krossing ગર્લ - 8


હું આવ્યો ત્યારે સાગર આવી ચૂક્યો હતો. રાત્રે હું અને સાગર એક સૂમસામ ગલીમાં આગળ વધી રહ્યા હતા. આમ તો સાગરે આવ્યા પછી ઘણી બધી વાતો કરી હતી.  ખાસ તો આ શહેર વિશે. આખો વિસ્તાર બહુ જ ઝડપથી કૉમર્શિયલ ડેવલપ થઈ રહ્યો હતો. પરંતુ પાછળના ભાગમાં હજુ  થોડી જૂની વસાહતો હતી. અમે વીસેક મિનિટથી ચાલતા હતા. સફેદ LED લાઈટનો પ્રકાશ પણ ગલીનો અંધકાર દૂર કરવા માટે પૂરતો નહોતો. આખરે અમે છેલ્લા ઘર પાસે અટક્યા. તે ઢોર બાંધવાનો વાડો હોય એમ લાગ્યું. બંને ફક્ત આડાશ પૂરતી રાખેલ ઝાંપલી ખોલી અંદર પ્રવેશ્યા. સફેદ હેલોજન આખા ફળિયામાં અજવાળું પાથરી રહી હતી. જમણી બાજુ પાંચેક ભેંસ અને ત્રણ પાડી બાંધેલી હતી. ડાબી બાજુ છાપરા નીચે ત્રણ ગાયો બાંધેલી હતી. નળિયાંવાળા મકાનની ઓસરીમાં ત્રણ જણા જમી રહ્યા હતા. એક કૂતરો દોડતો આવીને સાગરને વળગી પડ્યોજાણે વર્ષો જૂની ભાઈબંધી કેમ ના હોય. 

ગુડ બોય ટાઈગરજોને કેટલો દૂબળો પડી ગયો. માસીને પણ દૂધનો લોભ લાગ્યો લાગે છે. સરખું ખાવા નથી દેતી લાગતી.’ સાગર કૂતરા જોડે વાતો કરતો હતો.

 જો આ કાનજી મારો ભાઈબંધ છે. એ હવે રોજ રાતે અહીં જમવા આવશે. એને જોઈને ખોટું ભસવાનું નહિ. એની જોડે દોસ્તી કરી લેજે.” અમે ઓસરી પાસે પહોંચ્યા. સાગરે કૂતરાને ઉતારીને છૂટો મૂકી દીધો. સામે બેઠેલા ત્રણેય જણ સાગર સામે જોઈને હસી રહ્યા હતા.

 એક ભાઈ જમતાં જમતાં બોલ્યા, “સાગરતારા વગર માસીને રોટલા ઘડતા નોતાં સોરવતાં.

ભીખાતું તો ડાચું બંધ જ રાખ. નખ્ખોદ જાય એ ભાયના સગાનું... છેલ્લી વાર આવ્યો ત્યારે મૂવાને ખાંડનો કટો લાવવાનું કીધું હતું. તે દિનો આજ વીહ દિ એ મોઢું દેખાડે સ. સારું થ્યું એ ભમરારાના ભરોહે ના રઈ. નઈ તો મારો દૂધપાક તે દિ બની રહ્યો હોત.” માસી રોટલો ઘડતાં ઘડતાં બોલી રહ્યાં હતાં.

સાગર માસીને પાછળથી વળગી પડ્યો. મારી માવડી જેવી માસીતું એક જ છે જેને મારી આટલી બધી ચિંતા છે. હું ફરવા ગયો હતો. તારા હારુ સ્પેશિયલ બજર લઈને આવ્યો છું. તું એક વાર એને સૂંઘી જો. દૂધપાક તો એની હારે કાંઈ વિસાતમાં ના આવે.

આઘો મર રોયા. આજે તારા ભેગો મેમાન છે એટલે કંઈ બોલતી નથી. આવતી વખતે જો મારું કામ રખડાયું છે ને તો સમજી લેજે મારાથી ભૂંડી કોઈ નથી.” સાગરને જાણે હાશકારો થયો.

માસીઆ દર વખતે તમને આવી ડાહી ડાહી વાતો કરીને ફોસલાવી લે છે.” એક ભાઈ જમતાં જમતાં બોલ્યા.

દીના,તારે વચ્ચે ડોઢડાહ્યું થાવાની કાંઈ જરૂર નથી. હું એની છઠ્ઠી જાણું છું પણ મારો પિટિયો મનાવવા ટાણે એવા લાડ લડાવે કે બધી રીસ ઉતરી જાય.” માસીના મોઢા પર હરખ હતો.

ગમે એટલા કોલસા કે સૂકા બળતણ નાખી લેવા સાચા સંબંધોમાં કોઈ દિ આગ નો લાગે.સાગરે જમવા બેસતાં કહ્યું. મને કાંસાંની મોટી થાળી આપી. બે તપેલીમાં શાક હતું. બે માં કઢી-ખીચડી હતા. સાથે જ ગોળપાપડઆથેલાં મરચાં અને ડુંગળીની વાટડીઓ ભરી હતી.

કાનજી, આ છે જીભના કારેલા જેવા કડવા પણ દિલના શીરા જેવા મીઠા મધુ માસી. આપણે રોજ રાત્રે અહીંયાં જમવા આવવાનું છે. સામે બેઠો એ દીનોભૂરો અને ભીખાભાઈ સહિત પાંચ જણ હઈશું. આ ત્રણેયને મને અને માસીને ઝઘડતા રાખવાની ટેવ છે. તો જ એને રોટલો ભાવે. હું ના હોય ત્યારે તારી રીતે નવ વાગ્યા પહેલાં આવી જવાનું. આ માસીનું સદાવ્રત છે. એટલે લેવાદેવાનું કંઈ નહીં. અને હા માસી નાના મોટા કામ ચીંધે તો કરી આપવાનામારી જેમ તરત જ.” સાગરે કહ્યું.

કાં તારો બાપ ખાંડી મોઢે બાજરો અને ઘઉં નાખી જાતો લાગે છે આખો દિ’ ઢોરના વાહીદા ને છોકરાવના ટિફિન. સવાર-સાંજ દૂઝાણું. રાતે આ સાગરીયા જેવા હારે માથાકૂટ. મારો આ ભવ તો આમાં જ ગયો. એય દિના આ નવા છોરાને ગર દેજે. જોને કેવો માંયકાંગલા જેવો છે. તારી માએ કાંઈ ખવડાવ્યું નથી લાગતું.” ચૂલા પરથી ગરમ રોટલો ઉતારતા મધુ માસીએ કહ્યું.

બધાના નસીબમાં તારી જેમ હેતથી જમાડે એવી માયું ના હોય માવડી. બાયણે નિકર ને તો... ખબર પડે દુનિયા કેટલી હલકટ ને હરામી છે. પૈસા માટે સગા માબાપ કે દીકરાને પણ વેચી મારે.” સાગરે બોઘેણીમાંથી છાશની તાંસળી ભરતાં કહ્યું.

મારે ક્યાં ઝાઝા દિ’ કાઢવા છે... હું ભલી ને મારો વાડો ભલો. થાય એટલું કરવાનું. નય થાય તે દિ એક ઝાટકે બધું  મેલી દઈશ. જેને જરૂર જેવું લાગશે ઇને બધું દઈ દઈશ.આપણે કામ હાયરે કામ રાખવાનુંખોટી પંચાતમાં નંઈ પડવાનું.” માસી બોલ્યા.

તું રોટલા ઘડને માઈતને નઈ સમજાય. પાછળ બનતી બિલ્ડિંગવાળો જે દિ’ વાડો ખાલી કરાવે તે દિ કેજેકામથી કામ રાખવાનું.” સાગરે કહ્યું.

કોઈ કંઈ ના બોલ્યું. જમવાનું ખરેખર સ્વાદવાળું હતું. માસીએ આગ્રહ કરીને ધરાર અડધો રોટલો ખવરાવ્યો. કાલથી તેની પાસે જ બેસવાનું કહી દીધું.

જમીને અમે બહાર નીકળ્યા. મેઈન રોડ સુધી બંને મૂંગા મૂંગા ચાલતા રહ્યા. પૂનાભાઈ વર્ષોથી ઢોર રાખતાં. મધુમાસીને કોઈ સંતાન ના થયું એટલે પહેલેથી જ છોકરાઓ ઉપર ભારે હેત. પૂનાભાઈથી પણ મધુમાસીનો ખાલીપો નહોતો જોવાતો. છોકરાવની ખોટ ના સાલે એટલે ઘરે જ બે રૂપિયાવાળી દૂધની નાનકડી પૅપ્સી બનાવવાનું ચાલુ કર્યું. મધુમાસીએ મસ્ત નામ આપેલું ટબુડી પૅપ્સી’. નામના વધતાં પૂનાભાઈને પૈસાનો મોહ જાગ્યો. પણ મધુમાસીએ કહ્યું, “કોના હારું ભેગું કરવું છે. આપણે ભલા ને આપણો વાડો ભલો. અહીંયાં જ છોકરાવને ખવડાવીને રાજી રો ને. ભગવાને ઘણુંય દીધું છે.” પણ પૂનાભાઈ ના માન્યા. એને પેપ્સી બનાવવાનું કારખાનું નાખવું હતું. મધુમાસીએ ચોખ્ખું કહી દીધું, “પૂનાજે કર એ સમજી વિચારીને કરજે. એક વાર ઘરની બાર નીકળ્યો પછી વાડામાં પગ નહીં મેલવા દઉં.” બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. તે દિવસ પછી પૂનાભાઈ કોઈ દિ’ ના દેખાણા. તેનો કોઈ અત્તોપત્તો નથી. ઘણા ક્યે છે એમણે આત્મહત્યા કરી લીધી. કારખાનાનું શું થયું એ પણ કોઈને ખબર નથી. માસીએય તે પછી કોઈ દિ’ ઘરવાળાનું નામ નથી લીધું.

તે દિની આ ભારાડી બાય બધુંય એકલા હાથે સંભાળે છે. આજુબાજુના પચાસેક નાના છોકરાવને રોજ સાંજે દૂધની તાંસળી ભરી દે. પછી વધે ઈ ડેરીમાં દેવા જાય. રસોઈની ચાર બાયુ રાખી છે. રોજ 100 જણાનું ટિફિન બનાવે. એની અંદરની મમતા મારા જેવા પર છૂટે હાથે વેરી દે. એના જેવી ખાનદાની કે ખુમારીવાળી બાય મેં આજ દિન સુધી જોઈ નથી.

બધા એને મધુ મા’ કહીને બોલાવે. દીકરા વગરની માને આખું ગામ મા કહીને બોલાવે ત્યારે તેના પર શું વીતતી હશે ધ્યાનથી જોજે કોઈ દિવસ અંદરનો ખાલીપો તેના ચહેરાની કરચલીઓમાં વરતાઈ આવશે. હું તો મસ્તીમજાકથી એ ખાલીપો ભરવાનો પ્રયત્ન કરું. ક્યારેક કામ હોય તો બેચાર દિ’ ત્યાં જ પડ્યો રહું. એ વિસ્તારમાં હંધાયને એમ લાગે છેમારું મધુમાસી હારે કંઈક હાલે છે. એક દિ’ આ વાત એમના કાને પહોંચી ત્યારે એ એટલું જ બોલ્યા, “ગામના મોઢે ગયણા નો બંધાય દીકરા. મનમાં ખોટ કે પાપ ના હોય તો કોઈ ભલે ગમે ઈ ક્યે આપણે હાચું નહીં માનવાનું.” બસ પછી એ બાબત વિશે અમારે કોઈ દિવસ વાત નથી થઈ. બધું પહેલા જેવું જ ચાલવા લાગ્યું. એના જેવું જમવાનું મને બહુ ઓછી જગ્યાએ મળ્યું છે. સ્વાદ કદાચ મળી જાય પણ ટીપાતાં રોટલામાં ભળતું હેત ક્યાંથી લાવવું ?”

તે બોલતો રહ્યો અને મેં સાંભળ્યા કર્યું. તેનો અવાજ બહુ મસ્ત હતો અને વાત કહેવાની રીત પણ સાવ સીધીસાદી. મને મધુમાસી માટે માન ઉપસી આવ્યું. એકલા હાથે આ બધું સંભાળવુંએ માટે મરદનું કલેજું જોઈએ. અમે વાતો કરતાં કરતાં કાકાની કીટલી પર પહોંચ્યાં. રોડ પર રેસિંગ બાઇકોની કોમ્પિટિશન ચાલતી હોય તેવું લાગ્યું. બાઇકો સડસડાટ એકબીજાનો પીછો કરતી ભાગતી હોય તેવું લાગતું હતું.

કીટલી પર અડ્ડો જમાવવાવાળા બધા સાગરથી પરિચિત હોય તેમ લાગ્યું. કોઈ હાય હેલ્લો,કોઈને ગળે વળગી પડવુંકોઈને ફ્લાઇંગ કિસ તો કોઈના સાથે દુશ્મનાવટ તાજી કરવી. એ લખણે પૂરો હતો. આ વાત પાકી હતી. ઉંચા આસને બેઠેલા કાકાને તે પગે લાગ્યો. મારી ખાસ દોસ્ત તરીકે ઓળખાણ કરાવી. કાકાએ પણ સાગરને જોયો. મેળામાં ખોવાયેલો ભાઈ મળ્યો હોય એમ બંને ભેટી પડ્યા. તેને ધીરે રહીને કૉકટેલના પાકિટમાંથી 200ની નોટ કાઢી લીધી. પછી મારી ઓળખાણ કરાવતાં કહ્યું, “ડોફાક્રિષ્નાને હવે તારે મારો નાનો ભાઈ સમજવાનો. નાનો ભાઈ સમજ્યોને. તારો પર્સનલ નંબર એને આપી દીધો છે. એ યાદ રાખજે.

ડૉન્ટ વરીગાંડા તારા માટે તો જાન કુરબાન.” કૉકટેલ બોલ્યો.

