krossing ગર્લ - 1

કોઈ છોકરી સાથે તમે શબ્દો કરતાં આંખો અને મૌનથી વધારે વાતો કરી શકતાં હોય તો તમે એના પ્રેમમાં છો એમ માનવું.

29 ફેબ્રુઆરી, 2024.

કોઈ છોકરી સાથે તમે શબ્દો કરતાં આંખો અને મૌનથી વધારે વાતો કરી શકતાં હોય તો તમે એના પ્રેમમાં છો એમ સમજવું.

કાશ, દાદાજીના આ શબ્દો બોલવા જેટલી સહજતાથી અનુભવી શકાતાં હોત.

29 ફેબ્રુઆરી, 2028. 

                                                 ક્રિષ્નાની પેન અટકી. પરંતુ, વિચારોની અંધાધૂંની નહીં. ચાર વર્ષમાં તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો હતો. જાણે 40 વર્ષ જીવી લીધું હોય તેમ લાગતું હતું. બધું આમ જ ચાલ્યા કરે તો ! અવિરત, અનહદ, બેફામ બનીને...  તેને અને સાગર લાગણીની શક્યતાના અડાબીડ જંગલો કેવા ખૂંદેલા, કોઈ નિયમો વગર, કોઈપણ જાતના આયોજન વગર વર્તમાનને ચસચસાવીને જીવવાનું સાગરે જ શીખવાડેલું. હવે તો દરેક કામ આ રીતે કરવાની ટેવ પડી ગયેલી. આવનારી દરેક મૉમેન્ટ્સ સરપ્રાઇઝથી ભરપૂર રહેતી. જેને જીવી જાણ્યું હોય એ જ સમજી શકે આનો નશો કેવો અવર્ણનીય અને અદભુત હોય. આમ છતાં, ક્યારેક લાગતું હજુ ઘણું વધારે અને સારી રીતે જીવી શકાયું હોત. પરંન્તુ સમય કંઈ એની ગર્લફ્રૅન્ડ નહોતો, જેને બ્લેકમૅઇલ કરી લાગણીથી સજાવેલી પોતાની ઇચ્છાઓ ફરીથી જીવી શકાય. ફરીથી એ ભૂતકાળના સ્મરણચક્રમાં ફરવા લાગ્યો. જાણ્યે અજાણ્યે પોતે આનો ભાગ બની ગયેલો. તેને આવું કશું જ નક્કી નહોતું કરેલું. વગર કોઈ મુહુર્તે શરૂઆત થઈ ગયેલી. પછી શું કરવું ? એ બધું છોડી પાછું ફરી શકાય એમ નહોતું. બસ પછી તો દરેક ક્ષણ ચસચસાવીને જીવાતી ગઈ. યાદોનો ખજાનો કદી ના ઉલેચાઈ શકે તેવા સમંદર જેટલો વિશાળ થઈ ગયો.

 

           “ કૃપા કરીને ધ્યાન આપો. આપણી ફ્લાઇટ થોડી જ મિનિટોમાં રાજકોટના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર લૅન્ડ થવા જઈ રહી છે. આશા રાખીએ છીએ આપની યાત્રા સુખદ રહી હશે. લોસ એન્જલસ-રાજકોટની પ્રથમ ફ્લાઇટના મુસાફર બનવા માટે ધન્યવાદ અને આભાર. મહેરબાની કરીને તમારો સીટબેલ્ટ બાંધી લેશો. તમારા સ્વજનો ઍરપૉર્ટ પર સ્વાગત માટે રાહ જોઈ રહ્યા છે.” ઍરહૉસ્ટેસનું ગુજરાતીમાં ઍનાઉન્સમેન્ટ ક્રિષ્નાના હૃદયને સ્પર્શી ગયું.

 

તેને ખોળામાં પડેલી ડાયરીમાં જોયું. ફક્ત એક જ પેજ કોરું હતું. ચાર વર્ષની સફરનો બસ થોડા કલાકોમાં અંત લખાવાનો હતો. તે ઍરપૉર્ટના દૃશ્યો વિશે કલ્પના કરવા લાગ્યો. તેને લેવા માટે કોણ આવ્યું હશે...?

“ સર, પ્લીઝ આપનો સીટબૅલ્ટ બાંધી લેશો. ફલાઇટ થોડી જ મિનિટોમાં લૅન્ડ થવા જઈ રહી છે.” ઍરહૉસ્ટેસે સ્મિત સાથે ક્રિષ્નાને વિનંતી કરી.

