યોગ સંયોગ - ભાગ 10 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 10

યોગ સંયોગ - ભાગ 10


આટલા વર્ષો પછી આમ અચાનક આ ઈવેન્ટમાં અભિનવની હાજરી જોઈ અદ્વિકાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. તેના શરીરમાં અજીબ સંવેદનો ઉધામો મચાવી રહ્યાં. ફુલ એ.સી.માં પણ તેને ગભરામણ થવા લાગી. અભિનવને આમ પોતાની સામે જોઈ તે સમજી નહોતી શકતી કે તે ખુશ થઈ રહી છે કે દુખી. ખુશી અને દર્દના એક સાથે એહસાસોનું ઘોડાપૂર જાણે તેની નસ નસમાં વહી રહ્યું.

તેના ચહેરા પરના પ્રસ્વેદ બિંદુઑ જોઈને અભિનવને તેની ચિંતા થવા લાગી. અદ્વિકા અભિનવને જોઈ રહી. ડાર્ક બ્લૂ સૂટમાં તે વધુ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેનો ચહેરો પહેલા કરતાં વધુ સોહામણો દીસતો હતો.

અભિનવની નજરમાં પણ અદ્વિકાને અચાનક જોયાના આશ્ચર્યના ભાવ સ્પષ્ટ વાંચી શકાતા હતા. અભિનવ પણ અદ્વિકાને બ્લેક લોંગ સ્કર્ટ અને તેના પર લાઇટ પિચ કલરનું ટોપ, ગાળામાં સ્કાર્ફ, એક હાથમાં બ્રેસ્લેટ અને બીજા હાથમાં સિમ્પલ વોચ, થોડી સ્ટાઈલ કરેલ વાળ નીચેથી ખુલ્લા છોડ્યા હતા, પગમાં હાઇ હીલના સૅન્ડલ.

અભિનવ તો અદ્વિકાનું આ બિસનેસવુમન વાળું રૂપ જોઈને અવાચક જ રહી ગયો. તેની આંખોને હજુ વિશ્વાસ નહોતો આવતો. તે વિચારતો હતોકે કંપનીના ઓનર અન્વય સક્સેના, જેને તે માત્ર નામથી જાણતો હતો તેની પત્ની એટલેકે અદ્વિકા સક્સેના, જે અત્યારે કંપની ની સી.ઈ.ઑ. હતી.

તેને યાદ આવ્યું કે પોતે ઇન્વીટેશન કાર્ડ પર આ નામ વાંચ્યું હતું પણ એકવાર પણ એવો વિચારના આવ્યોકે આ તેની અદ્વિકા હોઈ શકે.

અભિનવ રવિ મલ્હોત્રાની બાજુની ચેર પર બેઠો. અભિનવને અચાનક અહી જોઈ રવિને પણ આશ્ચર્ય થયું. કાલે ના પડેલ અભિનવ આજે અહી કેમ?

આ બાજુ અદ્વિકાને સ્થળનું ભાન થતાં તેણે પોતાના બધા એહસાસોને એક પળમાં અંદર ધરબી જાણે તાળું વાસી દીધું હોય તેમ સ્વસ્થ થઈ ગઈ. વધુ રિલેક્સ થવા માટે તે એક શ્વાસે પાણીની અડધી બૉટલ ગટગટાવી ગઈ.

અત્યારે શોર્ટ બ્રેક ચાલતો હતો ત્યારબાદ લાસ્ટ પ્રેજેંટેશન રવિનું હતું. બ્રેકમાં બધા વાતો કરતા હતા. અદ્વિકા પોતાની નજરોને અભિનવના ચહેરા પરથી દૂર રાખવા પાસે પડેલી ફાઈલોમાં મન પરોવવાની વ્યર્થ કોશિશ કરતી હતી.
અભિનવ રવિની બાજુમાં બેઠો હતો.

રવિ ધીરેથી બોલ્યો, “સર તમેતો તમારી બીજી મિટિંગમાં જવાના હતા, તો અહિયાં કેમ? બાય ધ વે મારે તમારી જરૂર હતી. તમે આવ્યા એટ્લે મારો કોન્ફિડેંસ ડબલ થઈ ગયો.”
રવિની વાત સાંભળી અભિનવના ચહેરા પર હળવી સ્માઇલ આવી ગઈ.

તે છત પર એક નજર કરતાં બોલ્યો, "રવિ, શાયદ કિસ્મત ! કેમ કે હું તો ત્યાં જ જઈ રહ્યો હતો પણ અડધે પહોચ્યો કે તેની પ્રોગ્રામ ડિજાઇનરનો ફોન આવ્યો. તેમને એક ઇમર્જન્સિમાં બહાર જવાનું હોવાથી આજની મીટિંગ બે દિવસ બાદની રાખવામા આવી. એ કોલ પત્યો કે તરતજ મને ફ્લૅશ થયું કે અત્યારમાં હોટેલ જઈને બોર થવું તેના કરતાં આ ઈવેન્ટ જોઇન કરું તો નવા બિસનેસમેન સાથે ઓળખ થાય. એમ પણ આ કંપની વિષે ઘણું સાંભળ્યુ હતું. એટ્લે થયું કે આ ઈવેન્ટ જોઇન્ટ કરું."

કદાચ એ લોકોને આપણું પ્રેજેંટેશન ગમી જાય તો આટલી મોટી કંપની સાથે કામ કરવાનો મોકો મળે. પણ હવે સમજાયું કે કિસ્મત ખરેખર મારા પર મહેરબાન છે. જો આજે અહી ના આવત તો...

રવિને અભિનવના પાછળના બે વાક્યો હવામાં ઊછળતા લાગ્યાં. એવામાં શોર્ટ બ્રેક પૂર્ણ થતાં અભિનવે બનાવેલ નવું પ્રેજેંટેશન રવિએ રન કર્યું. પ્રોજેકટ પ્રેજેંટેશનમાં નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવામા આવ્યું હતું. અદ્વિકા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ પ્રેજેંટેશન જોઈ દંગ રહી ગયા. આગળ જોયેલા દરેક પ્રેજેંટેશન કરતાં આ પ્રેજેંટેશન બધાને ખુબજ ગમ્યું.

તેમાં એવી બાબતોનો ઉલ્લેખ કરાયો હતો કે જેના વિષે અદ્વિકાએ ખુદ પણ વિચાર્યું નહોતું. પ્રેજેંટેશનના અંતે પૂછાયેલિ ક્વેરીના પણ રવિએ અદભૂત સોલ્યુશન આપ્યા. પ્રેજેંટેશન પૂર્ણ થતાં દરેક વ્યક્તિએ રવિને તાળીઓ ના ગડગડાટથી વધાવી લીધો.

પ્રેજેંટેશન પૂર્ણ થતાં રવિએ બધાની વચ્ચે અભિનવનો પરિચય આપ્યો. અને આ પ્રેજેંટેશન તેને બનાવ્યું છે તેનો ઉલ્લેખ કર્યો. હવે લંચ બ્રેક હતો અને ત્યારબાદ પ્રોજેકટ ડીલનું એનાઉન્સ્મેંટ થવાનું હતું. અભિનવનું પ્રેજેંટેશન જોયા બાદ બધાને લાગવા લાગ્યું હતું કે પ્રોજેકટ ડીલ અભિનવ સાથેજ થશે. બધાના લંચની વ્યવસ્થા કોન્ફરેંસ હોલની બાજુમાં આવેલ અન્ય હોલમાં કરવામાં આવી હતી.

અદ્વિકાને આટલી મોટી પોસ્ટ પર જોઈ તે ખૂબ ખુશ હતો. અદ્વિકા આટલી મોટી કંપનીની માલિક છે એટ્લેતે ખૂબ ખુશ હશે. તેણે અદ્વિકા સાથે ફક્ત એકવાર વાત કરી હંમેશ માટે ભૂલી જવાનું નક્કી કર્યું. બધા લંચમાં વ્યસ્ત હતા પણ અભિનવ આમતેમ ફરી કંપની નિહાળતો હતો.

અચાનક તેના મનમાં સવાલ થયો આટલા મોટા પ્રોજેકટનું લોંચિંગ છે તો કંપનીના ઓનર અન્વય સક્સેના ક્યાં? આ એક સવાલની સાથે તેના મનમાં કેટલાયે સવાલો સળવળી ઉઠ્યા.

આ બાજુ લંચ બ્રેક માં અદ્વિકા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પ્રોજેકટની ડીલ કોની સાથે કરવી તે ચર્ચા કરતાં હતા. બધાનો મત અભિનવ પર આવીને અટકતો હતો પરંતુ અદ્વિકા અચકાતી હતી. તેણે દીલને કાબૂમાં રાખી દિમાગને સતેજ કર્યું, તેણે વિચાર્યું એક બિજનેસવુમન માટે બિજનેસ સમયે પર્સનલ ફિલિંગ નું કોઈ મહત્વ ના હોવું જોઈએ.

બિજનેસને બિજનેસની દ્રષ્ટિથી નિહાળી જે યોગ્ય હોય તેજ કરવું જોઈએ. આખરે તેણે પણ પોતાનો મત અભિનવને આપ્યો. છેલ્લે સર્વાનુમતે આ ડીલ અભિનવની કંપની સાથે કરવાનું નક્કી થયું.

લંચ બ્રેક બાદ ફરી બધા કોન્ફરેંસ હોલમાં ગોઠવાયા. બધાની નજર હવે થનાર એનાઉન્સ્મેંટ પર હતી. આખરે તે ઘડી આવી, બોર્ડ ઓફ ડિરેક્ટરના એક મેમ્બર શ્રી પાટીલ ઊભા થયા અને તે બોલ્યા, “કમ હિયર મિસ્ટર અભિનવ એંડ મિસ્ટર રવિ, યોર પ્રેજેંટેશન ઇજ વ્ંડરફુલ, વી લાઈક ઈટ સો મચ. અમારા પ્રોજેકટ ની ડીલ અમે તમારી સાથે કરવા ઉત્સુક છીએ. આ પ્રોજેકટની સફળતા એજ મિસ્ટર અન્વય સક્સેનાને સાચી શ્રદ્ધાંજલી હશે.”

