણો સફેદ જાજમ પાથરી તેમાં સુઈ ગયા હોય તેવું લાગતું હતું.

છેલ્લા ત્રણ વર્ષથી કેનેડાની આ ધરતી પર પોતાના સ્વપ્નોને લાઈને આવેલ તે  વાતાવરણ  જોઈ ખિન્ન થઈ ગયો. કેનેડાની આલીશાન બિલ્ડીંગની કોર્પોરેટ ઓફિસમાં બેઠેલ તે વારંવાર કેલેન્ડરની સામે જોઈ રહ્યો હતો.તે બોલ્યો, "આ બરફ વર્ષા પણ આ જે  જ થવાની હતી. જો કાલે બધું સરખુ નહી થાય તો ? ઓહ ગોડ પ્લીઝ હેલ્પ મી."

તેની વાત  સાંભળી તેની સેક્રેટરી આધ્યા બોલી,  " હું તો એ જ ઈચ્છું કે આ બરફ વર્ષા કદી ન થંભે."  એક રહસ્યમય હાસ્ય સાથે આધ્યા તેને જોઈ રહી.

આધ્યાના હાવભાવ જોઈ તે અચંબિત થઈ ખુરશીમાં  પછડાઈ ગયો.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન "

એક વર્ષ પહેલાં અદ્વિકા અને નિશાબેનની જિંદગીમાં કઈ ગોઝારી ઘટના બની?
શું થયું  છે નિશાબેનને ?
કેનેડાની ઓફિસમાં આધ્યા સાથે કોણ છે ?
શુ કારણ છે આધ્યાના રહસ્યમય હાસ્યનું ?

જાણવા માટે વાંચતા રહો.
વાચક મિત્રો  નવલકથા વાંચી આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


Rate & Review

Pradyumn

Pradyumn 5 days ago

Manisha

Manisha 2 weeks ago

Krupa Dave

Krupa Dave 2 weeks ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago