યોગ સંયોગ - ભાગ 12 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 12

યોગ સંયોગ - ભાગ 12

અભિનવ પોતાની વાત ચાલુ કરે તે પહેલાં જ અદ્વિકા છલકાતી આંખોએ બોલી, " અભિનવ, શા માટે તે મારો વિશ્વાસ તોડ્યો ?  મારી શું ભૂલ હતી ? "

"તું તારી સફાઈ આપે તે પહેલાં એક વાત મારી સાંભળી લે. મારા પ્રશ્નોનો એ અર્થ બિલકુલ નથી કે તું ન મળ્યો તેનો કોઈ વસવસો છે. કેમ કે અત્યારે તારી સામે જે અદ્વિકા બેઠી છે તે અન્વયની અદ્વિકા છે. કેમકે તારી અદ્વિકા તો માનસિક હતાશામાં જ ખતમ થઈ ગઈ હતી. આ પરિવારની હૂંફ અને અન્વયના પ્રેમને કારણે જ હું આજે જીવું છું. અન્વયના પ્રેમે મને ફરી જિંદગી જીવવાની હિંમત આપી. પ્રેમ પરના મારા વિશ્વાસને અન્વયે પોતાના શ્વાસથી સીંચ્યો. આ મારો પુનર્જન્મ છે. અને નવી અદ્વિકાના રોમરોમમાં ફક્ત અન્વય છે. જ્યાં દૂર દૂર સુધી ક્યાંય અભિનવ નથી. મને કોઈ ફર્ક નથી પડતો તારી હાજરીથી.  કેમ કે અન્વય સાથે ન હોવા છતાં હરદમ તે મારામાં જીવે છે. "

અદ્વિકાની વાત સાંભળી આકાશભાઈને ફરી એકવાર તેના પર ગર્વ થયો. અભિનવ પણ અન્વય પ્રત્યેના તેના સમર્પણને જોઈ સ્તબ્ધ હતો. પણ તેના દિલમાં અદ્વિકા માટે માત્ર ખુશીની કામના હતી.

અભિષેક બોલ્યો, "અદ્વિકા, હું તારા જીવનસાથી પ્રત્યેના સમર્પણથી બેહદ ખુશ છું. "

અભિનવે પોતાની વાત શરૂ કરી. તે બોલ્યો, "અદ્વિકા,  ભૂલ તારી ન હતી. ભૂલ મારી પણ ન હતી. જે પણ થયું તે કિસ્મતને આધીન થયું.  શાયદ કિસ્મતને જ આપણું મિલન મંજૂર ન હતું. એટલે જ સંજોગો એવા બન્યા કે ચાહવા છતાં હું તને મળી શક્યો નહીં."

"તે મને વાત કરી સગાઈની, એ જ રાત્રે,  કેનેડાથી મારી મમ્મીનો ફોન આવ્યો. તે ખૂબ બીમાર હતી. અને જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી હતી. મરતા પહેલા તે એક વાર મને મળવા માંગતી હતી. તેની આ ઈચ્છાને હું નકારી ન શક્યો. અને બીજા જ દિવસે તત્કાલ ટિકિટ કરાવી, વહેલી સવારે હું કેનેડા જવા નીકળી ગયો. વિચાર્યું કે એરપોર્ટ પહોંચી તને ફોન કરી બધું જણાવી દઈશ. અને એકાદ વીકમાં પરત ફરી જઈશ. પછી આપણે લગ્ન કરી લઈશું."

પરંતુ સગાઈ અને લગ્ન જેવા બંધન તો યોગ સંયોગ ને આધીન હોય છે.

"એરપોર્ટની અંદર આવીને મને ખબર પડી કે મારો ફોન ક્યાંક પડી ગયો છે. ફોન શોધવા માટેનો મારી પાસે સમય ન હતો. મારી ફ્લાઇટ આવવાનો સમય થઇ ગયો હતો."