આ છેલ્લું વાક્ય સાંભળતાજ અભિનવના પગ તળેથી જમીન સરકવા લાગી હોય તેવું લાગ્યું. તેને લાગ્યુંકે તે બેહોશ થઈ જમીન પર ઢળી પડશે. તેનું શરીર પાણી પાણી થવા લાગ્યું. અદ્વિકા માટે હમણાં જે સુખની કામના કરી હતી તે...

અભિનવના રોમ રોમમાં અદ્વિકાના દુખની કંપારી છૂટી ગઈ. અભિનવના ચહેરા પરથી પ્રોજેકટ મળવાની ખુશી એક પળમાં વિલીન થઈ ગઈ. તેની બધી ખુશીઓ જાણે હવામાં ધુમાડો બની વિખેરાઈ રહી હતી. તેના મસ્તિષ્ક પર જાણે મોટા હથોડાના ઘા માર્યા હોય તેમ માથામાં સણકા બોલવા લાગ્યાં.

અદ્વિકાની નજર અભિનવના બોડી લેંગ્વેજ અને ચહેરાના ભાવ જોઈ ઘણુખરું સમજી ગઈ. મિ. પાટીલ અભિનવના ઠંડા પડેલા ચહેરાને જોઈ બોલ્યા, "આર યુ ઓકે મિ.અભિનવ?"

સ્થળ અને સમયનું ભાન થતાં અભિનવે મહામહેનતે સ્વસ્થ થવાની કોશિશ કરી અને બોલ્યો, “યા મિ. પાટિલ, આઇ થિંક આઇ ફીલ ટાયર્ડ, નથિંગ એટ ઓલ.”

મિ. પાટિલે અભિનવ સાથે શેક હૅન્ડ કરી તેને પ્રોજેકટ માટે શુભેચ્છા આપી.

અન્ય બિજનેસ મેન પણ અભિનવને શુભેચ્છાઓ આપી રહ્યા હતા, પણ અભિનવ માત્ર યંત્રવત આ બધુ કરી રહ્યો હતો. તેની ભીતર એક મોટું તુફાન તેને જંજોવી રહ્યું હતું. પણ પોતાના અંગત ભાવોને દબાવી એક બિસનેસમેનને છાજે એવા ભાવો ચહેરા પર દાખવવાની કોશીશ કરતો હતો.

દુનિયાની ઘણી રસ્મો એટલી અજીબ હોય છે કે દુનિયાદારી નિભાવવા માટે માણસે ચહેરા પર એક ચહેરો પહેરી ફરવાનું. મનના સંવેદનોને મારીને દુનિયાની દ્રષ્ટિએ જે યોગ્ય હોય તેમ વર્તવાનું. ભીતર  લાગણીઓનો ઘૂઘવતો સાગર હોય અને ચહેરા પર નીરવ શાંતિ રાખવાની. ઘણીવાર વ્યક્તિ વિચારે કે દુનિયાદારીને પડતી મૂકી પોતાની ઈચ્છા અનુસાર જીવે પણ આખરેતો પોતાની ઇચ્છાઓને દિલમાં જ દફનાવી દુનિયાની ઇચ્છાએ જીવવું જ પડે છે. સમાજના ખોખલા રિવાજો અને ખોટા દંભમાં કેટલાયે સંબંધોના ફૂલ ખીલ્યા પહેલાજ પાનખર બનીને રહી જાય છે !!

અભિનવને થતું હતુકે આ બધું છોડીને દોડતો અદ્વિકા પાસે પહોચી જાય, તેના મસ્તક પર હુંફ અને સ્નેહ ભર્યો હાથ રાખી, તેના બધા દર્દોને પોતાના દામનમાં જીલી લે. પણ અત્યારે તે દુનિયાદારીના ચોક્ઠામાં કેદ હતો. જ્યાં સંવેદનાની પાંખો ફફડાવવાની ઇજાજત બિલકુલ ન હતી!

અદ્વિકાના દિલમાં અભિનવ પ્રત્યે હજુ ભારોભાર નફરત હતી. તેને લાગતું હતું કે અભિનવે તેનો વિશ્વાસ ઘાત કર્યો છે. તેને થતું હતું કે એક વાર પૂછી લે કે અભિનવે આવું શા માટે કર્યુ ?  પણ નફરત એટલી હતી કે શબ્દો બધા નફરતમાં ઓગળી રહ્યા હતાં.  અદ્વિકા અને અભિનવ બંનેના મનમાં એક જ સમયે અલગ અલગ  સ્પંદનોની વણઝાર ચાલી રહી હતી. એકના દિલમાં ભૂતકાળની નફરત! અને બીજાના દિલમાં પ્રિય પાત્રનું દર્દ ! એકજ સમયે બે દિલ ભાવનાઓના અલગ અલગ આસમાનમાં વિહરતા હતા!

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"


Rate & Review

Pradyumn

Pradyumn 12 hours ago

Bijal Patel

Bijal Patel 1 week ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Krupa Dave

Krupa Dave 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago