Vyatha - 1 in Gujarati Anything by Hitesh Vaghela books and stories PDF | વ્યથા - પ્રકરણ - 1

વ્યથા - પ્રકરણ - 1


ઓફિસેથી ઘેર આવીને હિતેને જોયું તો વૈશાલી હીબકાં ભરીને ભરીને રડતી હતી.જો કે હિતેનને જોતાં જ એણે ઝટપટ આંસું લુંછી નાખ્યાં.ઉભી થઈને પાણીનું ગ્લાસ આપ્યું અને બોલી,'જમી લ્યો ઝડપથી હિતેન.જમીને આપણે બહાર જવું છે.'
"બકા" ના બદલે હિતેન? રડીને લાલઘૂમ થઈ ગયેલી આંખો! હિતેનને કંઈ સમજમાં ના આવ્યું.એમાંય વૈશાલીને કોઈ સામાન્ય શારિરીક તકલીફ હોય તો પણ જમવાનું તો લગભગ બહાર જ હોય તેવા સંજોગોમાં "જમી લ્યો ઝડપથી"?
આજે હોસ્પિટલે બધા રીપોર્ટ કરાવવા જવાનું હતું.એ રીપોર્ટો તો બધા નોર્મલ આવ્યા છે તે સમાચાર તો હિતેને બપોરે ત્રણ વાગે ફોન કરેલો ત્યારે વૈશાલીએ આપી દીધેલા.તો પછી શું ઘટના બની હશે?
પાણી પીતાં પીતાં તો હિતેનના મનમાં કેટલાય વિચારો આવી ગયા.હિતેને થોડા ગભરાયેલા અવાજે વૈશાલી પાસે બેસીને કાયમના "બેબી" સંબોધનને કોરાણે મુકીને કહ્યું, 'શું વાત છે વૈશાલી?પ્લીઝ ઝડપથી બોલ, પછી હું જમવા બેસું.
'તમારા સોગંદ ખાઈને કહું છું કે, કશું જ અઘટિત બન્યું નથી કે મને પણ કંઈ થયું નથી.પ્લીઝ તમે જમી લ્યો.હું જમવાનું તૈયાર કરુ છું.તમે હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ને જમી લ્યો.'વૈશાલી વિનંતીભર્યા ભાવે બોલી.
હિતેન મનોમન ફરીથી ચોક્યોં. બે વર્ષના લગ્ન જીવનમાં આવો વિનંતીભાવ વૈશાલીના મોં પર એણે પ્રથમવાર જોયો હતો.છતાંય એણે કહ્યું, 'તેં જમી લીધું?
'ના, મને ભુખ નથી.તમે આજે મારી ચિંતા ના કરશો કે મને કોઈ પ્રશ્ન પણ કરશો નહીં કારણ કે આપણે જમીને એકસો પચાસ કિલોમીટર દૂર જવાનું છે.અત્યારે જ બા બાપુજીને મળવા.'
વૈશાલીએ ફટાફટ જમવાનું પીરસી દીધું અને બોલી,'તમે શાંતિથી જમી લ્યો ત્યાં સુધી હું સાડી પહેરી
લઉં.'
મમ્મી પપ્પા માટે આજે વળી બા બાપુજીનું સંબોધન! સાડી પહેરી લઉં? અને તે પણ જાતે? હિતેનને બધું મુંઝવણભર્યું લાગતું હતું.એને કંઈ સમજણ પડતી નહોતી છતાંય જમતાં જમતાં એટલું તો બોલ્યો જ,'ડ્રેસ પહેરી લેવો હતો ને? તને સાડી પહેરતાં આવડશે? અને સાડી ક્યાંથી લાવી? તારી બધી સાડીઓ તો ગામડે છે,વતનમાં.'
સાડી,બ્લાઉઝ એ બધું તો આપણી કામવાળી બે'ન કોકીલા આપી ગઈ અને પહેરવાની ચિંતા તમે ના કરો.જેમ આવડશે તેમ પહેરી લઈશ.ત્યાં અડધી રાતે પહોંચશું પછી બીજું કોણ જોવાનું છે?'-વૈશાલી બેડરૂમમાંથી ભીના અવાજે બોલી.