"જલ્દી જલ્દી બધી જ ફોર્માલિટી પતાવી, હું ફ્લાઈટમાં બેઠો. કેનેડા પહોંચીને તરત જ ફોન કરી દઈશ. તેમ વિચાર્યું. પણ ત્યાં પહોંચતા પહેલા જ મારી મમ્મી આ દુનિયા છોડીને જતી રહી. છેલ્લી વાર પણ હું તેને મળી શક્યો નહીં. એ વાતનું મને એટલું બધું દુઃખ થયું કે બે દિવસ સુધી હું એમને એમ સુનમુન પડી રહ્યો. ન ખાવાનું મન હતું કે ન સુવાનું.

આંખોમાં ફક્ત એક જ તસવીર હતી મારા મમ્મીની ! હું અને મમ્મી ભલે અલગ રહેતા હતા, પરંતુ દિલમાં એક આશ હતી, કે કોઈક તો છે મારું ! પરંતુ મમ્મી સાથે એ આશા પણ જતી રહી. મારુ મન તેમની મોતને સ્વીકારવા તૈયાર ન હતું. આ ઘટનામાંથી બહાર નીકળતા મને પંદર વિસ દિવસ થઈ ગયા."

"વિસ દિવસ બાદ હું થોડો સ્વસ્થ થયો. એટલે સૌથી પહેલાં મને તું યાદ આવી. ફોન તો મારી પાસે હતો નહીં. ત્યાંના એક મિત્રના ફોનથી મેં તને કોલ કર્યો. પરંતુ તારો ફોન નોટ રિચેબલ થતો હતો."

"રોજ દિવસમાં હું તને આઠથી દસ વાર ફોન કરવાનો પ્રયત્ન કરતો. પરંતુ એક પણ વાર તારો ફોન કનેક્ટ ન થયો. કદાચ તે તારો ફોન બંધ કરી દીધો હશે. એક પલ તો થયું તને મનાવવા  આજે જ નીકળી જઉં. પરંતુ ત્યાંની પ્રોપર્ટીનું બધું સંભાળવા મારે ત્યાં ત્રણ ચાર મહિના રહેવું પડે એમ હતું. ચાર મહિનામાં એક પણ દિવસ એવો નહોતો કે મેં તને કોલ ના કર્યો હોય કે તારા સુધી પહોંચવાની કોશિશ ન કરી હોય."

"એક એક મિનિટ એક એક પળ હું તને યાદ કરતો. તને મળવા માટે ખૂબ મન થતું પણ મજબુર હતો. આખરે પાંચ મહિના બાદ બધુ બતાવી હું ઇન્ડિયા આવ્યો. એરપોર્ટથી સીધો તારા ઘરે આવ્યો. પણ મને લાગ્યું કે ખરેખર બહુ મોડું થઈ ગયુ. આવીને તારે ઘરે પહોંચતા જાણવા મળ્યું કે તમે શહેર છોડીને બીજે રહેવા જતા રહ્યા. તો પણ હિંમત હાર્યા વગર તને શોધવાની કોશિશ કરી. તું સાચું માને કે ન માને બીજા બે મહિના મેં તને શોધવામાં કાઢી નાખ્યા."

"તારા વગર હું એક એક દિવસ એક વર્ષ જેવું કાઢી રહ્યો હતો. આખરે થાકી હારીને પાછો કેનેડા જતો રહ્યો. કેમ કે ત્યાંની કંપની પણ સંભાળવી જરૂરી હતી.  એમ પણ તારી વગર અહીં રહેવાનું મારું કોઈ મન નહોતું. બસ પછી ત્યાં જ સેટ થઇ ગયો. એ દિવસના ઈન્તેજારમાં કે કોઈક દિવસ તો તું મને મળીશ. અચાનક જ એક પ્રોજેક્ટ ડીલ માટે મારે અહિંયા આવવાનું થયું.  જે દિવસે  હું આવ્યો એ દિવસે એરપોર્ટથી હોટેલ પહોંચતા સુધી મને તારા જ ભણકારા વાગ્યા. એવું લાગ્યું કે તું મારી આસપાસ જ છો."

અભિનવે પોતાના પોકેટમાંથી એક બ્રેસલેટ કાઢ્યું. અને અદ્વિકાને બતાવતા બોલ્યો,  "આ મને એરપોર્ટ પરથી મળ્યું. પણ દિલ કહેતું હતું કે આ તારું છે."

બ્રેસલેટ જોતા જ અદ્વિકા ઉભી થઈ તે બોલી, "હા આ મારું જ છે. એ દિવસે એરપોર્ટ પર કોઈની ટ્રોલીમાં ભરાયું હતું. એ બીજું કોઈ નહીં પણ તું હતો. અદ્વિકાએ તે દિવસની બધી વાત કહી."

અભિનવે પણ એરપોર્ટથી લઈ મંદિરમાં જોયેલ અદ્વિકાની પહેલી જલકની વાત કરી. વાત કરતા કરતા તેની આંખો છલકાઈ ઉઠી. આંસુઓના વહેણમાં અદ્વિકાની બધી નફરત તણાઈ ગઈ. તેને પોતાના વિચારો પર અત્યંત દુઃખ થયું.

આકાશભાઈ અને નિશાબેન પણ અભિનવની વાત સાંભળી ભાવવિભોર થઈ ગયા. બંનેને અભિનવની આંખોમાં સચ્ચાઈ દેખાઈ. અભિનવની છલકતી આંખોમાં પોતાની મા ને ખોવાનું દર્દ સ્પષ્ટ દેખાતું હતું. બંનેને એવું જ લાગ્યું કે, અભિનવે જે કંઇ કર્યું તે સંજોગોને આધીન હતું. કિસ્મતે તેની પાસેથી તેની મા અને અદ્વિકાનો પ્રેમ બંને છીનવી લીધા હતા. જે કંઈ થયું તેમાં અભિનવનો કોઈ દોષ ન હતો.

અદ્વિકા બોલી, "અભિનવ ! જે કંઈ થયું તેમાં તારો કોઈ દોષ ન હતો. જે કંઈ થયું તે કિસ્મતને આધીન થયું. મેં અત્યાર સુધી તને આટલી નફરત કરી તે બદલ મને માફ કરજે."

અભિનવ અદ્વિકાની વાત સાંભળી બોલ્યો, " અદ્વિકા, માફી તો મારે તારી માનવી જોઈએ. મારા કારણે તું અનેક માનસિક યાતનામાંથી પસાર થઈ.  બધાની વચ્ચે દિલથી હું આજે તારી માફી માંગુ છું. "

આકાશ ભાઈ બોલ્યા, "તમે બંને હવે એકબીજાની માફી માંગવાની બંધ કરો. જે થયું તે ભૂલી એક નવી દોસ્તીની શરૂઆત કરો. એમ પણ આપણા નવા પ્રોજેકટ માટે તમારે બંનેએ સાથે મળીને કામ કરવાનું છે. તો દિલને સાફ કરી કામ કરો. અને અભિનવ બેટા, આ તારું જ ઘર છે. મન થાય ત્યારે આવતો રહેજે."

અદ્વિકા અને આકાશભાઈની વાત સાંભળી અભિનવના દિલ પરથી વર્ષોનો બોજ ઉતરી ગયો. અદ્વિકાનો આટલો સમજદાર અને સ્નેહાળ પરિવાર જોઈ તેના મનની અદ્વિકા પ્રત્યેની રહીસહી ચિંતા પણ દૂર થઈ ગઈ.

ક્રમશઃ
Bhumi joshi. "સ્પંદન"
શું  અભિનવ અને અદ્વિકાના નવા સંબંધની શરૂઆત થશે ?
આખરે શું પ્લાન છે આકાશભાઈનો ?
શું અદ્વિકા અભિનવની નિખાલસ દોસ્તી કબૂલ કરશે ?
જાણવા માટે વાંચતા રહો.


Rate & Review

Pradyumn

Pradyumn 10 hours ago

Krupa Dave

Krupa Dave 2 weeks ago

Vijay

Vijay 2 weeks ago

Parash Dhulia

Parash Dhulia 4 weeks ago

Manisha Thakkar

Manisha Thakkar 4 weeks ago