 

          ક્રિષ્ના હસતો હસતો ઉભો થયો. તેને ઑવરહેડ બીનમાંથી બૅગ લઈ ડાયરી તેમાં મૂકી. અચાનક મનમાં એક પ્રશ્ન થયો. ફ્લાઈટમાં બેસતા પહેલાં પેલી ક્યુટ બાર્બીડોલ જેવી છોકરીએ આપેલી ચિઠ્ઠી ?  શું હશે એ ચિઠ્ઠીમાં ?  પોતે વાંચવાનું કેમ ભૂલી ગયો ? તેના મનમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા. ઓહ નો !.. એ શક્ય નથી... પણ જો એવું હોય તો... જો ખરેખર એવું હોય તો....  પ્લેન લૅન્ડ કરે એ પહેલાં ગમે તેમ કરી એ ચિઠ્ઠી વાંચવી રહી.

                                       ક્રિષ્નાએ ઝડપથી સીટ પર બેસી બૅગ ફંફોસ્યું. કંઈ હાથ ના લાગ્યું. બધું ફરી વાર ધ્યાનથી ચેક કર્યું. ચિઠી જેવું કશું ના મળ્યું. તેને સમયનું કંઈ ભાન ના રહ્યું. ઍરહૉસ્ટેસે સીટબેલ્ટ બાંધી શાંતિથી બેસી જવા વિનંતી કરી. તેને રઘવાયા બની આખું બૅગ ઉંધુંચત્તું કરી નાખ્યું તો પણ નિષ્ફળતા હાથ લાગી. કંઇ ના સુઝતાં ઍરપૉર્ટ પરનો ઘટનાક્રમ શાંતિથી વિચાર્યો. ઓહ યસ... આઈ ગોટ ઇટ.... અબોઝા... અબોઝા... તાળી પાડતો તે ઉભો થયો. બધા મુસાફરો તેને અચરજથી નિહાળી રહ્યા. પૅન્ટના ડાબા ખિસ્સામાંથી કાગળનો એક ટુકડો બહાર કાઢ્યો. તે કાગળને ખોલવા ગયો એટલામાં એક હળવો આંચકો આવ્યો. કદાચ, પ્લેન લૅન્ડ થઈ રહ્યું હતું.

                  તેને કંઈ સમજાયું નહીં. તેને ફરીથી ચિઠ્ઠી ખોલવા પ્રયત્ન કર્યો. એરહોસ્ટેસ તેને સતત બેસી જવાની સૂચના આપી રહી હતી. એટલામાં કાનનાં પડદા ફાડી નાખે એવો તીવ્ર ઘસારાનો અવાજ આવ્યો. ચી...ચી...ચી.... ક્રિષ્નાએ કાગળને મૂઠ્ઠીમાં વાળી દીધો. આગળની સીટ પકડી માંડ પોતાનું બેલેન્સ જાળવ્યું. ધ...ધ...ધધધ... જેવા અવાજો સાથે પ્લેન રીતસર ધણધણી ઊઠ્યું. મુસાફરો ચીસો પાડવા લાગ્યા. ક્રિષ્ના હજુ પણ ચિઠ્ઠીના વિચારોમાં હતો. તેને વાસ્તવિકતાનું ભાન નહોતું થયું. અચાનક બધું અટકી ગયું. થોડી સેકન્ડો માટે એકદમ શાંત. બધા પેસેન્જરો એકબીજા સામે જોવા લાગ્યા. કશુંક અજુગતું બની રહ્યાનો ભય બધાના ચહેરા પર તરી આવ્યો. કોઈ કશું વિચારી શકે એ પહેલાં જ ભયાનક ધ્રુજારી સાથે પ્લેન ધ્રુજી ઊઠ્યું.  કર્કશ અવાજો સાથે આંચકાની હારમાળા શરૂ થઈ. જાણે સ્પ્રિંગ ફીટ કરી હોય એટલી તીવ્રતાથી પ્લેન ઉપર-નીચે થવા લાગ્યું. બાળકો અને મહિલાઓની વેદનાભરી ચીસોથી પ્લેન ચિત્કારી ઊઠ્યું. સીટબેલ્ટ તૂટતાં લોકો હવામાં  આમતેમ ફંગોળાવા લાગ્યા. ક્રિષ્નાનું માથું આગળની સીટ સાથે જોરથી અથડાયું. ઓવરહેડ બીનમાં રહેલી હેન્ડબૅગો ઉલ્કાવર્ષાની જેમ વરસવા લાગી. એક તીવ્ર આંચકા સાથે ક્રિષ્ના પ્લેનની છત સાથે અથડાયો. તેનું શરીર દર્દથી ધ્રુજી ઊઠ્યું.  અધખુલ્લી આંખે પોતાને બચાવવાના પ્રયત્નો કરવા લાગ્યો. “ લોકોની આંખોમાં વર્તાતો મૃત્યુનો ભય, બૅગો સાથે તેમની અથડામણ, જાતને બચાવવા રીતસર મારવામાં આવતાં હવાતિયાં, સમયે જાણે બધાને અવકાશણાં તરતાં મૂકી દીધા. પૂર્વ ચેતવણી વગર બધાને મૃત્યુ સામેની લડાઈમાં પરાણે રણમેદાનમાં ઉતારી દીધા. છેલ્લી ઇચ્છા વિશે વિચારવાનો પણ સમય ના આપ્યો. માતાનાં હાથ બાળકો માટે હવામાં વલખાં મારી રહ્યાં હતાં. પુરુષની આંખોમાં પરિવાર માટેના થીજી ગયેલાં સપનાંઓ, ફાસ્ટ ફોરવર્ડ ભાગતી સેકન્ડોમાં ક્રિષ્નાની આંખોએ કેટલીય લાગણીઓ સ્લો મોશનમાં ઝીલી લીધી.