વૈશાલી જેમ જેમ બોલ્યે જતી હતી તેમ તેમ હિતેન ગુંચવાતો જતો હતો. કામવાળીનાં કપડાં અને એ પણ વૈશાલી પહેરે! ઓફિસેથી ઘેર આવતી વખતે બહાર નિકળીને ગાડી પાર્ક કરેલ હતી ત્યાં પહોંચીને એણે એના પપ્પાને ફોન કર્યો હતો અને મમ્મી પપ્પા બન્ને સાથે વાતચીત કરી હતી,એમાં વૈશાલી ત્યાં આવવાની છે એ તો ફોનમાં મમ્મી પપ્પાએ કઈ કહ્યું જ નહોતું.હિતેનનાં મમ્મી પપ્પા -બન્નેએ ફોન પર વૈશાલીના સમાચાર પણ લીધા હતા.
ગળે ઉતરતું નહોતું છતાં થોડું જમી લીધું.જમીને રૂમમાં જ બે ત્રણ આંટા માર્યા ત્યાં તો વૈશાલી તૈયાર થઈને આવી ગઈ.હિતેન તો એને જોતો જ રહ્યો.કપાળમાં બિંદી, હાથમાં બંગડી! આ બધું શું? એટલે જ તો એણે કહ્યું, 'ગામડાની ગોરી થઈ ગઈ વૈશાલી તું તો!મને કંઈક તો કહે?
પરંતુ વૈશાલીના ભાવશુન્ય અને રડમસ ચહેરામાં કોઈ પરિવર્તન નહોતું.
બન્ને જણ ઘરને લોંક મારીને બહાર નીકળ્યાં.ગાડીમાં ગોઠવાયાં ત્યાં જ વૈશાલીએ કહ્યું, 'ઓફિસે મેઈલ કરીને કાલની રજા મુકી દો હિતેન અને હા, કોઈ પણ ચિંતા કર્યા વગર ગાડી ચલાવજો.રાત્રીની મુસાફરી છે ને પાછું દૂર જવાનું છે.પ્લીઝ!મને રસ્તામાં કોઈ પ્રશ્ન ના કરતા.ગાડી ચલાવવામાં જ ધ્યાન રાખજો.'
કિશોરભાઈ ગામડાના ગરીબ માબાપનું ફરજંદ.માબાપે પેટે પાટા બાંધીને પણ કિશોરભાઈને ભણાવ્યા અને મહેનત ફળી.કિશોરભાઈ પ્રાથમિક શિક્ષક બની ગયા.લગ્ન બંધને બંધાયાના બીજા જ વરસે એમનાં ધર્મપત્ની મનોરમાબેન પણ પ્રાથમિક શિક્ષિકા બની ગયાં.લગ્નજીવનના તેર તેર વરસ પછી ભગવાને આ પરિવાર સામે જોયું.
પુત્રરત્નનો જન્મ થયો.પરિવારમાં આનંદ આનંદ થઈ ગયો. એ પુત્રરત્ન હિતેન.
હિતેન ભણી ગણીને કંપનીમાં ઉંચા પગારવાળી નોકરીનો હકદાર બન્યો.એ જ કંપનીમાં વૈશાલીને પણ નોકરી મળી ગઈ.વૈશાલી અને હિતેન કોલેજકાળથીજ એકબીજાના પરિચયમાં હતાં.બન્નેનો અભ્યાસ પણ એક જ હતો.બન્નેની આંખ મળી ગઈ.બન્ને પરિવારોએ સબંધ પર મંજુરીની મહોર મારી દીધી.
હિતેનનાં મમ્મી પપ્પા બન્ને નોકરીયાત હોવા છતાં સાદુ જીવન જીવવાવાળાં માનવી હતાં એના પ્રમાણમાં વૈશાલીનો પરિવાર પ્રમાણમાં ખાધેપીધે ઠીક ઠીક કહી શકાય તેવો પરંતુ આધુનિક લાઈફસ્ટાઈલ ખરી! હિતેન તો આધુનિક જીવનશૈલી સાથે સાદગીને પણ સમજવવાવાળો યુવાન હતો.
ધામધૂમથી લગ્ન લેવાયાં.લગ્નના છ માસ પહેલાં કિશોરભાઈ નિવૃત થયા હતા તો લગ્નના છ માસ પછી મનોરમાબેન નિવૃત થયાં.
લગ્ન પછી તરત જ હિતેને નોકરીના સ્થળે મકાન લઈ લીધું હતું અને હિતેન, વૈશાલી મોજશોખથી સહજીવનનો આનંદ માણી રહ્યાં હતાં.
મનોરમાબેન નિવૃત થતાં જ હિતેને મમ્મી પપ્પાને એની સાથે રહેવા બોલાવી લીધાં.આમેય કિશોરભાઈનાં માબાપ તો અત્યારે આ દુનિયામાં હયાત નહોતાં એટલે દિકરા સાથે રહેવા જવામાં એમનેય ખુબ આનંદ થયો.
હિતેનનું મકાન પણ પ્રમાણમાં મોટું હતું. કોઈ તકલીફને અવકાશ નહોતો.
મનોરમાબેન તો રાજી રાજી થઈ ગયાં.આનંદથી સમય પસાર થતો ગયો.કિશોરભાઈ તો અઠવાડિયામાં બે ત્રણ દિવસ,લગભગ શુક્રથી રવિ સુધી વતન અને સગા સબંધી,મિત્રવર્ગમાં જ મહાલે.ભુતપૂર્વ વિદ્યાર્થીઓને ઘેર મહેમાનગતિના વાયદાઓ પુરા કરવાનો હવે જ તો સોનેરી અવસર હતો ને!
હિતેન અને વૈશાલી બન્ને નોકરીયાત હોવાથી મનોરમાબેન હોંશે હોંશે રસોડા વિભાગ સંભાળવા લાગ્યાં.અઠવાડિયું મમ્મીના હાથનો ભોજનનો સ્વાદ માણીને હિતેને કચરો, પોતુ, કપડાં,વાસણ કરતી કામવાળી બેન કોકીલાને સવારનો નાસ્તો અને રસોઈનો વધારાનો હવાલો સોંપી દીધો.
એક જ સાંજના ભોજનની જવાબદારી મનોરમાબેને દિકરા વહુને આગ્રહ કરીને પોતાના શીરે અકબંધ રાખી.
એક મહિનો બધું સમુસુતરૂ ચાલ્યું ત્યાં વૈશાલીના મોંઢે મનોરમાબેન માટે શિખામણના શબ્દો નિકળવા લાગ્યા જેમાં પ્રથમ શિખામણ કંઈક આવી હતી.'મમ્મી! માફ કરશો પરંતુ આ દુનિયા ખુબ આગળ વધી ગઈ છે અને આ શહેર છે.તમે આખો દિવસ આ સાડી પહેરીને જ ફરો છો.હવે અત્યારની જીવનશેલી મૂજબ ડ્રેસ, કેપ્રી-જર્સી, જીન્સ પહેરતાં થઈ જાઓ.'
'મને આવાં વસ્ત્રો કોઈ પહેરે એની સાથે કોઈ વાંધો નથી બેટા! પરંતુ હું તો એક શિક્ષકનો જીવ છું.શિક્ષક હમેશાં આજીવન શિક્ષક જ હોય છે,સમાજના દરેક વ્યક્તિમાં એનું સ્થાન કંઈક વિશિષ્ટ અને અનોખું છે.મેં નોકરીના પહેલા દિવસથી જ સાડી પહેરી છે.મારાં ભૂલકાંએ મને એ જ વસ્ત્ર પરિધાનમાં જોઈ છે અને હું મરુ ત્યાં સુધી શિક્ષક જ છું,એટલે એ વસ્ત્ર પરિધાનમાં ફેરફાર કરવાનો મારો આત્મા મને ના પાડે છે બેટા.
તને ખબર છે વૈશાલી બેટા કે, હું ચોવીસ કલાક સાડીમાં જ રહી છું છતાં અહીં આવ્યા પછી તારા આગ્રહને વશ થઈને રાત્રે આરામ વખતે ગાઉન પહેરવાનું તો શરૂ કર્યું જ છે.આખી નોકરી દરમ્યાન ક્યાંક યાત્રા પ્રવાસ કે ખાસ સંજોગો સિવાય હોટેલનું જમી નથી છતાંય અહીં આવ્યા પછી સાદર તારા પ્રેમને વશ થઈને રવિવારે હોટેલમાં પણ સાથે આવું છું.' -મનોરમાબેન મોં પર થોડું હાસ્ય લાવીને બોલ્યાં.
હોટેલની વાત સાંભળતાં જ વૈશાલીને મનમાં ખટકો લાગ્યો. મનોરમાબેન અહીં આવ્યાં તેના પછી વૈશાલીએ રવિવારના દિવસે ઉપરછલ્લું જ મનોરમાબેનને કહ્યું હતું કે, 'ચાલો મમ્મી આજે હોટેલમાં જમી આવીએ.'એને એમ હતું કે, મનોરમાબેન ચોખ્ખી ના પાડીને કહી દેશે ને કહેશે કે તમે જઈ આવો.પરંતું મનોરમાબેને તો કહી દીધું હતું કે, 'ચાલો ભાઈ ત્યારે.!
વૈશાલીએ તો એના ભાઈ અને બે નાની બહેનોને પણ દર રવિવારની જેમ ફોન કરીને કહીં દીધું હતું.
મેનુમાં વૈશાલીએ સાદા ભોજનની વાત કરી તો હિતેને કહ્યું હતું કે,'અરે યાર!મારા સાળા અને આ બે સાળીઓ જ્યારે આવે છે ત્યારે આપણે કાયમ પિત્ઝાનો જ ઓર્ડર આપીએ છીએ.આજે તો સાળા સાળી ઉપરાંત મમ્મી પણ આવી છે તો પિત્ઝાનો સ્વાદ જ માણીએ.'ફ્રી માઈન્ડના હિતેનને તો કંઈ મનમાંય નહોતું પરંતુ વૈશાલી ક્ષોભીલી પડી ગઈ હતી.એને ખબર હતી કે, આટલા બધા જણનું આજનું ભોજનબીલ મોટું આવશે તે જોઈને મનોરમાબેન જરૂર કંઈક કહેશે.
મોટું બીલ આવ્યા પછીયે મનોરમાબેન તો કંઈ જ ના બોલ્યાં હતાં .પરંતું રવિવારનો હોટલનો જમણવાર આપોઆપ બંધ થઈ ગયો હતો.
દર રવિવારે વૈશાલીના ભાઈ બહેનોને અહીં આવવાનું તો ચાલુ જ રહ્યું હતું .બપોર પછી વૈશાલી અને તેનાં ભાઈ-બહેન શોપીંગ કરવા જાય.શોપીંગ પછી વૈશાલી એકલી જ ઘેર આવે.તેનાં ભાઈ બહેનોને બારોબાર વળાવી દીધાં હોય.
મનોરમાબેન ટુંકા જીવનાં તો જરાય નહોંતાં પરંતુ હસતાં હસતાં મનમાં સ્વગત જરૂર બોલતાં, 'કદાચ! એટલે જ પુર્વજોએ રિવાજ પાડ્યો હશે કે, 'દિકરીના ઘરનું પિયર પક્ષને પાણીય ના ખપે!
એક રવિવારે સવારે વૈશાલીની ઘણીબધી ફ્રેન્ડ અને સ્ટાફમાં કામ કરતી યુવતીઓ ઘેર આવી ચડી. બધાં સાથે વૈશાલીએ મનોરમાબેનની ઓળખાણ કરાવતાં કહ્યું, 'આ મારાં મધર ઈન લો છે.'કેટલીકે હાય! કહીને તો પાંચેક યુવતીઓએ નમસ્તે કરીને મનોરમાબેનનું અભિવાદન કર્યું.ત્યારબાદ વૈશાલી બોલી, 'આ મારાં મમ્મી રિટાયર્ડ ટીચર હોવા છતાં હજી જુનવાણી વિચારસરણી ધરાવે છે ને જુનાં વસ્ત્રો પહેરાવવામાં જ ગૌરવ અનુભવે છે.મનેય શરમ આવે છે પણ શું કરુ? '
સમસમીને રહી ગયાં મનોરમાબેન છતાંય હસતું મોઢું રાખીને સૌની સરભરા કરી.
આમ ને આમ છ મહિના વીતી ગયા.કિશોરભાઈ તો હજી મહેમાન જેવા જ હતા. અઠવાડિયામાં ચારેક દિવસ રોકાય. એમાંય એ મોટાભાગે નજીકનાં દેવસ્થાનોમાં સમય પસાર કરી દે.ઘેર હોય તો છાપુ વાંચવામાં અને માળા ફેરવવામાં જ દિવસ વિતાવી દે.
