લવ મેરેજ પ્રકરણ 2

વાર્તા લવ મેરેજ

ભાગ 2

મહેબુબ સોનાલિયા

40 કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી સરકારી બસ મહી બેસેલી માલિનીનું મન હજારો પ્રકાશવર્ષ પ્રતી કલાકની ઝડપે ગતિમાન હતું. આજુબાજુ ચાલી રહેલા દ્રશ્ય ભલેને ગમે તેટલા નયન રમ્ય હોય પરંતુ તેની નજર તો માત્ર ગાડીની આગળની સીટ પર જ ખોડાય ગયી હતી. કદાચ આ અવસ્થામાં તો તે સીટને પણ નહીં જોઈ રહી હોય.આમ પણ તે ફાટેલી તૂટેલી સીટમા એવું તો કશું ખાસ હતું નહીં. આપણી સરકારી બસોની સુવિધાથી તો આપણે સૌ વાકેફ છીએ. તો પછી કેમ સ્વયં લાખ કોશિશ કરવા છતાં પણ ત્યાંથી માલીનીની નજર હટતી નહોતી? ન તો તે આજુબાજુ કશું જોતી હતી.ન તો તેની બગલમાં બેસેલા તેના મમ્મી રમીલાબેન સામું એકવાર પણ જોવા સુદ્ધાની કોશિશ કરી. એક અલ્લડ મસ્ત પવન જેવી છોકરી એકાએક આજ કેમ સાવ મરી પરવારેલા જડ શરીરની જેમ સંવેદનહીન કેમ બની ગઈ હશે?

"સવારના આપણે એમનેમ નીકળ્યા છીએ. ચાલ આપણે બન્ને માં - દીકરી કશુંક જમી લઈએ" રમીલાબહેન બોલ્યાં.

જાણે રમીલાબહેન હવે સાથે વાત કરી રહ્યા હોય તેમ માલીનીને કશો પણ ફરક ન પડ્યો. તેણે હા કે ના કહેવા ની પણ તસદી ના લીધી.

રમીલાબહેને માલીનીને હચમચાવી. " તારું ધ્યાન ક્યાં છે? એવો તો શું તારા સસરા એ તને ફોન કર્યો છે કે તું વેકેશન કરવા આવી હતી. બધા ભાઈ બહેન ને ભેગા કર્યા હતા.આનંદ કરતા હતા કિલ્લોલ કરતા હતો તે હર્ષને અધવચ્ચે છોડી અને મને પણ તારા સાસરીએ ઢસડી જા છો" ભરચક બસમાં ભલે ગમે તેટલા મુસાફર હતા પણ કોઈ જ પ્રકારનો વિચાર કર્યા વગર રમીલા બહેન ઉંચા સ્વરે બોલી ઉઠ્યા.

ગઈ કાલ સાંજે તેના સસરાના ફોન કોલ આવ્યા બાદથી અત્યાર સુધી માલીનીની આ જ દશામાં હતી. કશું બોલતી નથી. જમતી નથી. દીવાલને એકીટશે જોયા કરે. ખરેખર શું થયું છે તે જાણવા માલીનીના આખા પરિવારે ઘણી કોશીશ કરી છતાં તે કશું બોલી નહીં.

કદાચ તે ઘણું બોલવા ઇચ્છતી હતી છતાં કશુંક એવું એણે સાંભળ્યું હતું જે તેની સ્વરપેટીને અવરોધતુ હતું. જો માલિનીને કોઈ વધુ પૂછે તો તેની આંખોમાં આંસું અને તેના કંઠમાં ડૂમો ભરાઈ જતો. લાખ યત્ન કરે છતાં તે કશું બોલી શકતી નહોતી. તે પોતાની સામટી શક્તી લગાડીને તેના દિલનો હાલ જણાવવા તેના મમ્મી પાસે ગઈ. મમ્મીએ તેને પોતાની છાતી સરસી ચાંપી દીધી. તેના ગાલ પર દડી રહેલા આંસુઓ લૂછયા અને પોતાના ખોળામાં માલીનીનું માથું રાખીને માથા પર પ્રેમનો હાથ ફેરવ્યો.

દીકરી ક્યારેય કોઈને બોજરૂપ નથી હોતી. પરંતુ જયારે કોઈ દીકરી રડતાં રડતાં પિયર આવે ને ત્યારે માતા પિતા ના હૃદય માંથી એક જ વાત નીકળે છે . 'ઇશવર કોઈને દીકરી ન દે.'

પોતાના આસુંની સાથે પોતાની જિંદગી પર આવી પડેલી એક મોટી ઘાતને સંતાડતા માલીની એક જ વાક્ય બોલી શકી " મને મારા સાસરીએ જવા દો"

બાળકોના નબળા સબળા દિવસમાં માતા પિતા તેને એકલા તો કેમ કરી છોડી દે. સવાર મા વહેલા ઉઠી રમીલાબહેને એક પછી એક કામ ઉપાડ્યા. ઘરમાં ભાઈને બધું સમજાવવા લાગ્યાં. ફલાણું અહીં મૂક્યું છે. ઢીકણું ત્યાં છે. બહાર જા તો ઘર વાસતો જજે. અને 7 વાગ્યા ના ટકોરે તો તેઓ તૈયાર થઈ અને માલીનીના સાસરીએ જવા બસ સ્ટોપ પર આવી ગયા હતા.રમીલા બહેન, માલીની અને એક મસમોટો થેલો. થેલો તો મોટો હોવાનો જ ને. બિચારી મહિનો રહેવાની હતી. આખું વેકેશન પિયરમાં કરવું હતું. અને કાલ ફોન કોલ આવતા અચાનક ભાગવાનું થયું. બંન્ને બસની અડધા કલાક રાહ જોઈ અને બસ આવતા વેંત ભૂખ્યાં તરસ્યા બસમાં બેસી ગયા હતા. ભૂખ તો જોકે રમીલાબહેન ની પણ મરી પરવારી હતી છતાં માલીની ખાતર તેણે ફરીથી કહ્યું " બેટા થોડું જે ભાવે તે જમી લે."

"મને ઈચ્છા નથી."તેણે સાવ નમલો જવાબ આપ્યો.

માલીની ના આવા પ્રકારના દરેક જવાબ તેની માતાને ભાંગીને ભૂક્કો કરી રહ્યા હતાં.

"બેટા તારી ઇચ્છા ખાતર નહીં તો કાંઈ નહીં પણ તારી આ અવસ્થાના કારણે તો જમી લે"રમીલાબહેને તેના કાન માં કહ્યું.

માલીની એ કોઈ દલીલ કરી નહિં અને માં અને દીકરી ચાલુ બસમા જમવા બેસ્યા.

માલીની પરાણે થોડું જમી અને ફરી પોતાની નજર સમક્ષ રહેલી સીટને અનિમેશ જોવા લાગી.

લગભગ સાડા દસ જેવું થયું હશે કે બસ અમારા ગંતવ્ય સુધી પહોંચી. બ્રેક લાગતા ની સાથે જ બધા જ પેસેન્જરો દોડવા લાગ્યાં ભીડ ઓછી થયા બાદ આ બંન્ને માં દીકરી નીચે ઊતર્યા.

રમીલાબહેન હજી તો રીક્ષા શોધી રહ્યા હતા ત્યાં તો માલીની ચાલવા માંડી. રમીલા બહેને દોડીને તેનો હાથ પકડ્યો

"ક્યાં જઇ રહી છો દીકરા?" તેમણે માલીની ને પુછયું.

"મને કશી ખબર નથી કે મારી જિંદગી કયાં જઇ રહી છે મમ્મી" તેણે જાહેરસ્થળ પર પોતાનો આપો ન ગુમાવ્યો. અને આત્મગત બોલી

***

રિક્ષાવાળો ખૂબ જ ખરાબ રીતે ડ્રાઇવ કરતો હતો. એક તો speed માં ચલાવે. બીજું આગળ જતાં વાહન થી સાવ અડાડીને ચલાવે. જો આગળના વાહને બ્રેક મારી હોઈ તો તો પછી કામ પૂરું. આપણે કોઈક હોસ્પિટલમાં જ હોઈએ. સાવ રફ ડ્રાઇવ કરે ભાગ્યે જ કોઈ ખાડો કે કોઈ રોદો તારવે, અરે speed breaker સુધ્ધાં ઠેકાડે. જરાક પણ jerk આવે તો રમીલાબહેનને ફાળ પડે. "ભાઈ ધીમે ધીમે, આ તમારું રફ ડ્રાઇવિંગ મારી દીકરીને નડી જશે " રમીલાબહેન બોલ્યા.

"કેમ બીમાર છે?" રિક્ષાના કાચ માંથી માલીનીના શરીરને scan કરતો ડ્રાઇવર બોલ્યો.

"ઓ ભાઇ તારા કામથી કામ રાખ. આગળથી લેફ્ટ લે અને નાકે ઉભી રાખી દે." માલીની ગુસ્સાના આવેશમાં સળગી ઊઠી!

જ્યાં સુધી આગળ નાકુ ન આવ્યું અને માલીની અને રમીલાબહેન રીક્ષા માંથી નીચે ન ઉતર્યા ત્યાં સુધી પેલા ડ્રાઇવર ની પાછળ જોવાની હિંમત ન થઈ. ન તો તેણે કોઈ રોદો ઠેકાડ્યો કે speed breaker ઉડાડયું. ધીમે ધીમે ચલાવ્યા કર્યું.

"તું રહેવા દે હું ઉપાડી લઉં છું." માલીનીને ખાલી હાથ ઉતરવાનું કહી રમીલા બહેને મસમોટો થેલો ઉપાડી લીધો.

કોલસમાં ભભકિ ઉઠેલી આગ ઘડીકમાં તીખારાનું સ્વરૂપ ધારણ કરી અને અંતે ઠરી જાય તેવી જ રીતે માલીની રીક્ષાથી ઉતરી અને નાકા સુધી આવી ત્યાં તો ઠરી ગઈ. ફરી પેલી જડ અચેતન અવસ્થામાં માલીની પરાણે પરાણે ચાલી રહી હતી.

માલીનીની પાછળ પાછળ તેના મમ્મી ચાલી રહ્યા હતા. બિચારા થેલાનો વજન ઉપાડી શકતા નહોતા. છતાં તેને માલીનીને વજન ઉચકવા નહોતું દેવું.

"Hi ભાભી" શેરીમાં પગ મુકતા વેંત જ એક 13 14 વર્ષની છોકરી બોલી. તેની પાછળ ઉભેલી તેની મમ્મી તેનો હાથ પકડી અને પરાણે ઘરમાં લઈ ગઈ. થોડા આગળ વધ્યા ત્યાં તો શાકભાજી વાળાને ત્યાં શેરીની મોટા ભાગની સ્ત્રીઓ શાકભાજી ખરીદવા આવી હતી.

માલીનીએ શરમના માર્યા પોતાનું મુખ ઢાંકી લીધું. પરંતુ હકીકતથી અજાણ માલીનીના મમ્મી બધાની સામે સ્મિત કરતા જાય. અને સામાં છેડેથી સાવ અજીબ પ્રતિસાદ મળે. રમીલા બહેનના સ્મિત સામે કોઈએ સમસમતો તમાચો માર્યો હોય તેવો look આપે. બિચારા રમીલા બહેન કશું સમજે ત્યાં સુધીમાં તો આવતી જતી દરેક સ્ત્રીઓ ગુસપુસ કરવા લાગી. કોઈ મુસ્કુરાઈને તાળી મારતી , તો કોઈ કિલો એરંડીયું પીને બેઠી હોય તેમ મો ફૂલાવતી, તો કોઇ તો વળી દાંત કિચડિયા કરતી .

મહિલાઓના ટોળામાં કદાચ એક મહિલા નવી હશે. માલીનીએ પણ તેને ઓળખી નહીં. સાવ અજાણી હોવાથી તેને આ મસાલેદાર કિસ્સામાં રસ પડ્યો. તેણે વળી કોઈ છોછ રાખ્યાં વગર માલીની સામે આંગળી ચીંધતા પૂછી લીધું. " આ બહેનની તમે વાતો કરો છો? તે કોણ છે?"

"હા આપણે બીજી લાઈનમાં પહેલું મકાન નથી. ત્યાં પેલા શાંતીકાકા રહે છે ને. જો ને તેનો દીકરો..., શુ નામ હતું ?" એક હરખ પદુડી બોલી.

માલીનીના પેટમાં ફાળ પડી. તે ઘણું ચાહતી હતી કે તે નાલાયક સ્ત્રીના જીભ પરથી આવનારા શબ્દોને રોકી લે પરંતુ હવે માલીની પાસે તે શક્તિ નથી.

"અરે એનું નામ પિયુષ," એક બીજી હરખ પદુડી બોલી

"હા જો પિયુષ " પેલી એ અધૂરું વાક્ય શુરું કર્યું. પિયુષ બાજુની સોસાયટીની કોઈક છોકરી સાથે ભાગી નથી ગયો? આ બિચારી જઈ રહી છે ને તે પીયૂષની પત્ની છે."

ધબ્બ અવાજ સાથે રમીલાબહેન રસ્તા પર ગબડી પડ્યા બેગ પણ તેના હાથ માંથી છૂટી ગયું અને માલીનીએ સંગ્રહી રાખેલા આંસુંઓ ફરી જાહેર સ્થળ પર વહેવા લાગ્યાં. માલીનીએ ટેકો કર્યો અને રસીલબહેન ઉભા થયા. માં અને દીકરી એકબીજાની સંભાળ લઈ અને ફરી ચાલવા લાગ્યાં. પરંતું હવે રમીલાબહેનનું સ્મીત ક્યાંક ખોવાઈ ગયું. તેમના મનમાં પણ વિચારો પ્રકાશની ગતીએ દોડવા લાગ્યાં. તેમનું વદન સુન્ન પડી ગયું. સંપૂર્ણ જડ, નિસ્તેજ, કહેવા પૂરતું સજીવ શરીર અને વિચારોનો થાક લઈ બન્ને માં દીકરી પરાણે પરાણે ધીમા પગલે ચાલી રહ્યા હતાં.

શેરી થી ઘર સુધીનું 50 પગલાંનું અંતર તેઓએ માંડ માંડ કાપ્યું . માલીનીએ ધ્રુજતા હાથે કમાડ ખખડાવ્યું. થોડી વાર સુધી ઘરમાંથી કોઈ પ્રતિક્રિયા ન આવી એટલે માલીનીએ ફરી વખત કમાડ ખખડાવ્યું. માલીનીએ નોંધ્યું કે રસોડાની બારી હળવેકથી ખુલી અને નીતુએ ચોર નજરથી બહાર ઉભેલી માલીનીને જોઈ લીધી. તેણે ઝડપભેર દરવાજો ખોલ્યો અને પેલો મસમોટો થેલો ઉપાડી અંદર લઈ ગયી. જેવી માલીની ઘરમાં પ્રવેશી કે તરત જ નીતુ વૃક્ષને જે રીતે વેલ વળગે તેમ માલીનીને ભેંટી ગયી. બન્ને ડરેલા હતા. આમતો ઘર માં જેટલા હતા તે બધા જ ડરેલા હતા. નીતુ અને માલીનીનો સબંધ ભાભી અને નણંદનો તો કદી નહોતો. બન્ને હંમેશા એક બીજાને સખી માનતી હતી. આજ સુધી બંન્નેમાં ક્યારેય ઝગડો કે મનમટાવ પણ નથી થયો. આજે બંન્ને એક સાથે હીબકા ભરી રહી છે.

શાંતીકાકા પોતાના બંન્ને હાથ જોડી રમીલાબહેન સમક્ષ ઉભા થયા.

"કહેવાય છે કે દિકરીવાળાની ગરદન હંમેશા નીચી રહે છે. પરંતુ જ્યારે દીકરો જ નીચ પાકે ને ત્યારે દીકરાનો બાપ પણ નતમસ્તક હોય છે બહેન."શાંતીકાકા રમીલાબહેન સાથે નજર મેળવી ન શકયા.

"મારા દિકરાથી પાપ થયું છે તે મને ખબર છે. તમારે તેને અને મને જે સજા આપવી હોઈ તે આપી શકો છો." શાંતીકાકા રડમસ થઈ ગયાં.

"પણ એમાં તમારો શું વાંક?" કેટલુયે વિચારેલું કે આમ કહી દઈશ તેમ કહી દઈશ. માલીનીના સસરાને માર્યાં વગર પણ અધમુવો કરી નાખીશ. કેટલાય મેણા ટોણા સંભળાવીને તેને અપમાનીત કરી દઈશ. ચીરીને મરચા ભરી દઈશ. પરંતુ હકીકતમાં એ ઘડી આવી તો રમીલાબહેન માત્ર એટલું જ બોલી શક્યા

"બહેન તમને હું વધુ તો કશું કહી શકું તેમ નથી પરંતુ એક વચન આપું છું. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું માલીનીને દુઃખી નહીં થવા દઉં. મેં હમેશાં તેની સાથે એક પીતા તરીકે વર્તન કર્યું છે. હું નિતુને જો દુઃખી જોઈ શકું તો માલીનીને દુઃખી થવા દઉં" શાંતી કાકા હજી ગરદન ઝુકાવીને બોલી રહ્યા હતા.

"એવું ન કહો ભાઈ મને તમારા પર હજી એટલો જ વિશ્વાસ છે. મારે તમારા ઘેર આવવું જ હતું પરંતુ મને દુઃખ એટલું જ છે કે મારા આવા પ્રસંગે આવવું પડ્યું. જો આવું કશું ન બન્યું હોત તો હું ખુશી ખુશી આવેત." રમીલાબહેન જાણે પોતાની સાથે જ વાત કરી રહ્યા હોય તેમ બોલી રહ્યા હતા.

"હું ક્ષમા ચાહું છું બહેન" શાંતી કાકાએ ફરી હાથ જોડ્યા. આમ જુઓ તો પીયૂષના ગયા બાદ શાંતી કાકા એ હાથ જોડવાનો રેકોર્ડ તેના નામે કરી લીધો હતો.

"મને બસ એટલી ચીંતા ખાઈ રહી છે કે મારી માલુ કુમળું ફૂલ છે. બિચારી પોતાનું વહન માંડ માંડ કરે છે. એક તો તેનો પતી ફરાર છે. ઉપરથી દુનિયાના કડવા વેણ. કેમ કરી સહન કરશે બિચારી. અરે પિયુષને મારી દીકરીની દયા ન આવે તો કંઈ નહીં પરંતુ માલીનીના પેટમાં સાડા ત્રણ મહિનાનો ગર્ભ પળી રહ્યો છે તેની પણ દયા ન આવી?" રમીલાબહેને ઘટસ્ફોટ કર્યો. બધાને આશ્ચર્ય નો આઘાત લાગ્યો.

રમીલાબહેને આંસુઓના દરિયા વ્હાવ્યા પરંતુ શાંતી કાકા તો કોરી આંખે રડવાની કળા શીખી ગયા છે. તેથી તે સુન્ન ઉભા છે!

(ક્રમશઃ)

***

Rate & Review

Chetna Bhatt 5 days ago

Virendra P.Patel 1 week ago

Khevna Zala 1 week ago

Loopy 2 weeks ago

Sonu 2 weeks ago