                          એક જોરદાર આંચકા સાથે પ્લેનના વિન્ડો ગ્લાસ ધડાકાભેર તૂટ્યા. બહારની હવાએ મુશ્કેલી ઔર વધારી. પ્લેનમાં હવામાં તરતો ક્રિષ્ના એક હૅન્ડબૅગ સાથે અથડાયો. તેને કંઈ સૂઝે એ પહેલાં કોઈ માનવશરીરનો ધક્કો લાગતાં એક જ ઝાટકે બારીની બહાર ફંગોળાયો. જોરથી સીધો જમીન પર પટકાયો. દર્દ એટલું તીવ્ર હતું કે મોંમાંથી શબ્દ ના નીકળી શક્યા. તે ધીરે ધીરે હોશ ગુમાવી રહ્યો હતો. મુઠ્ઠીમાં કેદ ભવિષ્ય પણ કુદરત સામે લાચાર બની અધખુલ્લું થઈ ગયું.

          રાજકોટના ઍરપૉર્ટ પર હજારોની જનમેદની એકઠી થઈ હતી. લોકો ઢોલ-નગારાનાં તાલે ઝૂમી રહ્યાં હતાં. એક ઉત્સવ જેવો માહોલ હતો. પોતાના આઇકૉનિક સુપરહીરોના આગમનને વધાવવા દેશ મધરાતે પણ જાગતો હતો. ઍરપૉર્ટના ત્રણેય ટર્મિનલ અને બહારના ભાગમાં પણ જાયન્ટ સ્ક્રીન ઉભી કરવામાં આવી હતી. સ્ક્રીનમાં બિગ બ્રેકિંગ ન્યૂઝ તરીકે લોસ એન્જલસ – રાજકોટની ફ્લાઇટ લૅન્ડિંગ સમયે ક્રેશ થવાના ન્યૂઝ ફ્લૅશ થઈ રહ્યા હતા. ઍરપૉર્ટ પર ઇમરજન્સી ઍલાર્મ વાગવા લાગ્યા. ઍમ્બ્યુલન્સ, ફાયર ફાઇટરો અને પોલીસ વાનના સાયરનોથી વાતાવરણમાં ગમગિની છવાઇ ગઈ. બધું શોકમય બનવા લાગ્યું. લોકો સ્તબ્ધ બની શાંત થઈ ગયા. ઍરપૉર્ટ પર સતત ઍનાઉન્સમેન્ટ કરી લોકોને શાંત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી હતી. સમાચાર નિહાળી રહેલા કરોડો લોકોની આંખો ભીની થઈ ગઈ. કેટલાય લોકો ચોધાર આંસુએ રડવા લાગ્યા. લોકોએ હકીકત જાણવા ઍરપૉર્ટની અંદર જવા માટે રીતસરનું તોફાન મચાવી દીધું. કેટલાંય દિગ્મૂઢ બની ત્યાં જ બેસી રહ્યા. ચારે તરફ અફરાતફરીનો માહોલ હતો. આવી તંગદિલી વચ્ચે એક વ્યક્તિ રસ્તો કરતી, ટર્મિનલના ઍન્ટ્રી પોઇન્ટ પાસે પહોંચી. “સમીર ભાટિયા”  કાર્ડ પરનું નામ વાંચી સિક્યૉરિટી ગાર્ડે તરત દરવાજો ખોલી આપ્યો.

       રનવે પર પ્લેન અગનગોળામાં ફેરવાતા રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. બચાવકાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. અનેક ફ્લાઇટોને બીજા ઍરપૉર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી. કેટલીય ફ્લાઇટો રદ કરી દેવામાં આવી. રનવે સલામત ના બને ત્યાં સુધી ઍરપૉર્ટ પર ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને હેલિકૉપ્ટરો પણ કામે લાગી ગયા હતા.

                              લોકોની આંખો અને હૃદય બંને રડી રહ્યા હતા. દેશ ભરનીંદરમાંથી જાગવા લાગ્યો. રાજમાર્ગો પર લોકોના ટોળા એકઠા થવા લાગ્યા. કેટલાય મંદિરો અને અન્ય ધર્મસ્થાનોના ગૅટ અડધી રાત્રે ખોલવા પડ્યા. માનતાઓ, દુઆઓ અને પ્રાર્થનાને કારણે આકાશમાર્ગે પણ ટ્રાફિક જામ થવા માંડ્યો. ન્યૂઝચૅનલના ઍન્કરો અને પત્રકારોની આંખો પણ રિપોર્ટિંગ કરતાં કરતાં રડી રહી હતી. બધા એક જ સૂરમાં ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા, “હે સર્જનહાર, ક્રિષ્નાને જીવતો રાખજે.”

 

                                 “ ક્રિષ્ના, તને કશું નહીં થાય. આખો દેશ તારી સાથે છે. તારે જીવવું પડશે. અમારા માટે, દેશ માટે,  હે ઈશ્વર, અમે પણ જોઈએ છીએ સાચા દિલની પ્રાર્થના અને દુઆઓ આગળ તું કેટલું ટકી શકે છે.”

        રાજકોટની ઍઈમ્સ હૉસ્પિટલમાં અનેક જિંદગીઓ મોત સામે ઝઝૂમી રહી હતી. ઍમ્બ્યુલન્સના સાયરનો સ્ટ્રૅચર સાથે ભાગતાં વૉર્ડબોય, ડૉક્ટરો અને નર્સની દોડાદોડી, લોકોના સવાલો અને પરિસ્થિતિ સાથે સંભાળપૂર્વક કામ લેતો કાઉન્ટર પરનો સ્ટાફ, સ્ટાફની સૂચના મુજબ મદદ કરતાં નાગરિકો. આખું વાતાવરણ માનવતાની સુગંધથી મહેંકી ઊઠ્યું હતું. અન્ય હૉસ્પિટલમાંથી પણ ડૉક્ટરો અને નર્સો મદદ માટે દોડી આવ્યા હતા. અનેક સેવાભાવી સંસ્થાઓ ચૂપચાપ વ્યવસ્થા સાચવવામાં કામે લાગી ગઈ હતી. ઍરપૉર્ટથી ઍઈમ્સ વચ્ચેના રીંગરોડની એક સાઇડ બંધ કરી દેવામાં આવી હતી. આ વન-વે પર ફ્ક્ત એમ્બ્યુલંસ અને બચાવકાર્યમાં જોડાયેલાં વાહનોને ચાલવાની પરમિશન હતી. ઍરપૉર્ટ પરના સ્વજનોને તેડવા આવેલા વાહનો ઍઈમ્સ તરફ વળ્યાં હતાં. એક સાઇડ બંધ હોવાથી ગાડીઓની રીતસર થપ્પા લાગી ગયા હતા. જબરદસ્ત ટ્રાફિકજામ સર્જાઈ ચૂક્યો હતો. છતાં પણ પરિસ્થિતિ જોતાં લોકો વ્યવસ્થા સાચવવા મૂંગે મોઢે સહકાર આપી રહ્યા હતા. ઍઈમ્સની છત પર હેલિકૉપ્ટરો સતત અપડાઉન કરી રહ્યાં હતાં.

હૉસ્પિટલના ચોથા માળે ઑપરેશન થિયેટરની લૉબીમાં એક છોકરી સૂનમૂન બેઠી હતી. પારદર્શક કાચની દીવાલોમાંથી તે ગ્રાઉન્ડ ફ્લૉર પરના જીવંત દૃશ્યો જોઈ રહી હતી. સ્વજનોનાં થતાં હૈયાફાટ રૂદને તેને અંદરથી હચમચાવી મૂકી હતી. તેની આંખો પણ રડી રડીને લાલ થઈ ગઈ હતી. છેલ્લા બે કલાકથી તે આમ  સ્ટૅચ્યુ બનીને બેઠી હતી. તેના ચશ્માંની ફ્રેમ પણ થીજી ગયેલા આંસુઓને કારણે ઝાંખી પડી ગઈ હતી.

ઑપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો. ડૉક્ટરો વચ્ચેની વાતચીતે તેને વાસ્તવિકતામાં લાવી મૂકી. તે સજળ નેત્રે ઊભી થઈ. સ્વસ્થ થવા માટે પ્રયત્ન કરવા લાગી. “ મીરા, ઑપરેશન ઇઝ સક્સેસફૂલ.માથામાં આટલી ઇજાઓ છતાં ક્રિષ્ના બચી ગયો. ખરેખર એ એક ચમત્કાર જ છે. બટ, હજુ ત્રણેક કલાક તેના માટે બહુ ક્રિટિકલ છે. ત્યાં સુધી કશું કહેવાય નહીં. આઈ થિંક, હવે તારે તેની પાસે રહેવું જોઈએ. તેને તારી હૂંફ અને પ્રેમની જરૂર પડશે. હું નર્સને કહી દઈશ એ તારી વ્યવસ્થા કરી આપશે.”

મીરા આંસુથી છલકાતા ચહેરે ડૉક્ટરને વળગી પડી. ડૉક્ટરે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. તેને શાંત થવા દીધી. “ હેય, માય લિટલ ચાઈલ્ડ.અલ્લાહ પર ભરોસો રાખ.ક્રિષ્નાને કંઈ નહીં થાય. તારા પ્રેમની સાથે કરોડો લોકોની દુઆઓ પણ તેની સાથે છે. મારું હૃદય કહે છે તે બચી જશે. એને જીવવું પડશે. તારા માટે, મારા માટે, તેના પરિવાર માટે અને આપણા આખા દેશ માટે.”

મીરાને સાંત્વના આપી ડૉક્ટર રવાના થયા. “ મીરા મલિક તમારા માટે એક પાર્સલ આવ્યું છે.” લૉબીમાંથી એક નર્સે બૂમ મારી. “ મારા માટે પાર્સલ? ” મીરા એ વિચાર્યું. પ્રથમ તે વૉશરૂમમાં જઈ ફ્રેશ થઈ. ક્રિષ્નાના માતાપિતાને ઓપરેશન સફળ થયું હોવાના સમાચાર આપ્યા. કોઈપણ પ્રકારની ચિંતા ના કરવા જણાવ્યું. તેઓ ટ્રાફિકજામમાં ફસાયા હતા. પછી નર્સ પાસેથી પાર્સલ લીધું. “સમીર ભાટિયા” એ તેને બૅગ મોકલાવી હતી. તેનું કુતૂહલ વધી ગયું. “તેના જેવા બાહોશ પત્રકારે પોતાને શા માટે આ બૅગ મોકલાવી હશે ? શું આ ક્રિષ્નાની બૅગ હશે ? જો હોય તો તેઓ આટલી ઝડપથી કઈ રીતે શોધી લાવ્યા ?” તે નર્સની સૂચના મુજબ બે દરવાજા પસાર કરી “સ્પેશિયલ ICU વૉર્ડ”માં દાખલ થઈ.

બે નર્સો બહુ સાવચેતીથી ક્રિષ્નાના શરીરને નળીઓમાં કેદ કરી રહી હતી. જ્યારે એક નર્સ મશીનોના આંકડા નોંધી રહી હતી. મીરાએ ડ્રેસિંગમાં કેદ થયેલા ક્રિષ્નાના ચહેરા સામે જોયું. તેને જાણે મૃત્યુનો કોઈ ભય નહોતો. મીરાએ ચાર વર્ષમાં ક્રિષ્નાના વ્યક્તિત્વને ધરમૂળથી બદલાતું જોયું હતું. તેની હિંમત જોતાં તે મૃત્યુ સામે આસાનીથી હાર માની લે તેવો નહોતો. મીરાની નજર બાજુના બૅડ પર સૂતેલા વ્યક્તિ પર પડી. તે જોરથી બરાડી ઊઠી. “ સાગર, તું અહીં..”

“તમે ઓળખો છો આને !” નર્સે પૂછ્યું.

“ હા પણ... આ...આ... અહીંયાં ક્યાંથી ?” મીરા બોલી.

ક્રિષ્ના પહેલા તેનું જ ઑપરેશન ચાલી રહ્યું હતું. આ ઑપરેશન માટે અમેરિકાથી ડૉક્ટરોની સ્પેશિયલ ટીમ આવી હતી. તેના માટે પણ આવનારા થોડા કલાકો બહુ ક્રિટિકલ છે. સાગર જીવતો છે એ જ મેડિકલ સાયન્સની સહુથી મોટી સિદ્ધિ છે. નર્સોએ પોતાનું કામ પૂરું કર્યું. મીરાને થોડી જરૂરી સૂચનાઓ આપી ત્યાંથી વિદાય લીધી.

મીરા બંને બૅડ વચ્ચે રાખેલી ખુરશી પર બેઠી. કેટલીય વાર સુધી ક્રિષ્ના સામે એકીટસે જોયા કર્યું. તેનો નળીઓથી ઘેરાયેલો જમણો હાથ ડરતાં ડરતાં હાથમાં લીધો. વહાલથી હથેળીઓ અને આંગળીઓ ચૂમી. ફરીથી તેની આંખો ભીની થઈ ગઈ. થોડી સ્વસ્થ થઈ. ફરીથી અલ્લાહ પાસે બંનેની જિંદગી માટે બંદગી કરી. ક્રિષ્ના હોશમાં આવે ત્યાં સુધી તેને કશું જ કરવાનું નહોતું. તેને સમીર ભાટિયાએ આપેલું બૅગ ખોલ્યું. તેમાંથી એક દળદાર ડાયરી બહાર કાઢી. આખું બૅગ ચેક કર્યું. બીજું કંઈ ખાસ ના મળ્યું. તેના અજાણતાં જ કાગળની એક નાનકડી દડી ખુરશીના પાયા પાસે પડી ગઈ. તેને બૅગ પેક કરી સાઈડમાં મૂક્યું. શું ક્રિષ્ના ડાયરી લખતો હશે. ખોળામાં પડેલી ડાયરી તેની ઉત્સુકતા વધારી રહી હતી. ક્રિષ્નાએ તો તેને આ વિશે ક્યારેય નહોતું કહ્યું. કદાચ તેની ના પણ હોય. સમીર ભાટિયાએ આપી છે એટલે અગત્યની તો હશે જ. તેણે વાંચવાનું નક્કી કર્યું. તે ઉભી થઈ. ક્રિષ્નાના કપાળ પર વહાલથી ચુંબન કર્યું. પોતાનો ડાબો હાથ ક્રિષ્નાના જમણા હાથ જોડે સ્નેહના બંધનમાં લોક કર્યો. ધડકતે હૈયે તેણે ડાયરી ખોલી. ICUમાં જીવન દોસ્તી અને પ્રેમના સથવારે મૃત્યુ સામે જંગ લડી રહ્યું હતું.

 

* ધ જર્ની ઓફ અ ક્રિએટીવ હાર્ટિસ્ટ

આત્મકથા જ્યારે વાર્તા બને...

સાગર કહેતો, “આત્મકથા વાંચવા જેવું બોરિંગ કામ દુનિયામાં એક પણ નથી. એક તો તે બહુ મહાન, પ્રખ્યાત અને સફળ લોકોની જ લખાતી હોય. એવું જીવવાની તો તમારે કલ્પના જ કરવી રહી. એટલે ઈર્ષા તો થવાની જ. દુનિયાનો કોઈ એવો ભડવીર નથી જેને પોતાની આત્મકથામાં બધું સાચું જ લખ્યું હોય. તો તેના આ ડરપોક અર્ધસત્ય અને સૂફિયાણી વાતો કરતાં વાર્તાઓ વાંચવી શું ખોટી ?”

તેની વિરોધાભાસી વાતો મને હંમેશાં મૂંઝવતી. આત્મકથા, જીવનચરિત્રો કે પછી મોટિવેશનલ બુક્સ બધા વાંચે છે. લોકોના જીવનમાં કેટલો ફર્ક પડ્યો ? વાંચ્યા પછી લોકો ‘ આપણું ગજુ નહીં ’ એવું વિચારી રુટિન લાઈફમાં ગોઠવાઈ જાય છે. ક્યારેય કોઈ સ્પીકરે માઈન્ડ પાવરના સેમિનાર કે વર્કશોપનો સક્સેસ રેશિયો રજૂ કર્યો. સફળતાના સૂત્રો વાંચવામાં જ સારા લાગે. અમલમાં મૂકો તો ખબર પડે કેટલ વીસે સો થાય. કારણ કે પરિસ્થિતિ દરેક વ્યક્તિ માટે સરખી ના હોય. તેમ જ તેની મનોવ્યથા, હિંમત અને મુશ્કેલી સામે ટકવાની આવડત પણ. એમાં જે ટક્યો એ જીત્યો અને જીત્યા પછી પણ સામાન્ય રહી શક્યો એ લોકહૈયે વસ્યો.

વાર્તા, સ્ટોરી કે કહાનીઓની દુનિયા જ અલગ છે. એમાં જો પાત્રો સાથે લાગણીઓ અને ઘટનાનું કીલર કૉમ્બિનેશન થાય તો એનામાં મડદાને પણ બેઠા કરવાની શક્તિ છે. વાર્તાઓ તમને પોતીકી લાગશે. ક્યારેક હસાવશે, તો ક્યારેક રડાવશે. હિંમત કરશો તો ક્યારેક જીવાડી પણ દેશે. ખબર જ છે. આ સાવ કોરી કલ્પના જ છે, તો પણ તેની સાથે કનેક્ટ થવામાં મજા પડે છે. કેટલાય લોકો પોતાના અધૂરા સપનાઓ આ કહાનીઓમાં જીવી લેતાં હોય છે. કદાચ આ વાર્તાઓને કારણે જ માણસ પોતાનું જંગલીપણું કાબૂમાં રાખી શક્યો છે. જો વાર્તાઓ ના હોત તો દુનિયાનું અસ્તિત્વ ક્યારનુંયે ભૂંસાઈ ગયું હોત. મને તેની ધડમાથા વગરની ફિલસૂફી ક્યારેય ના સમજાતી. મને ખબર હતી તેને કહેલી દરેક વાત પાછળ ચોક્કસ કોઇ કારણ રહેતું. તેની વાતો પર વિચાર કરતો ત્યારે મનોમન હસી પડતો. તે વિચિત્ર હતો. તેના વ્યક્તિત્વમાં કોઈ ગજબનું આકર્ષણ હતું. હું તેની તરફ ચુંબકની જેમ સતત આકર્ષાયેલો રહેતો.

નવરાશના સમયે ડાયરીઓ હાથમાં આવી. તેમાં લખેલી રુટીન વાતો મને બોરિંગ લાગવા માંડી. કોઈના હાથમાં આવે ને વાંચો તો કેવું લાગે ? શું આની વાર્તા ના બનાવી શકાય ? તેને લાગણીના કપડાં પહેરાવી વધારાના મેકઅપ વિના આકર્ષક રીતે રજૂ કરવું થોડું અઘરું તો હતું જ. પાછું આમાં મારી ઘણી અંગત વાતો પણ હતી, જેને લીધે બીજા લોકોને પણ તકલીફ પડે તેમ હતી. થોડા દિવસ માંડી વાળ્યું. હિંમત ના થઈ.

 ફરીથી, અંદર રહેલો પેલો ચૅલેન્જનો કીડો સળવળી ઊઠ્યો. મારે તો સ્ટોરી મારા માટે જ લખવી હતી. મારી જ વાર્તા. મારા જ શબ્દો અને મારી જ લાગણીઓ. બિંદાસ્ત બનીને વ્યક્ત કરવાનો મક્કમ નિર્ણય કર્યો. બીજા કોઈના વાંચી લેવાના સવાલો પર હવે હસવું આવ્યું. આમાં ક્યાં કોઈ સિક્રેટ સર્વિસનો ગુપ્ત ડેટા છે.  મારી દંતકથા જેવી જર્નીની વાર્તા સર્જવામાં કોની શરમ ?

આખરે તૈયારી શરૂ કરી. ચારેય ડાયરીમાંથી અગત્યની વાતો ટપકાવી. વાર્તા બને એમ ઘટનાઓની ગૂંથણી શરૂ કરી. આ ચાર વર્ષની જર્નીમાં ખૂબ બધો મસાલો હતો. શું લેવું અને શું મૂકવું એ જ નક્કી કરવું બહુ અઘરું હતું. કઠણ હૃદયે વાર્તાને વફાદાર રહેવાનું નક્કી કર્યું. ઘટનાઓ ચુસ્તપણે એડિટ કરતો ગયો. આખરે વાર્તા બની ગઈ એવું લાગ્યું. કોઈ પ્રોફેશનલ લેખકની મદદ લેવાનો વિચાર પણ આપ્યો. પછી થયું જો એ નિયમોના મરીમસાલાનો સાહિત્યિક શબ્દોની ગ્રેવીમાં વઘાર કરશે તો મારા મનના શાક જેવી ઓરિજિનલ વાર્તાનો સ્વાદ જતો રહેશે. વાર્તા એક જ વાર લખવાનું નક્કી કર્યું. અને આખી પૂરી થાય પછી જ વાંચવાનું નક્કી કર્યું. પરંતુ હજુ કશુંક ખૂટતું હતું. જોઈએ એવો મૂડ અને માહોલ નહોતો બનતો. મેં બધું સમય પર છોડી દીધું. એની ઇચ્છા થશે ત્યારે લખીશ. હું મારા બીજા કામોમાં વળગ્યો. થોડો સમય આ વાત સાવ ભૂલી જ ગયો.