રોજ સવારે નજીકમાં આવેલ શિવાલયમાં દર્શને જવાનો નિયમ તો મનોરમાબેનનો જળવાઈ રહ્યો હતો.વૈશાલી અને હિતેનનો આઠ વાગ્યા પછી ઉઠવાનો સમય હતો અને પ્રાતઃક્રિયા પતાવતાં જ નવ સાડા નવ થઈ જાય એટલે વૈશાલીને દર્શન માટે મનોરમાબેન સાથે કેવી રીતે લઈ જાય?
એક દિવસ વૈશાલી ખાસ્સી વહેલી ઉઠી ગઈ. એ દિવસે મનોરમાબેન બોલ્યાં, 'ચાલ બેટા! આજ તો વહેલી વહેલી ઉઠી ગઈ છે,એટલે ફટાફટ તૈયાર થઈ જા.સાસુ,વહુ એકસાથે આજે ભોળાનાથને મનાવીએ. '
મને ક મને વૈશાલી તૈયાર થઈને બોલી, 'ચાલો મમ્મી! '
મનોરમાબેનની નજર વૈશાલીએ પહેરેલ કેપ્રી પર પડી.
'અરે બેટા! તારી નોકરીએ જવા માટેનાં જે વસ્રો પહેરે છે એ પહેરી લે. આ ઘેર પહેરવાનાં વસ્ત્રો મંદિરે પહેરીને ના જવાય! ' -મનોરમાબેન શિખામણભાવે બોલ્યાં પરંતુ વૈશાલી તો કારણ જ શોધી રહી હતી.
'બસ! મારા માટે વાંકું બોલવા સિવાય ક્યાં તમને બીજું કંઈ આવડે છે?' -વૈશાલી ગુસ્સા સાથે આટલું બોલી ત્યાં મનોરમાબેને એના મોંઢા આડે હાથ રાખીને ધીમેથી બોલ્યાં, 'મને માફ કરી દે બેટા!જો,હિતેન જાગી જશે ને સાંભળશે તો ખોટી ચિંતા કરશે.હવે કોઈ દિવસ નહીં બોલું બસ! મને માફ કરી દે.'
આજે રવિવાર હતો.હિતેન એના મિત્રને મળવા ગયો હતો.ગમે તે કારણોસર વૈશાલીનાં ભાઈ બહેન આજે આવ્યાં નહોતાં. કામવાળી પણ બધાં કામ કરીને નિકળી ગઈ હતી. મનોરમાબેન તેમના બેડરૂમમાં આડાં પડ્યાં હતાં.ઉંઘ અને આરામ તો છેલ્લા દિવસોમાં ક્યારનાંય ઉડી ગયાં હતાં.ઉંઘ તો ક્યાંથી આવે પરંતુ આડાં જરૂર પડ્યાં હતાં.
અચાનક ફોન પર થતી વાતચીત કાને પડી.'હું તારી દિકરી છું.એ મને શું આખી જીંદગી સેવા કરાવવાનાં હતાં! તું જોજે ને! થોડા દિવસોમાં ઉભી પુંછડીએ ગામડે ભાગી જશે. હા, હા, મમ્મી! પેન્શનના રૂપિયા તો આપે જ છે અને હજી સુધી હિતેનને તો કોઈ વાતનો અણસારેય આવવા દીધો નથી.લે ફોન મુકું છું.બાય મોમ! '
મનોરમાબેન માટે આ કંઈ નવું નહોતું.એમને તો અનુભવના આધારે નક્કી થઈ ગયું હતું કે, દોરી સંચાર બધો પિયર પક્ષનો છે.હવે વધારે સમય અહીં રહેવું વસમું થઈ પડશે એ નક્કી પરંતુ ભોળો હિતેન પૈસેટકે લુટાઈ રહ્યો હતો તેની ચિંતા મનોરમાબેનને કોરી રહી હતી.

ક્રમશઃ


BY ~ HITESH VAGHELA

Rate & Review

Chapara Bhavna

Chapara Bhavna 4 weeks ago

Preeti G

Preeti G 4 months ago

Jalpa Navnit Vaishnav
Yogesh Raval

Yogesh Raval 4 months ago

Vk Bhanushali

Vk Bhanushali 4 months ago

જમાવટ