એક દિવસ કશુંક ક્લિક થયું. લાગ્યું કે હવે લખવું જ પડશે. બીજા કોઈ માટે નહીં પણ મારી માનસિક તંદુરસ્તી માટે. કેટલીક વાર સ્મરણો શબ્દોમાં સચવાઈ જાય તો દિલ ઘણું હળવું થઈ જાય. તેના માટે બહુ મોડું પણ ના કરવું. કારણ કે સમય જતાં લાગણી અને શબ્દોનું સ્વરૂપ બદલાઈ જાય. પછી ગમે તેમ કરો પહેલાં જેવું તો ના જ થાય. આખરે વગર કોઈ ચોઘડિયે શરૂઆત થઈ ગઈ. ફક્ત પાંચ જ દિવસમાં કોઈપણ જાતના આરામ વિના આ ડાયરી લખી નાખી. અમુક બાબતો હજુ સમયના ગર્ભમાં સચવાયેલી હતી. તેથી ડાયરીનો અંત લખવો અશક્ય હતો.

“ કહેવાય છે સારી વાર્તા હંમેશાં અધૂરી હોય છે.” મારી ડાયરી પણ અધૂરી જ છે કારણ કે આ તો હજુ એક પડાવ જ છે. શરૂઆતના સમયે આગળ પ્રસ્તાવનામાં શું લખવું એ ના સમજાયું. ત્યારે ફૉર્માલિટી માટે બે-ત્રણ પેજ કોરા મૂકી દીધેલા. જોકે મને આજે પણ પ્રસ્તાવનાનું કારણ નથી સમજાતું. જો તમે બુક્સમાં જ તમારી ક્રિએટિવિટી દર્શાવવાના હોય તો એનું શું કામ. ખેર જવા દો. ક્યારેક ફોર્માલિટી ફોલો કરવાની પણ એક મજા હોય છે. એ જો પણ પ્લેનમાં બેઠા બેઠા બીજાની જેમ જે મનમાં આવ્યું એ થોડું લખી નાખ્યું. મને આનંદ થશે કે મારી ડાયરીને પ્રસ્તાવના પણ છે.

મને ખબર નથી. મેં શું લખ્યું છે. આટલું બધું લખ્યા પછી ફરીવાર વાંચવાની હિંમત પણ નથી થતી. હું એક વાત ચોક્કસપણે માનું છું “જે થાય છે એ સારા માટે થાય છે.” એટલે જે પણ લખાયું હશે એ કશુંક સારા માટે જ લખાયું હશે.

તો દોસ્તો... દિલ થામ કે પઢના ઔર ઍન્જોય કરના... પ્રસ્તુત હે એક સીધેસાધે લડકે કી ક્રિએટીવ હાર્ટિસ્ટ બનને કી જર્ની...

 

મીરા જોરથી હસી પડી. “સ્ટુપીડ તું ડાયરીને વાર્તામાં કન્વર્ટ કરે છે. તને કંઈ ખબર પડે છે. અને મારે આ બધું વાંચવાનું છે. આઈ એમ નોટ બિલીવ, નાલાયક હું પણ જોઉં છું તેં મારાથી શું છુપાવ્યું છે. તું રિયલ લાઇફમાં કેવો છે. કાના, હજુ પણ હું નથી માની શકતી કે તું રોજ ડાયરી લખતો. જોઈએ હવે તને રિયલ લાઇફ પરથી કેવોક ડ્રામા ક્રિએટ કરતાં આવડે છે. નૌટંકીબાજ, આ બધા સાગરના જ કામા હશે !!”

તેણે ફરીથી ક્રિષ્નાનો હાથ વહાલથી ચૂમી લીધો. નળીઓની પરવા કર્યા વગર. તેના શબ્દો અને ચહેરો ક્રિષ્ના પ્રત્યેના પ્રેમની ચાડી ખાતા હતા.

***

Rate & Review

Gopi Patel 3 months ago

Jalpesh Kalola 7 months ago

Heena Suchak 5 months ago

pooja gadara 5 months ago

Solly Fitter 6 months ago