અમે બંને આગળ વધ્યા. તેણે કેટલાય લોકો સાથે મારી મુલાકાત અને ઓળખાણ કરાવી. તેમાં ઘણી છોકરીઓ પણ હતી. તેના દોસ્તીના રંગો અજીબ હતા. તે ગમે તે લોકો સાથે ભળી જતો. તેણે એક છોકરાને ઇશારામાં કંઈક કહ્યું. એ સમજી ગયો. તે મને બાજુમાં બની રહેલા બગીચાની પાળી પર બેસવા લઈ આવ્યો.

તને તો અહીંયાં બધા ઓળખે નહીં ?” મેં સવાલ કર્યો.

યસલગભગ બધા જ. પણ એના અનેક રીઝન છે – આમાં એક-બે સિવાય કોઈ મારા અસલી દોસ્ત નથી. એ બધા સાથે પણ મુલાકાત કરાવીશ.” સાગરે કહ્યું.

એટલામાં એક છોકરો આઈસ્ક્રીમના બે વેફર કપ આપી ગયો. એને જોઈને મને નાનપણમાં રેંકડીમાં મળતાં કોન યાદ આવી ગયા. આ કપ જેવી ડિઝાઇનમાં કેવા મસ્ત લાગતાં હતાં.

સાગરખરાબ ના લાગે તો એક વાત પૂછું ?” મેં ડરતાં ડરતાં કહ્યું.

બિંદાસ પૂછ... તું મને વધીને શું પૂછવાનો ?” તેણે હસતાં હસતાં કહ્યું.

તું શું કામ કરે છે આઈ મીન બિઝનેસ કે નોકરી કે શું આવડું મોટું ઘર... અંદર આટલી બધી સુવિધા... તું કોઈ...” મારાથી આગળ ના બોલાયું.

તે જોરથી હસી પડ્યો. બહુ ખુશ થતો હોય તેમ યસ...યસ... કરતો ગાંડાની જેમ ધૂણવા લાગ્યો.

આઈ લવ યોર ડૅરિંગસ્વીટહાર્ટ. કાલે સવારે જ મેં તને કહ્યું હતું – મારા વિશે કંઈ ના પૂછવું. જ્યારે કહેવું હશે તે કહીશ. છતાંય તારાથી એક દિય મૂંગું ના રહેવાયું.

મારા હાથમાંથી આઈસ્ક્રીમનો કપ હેઠો પડી ગયો, “ઓહ... નો ભગવાન... મેં આ શું કર્યું આવું તો કંઈ મગજમાં નહોતું... આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ મને મારી મૂર્ખામી પર બહુ ગુસ્સો આવ્યો.

મારે પૈસા કમાવા માટે દાણચોરીડ્રગ્સ કે દારુ વેચવા જેવા કોઈ ક્રાઈમ કરવાની જરૂર નથી. હું મારી બુદ્ધિથી લાખો કમાઈ લઉં છું. સામે એટલા જ જિંદગી જીવવા માટે વાપરી નાખું છું. કેટલું બધું છે દુનિયામાં. સાલા મડદાલ જેવા લોકોને જોઈને મારો જીવ બળી જાય છે. દુનિયાને પૈસા અને પ્રતિષ્ઠા સિવાય કંઈ દેખાતું જ નથી. અને પ્રેમના નામે હવસ કે શરીર ચૂંથવા જેવો સેક્સ. હાક્ થૂ... ફટ્... છે એ બધા નામર્દોને. કોઈ દિવસ નહીં સુધરે આ હલકટો. તને ઘરમાં રાખવાના ઘણા કારણો છે. એક તો તું મારાથી સાવ અલગ છે.તારામાં અદભુત શક્યતાઓ છેજેની તને ખબર નથી. તું હજુ દુનિયાદારીથી સાવ અજાણ છોએકદમ કોરી પાટી જેવો.” સાગર માટે લાઇફની એક-એક મૉમેન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય તેવું લાગ્યું. તેના મોઢામાંથી નીકળતો એક-એક શબ્દ કોઈ કલાકારની અદાથી બોલાતો હતો.

પણ તને લાગે છે હું તારા ઘરમાં ટકી શકીશ ?” મને મારા વખાણ થયા એ બહુ ગમ્યું.

તને ક્યાં સુધી અને શા માટે ઘરમાં રાખવો એની મને ખબર છે. હવે જો હું ધારીશને તો તારે ક્યાંય જવું હશે તો પણ તું નહીં જઈ શકે. કારણ કે તે ઑલરેડી ઍગ્રીમેન્ટ પર સહી કરી દીધી છે. કંઈ પણ વાંચ્યા વગર. મારા પર આંધળો વિશ્વાસ મૂકીને. પરંતુ  હું તારા વિશ્વાસમાં ખરો ઉતરવાની હું કોઈ જવાબદારી લેતો નથી.” તેની આંખોમાં અજબની ચમક હતી


***

Rate & Review

Heena Suchak 5 months ago

V Dhruva 5 months ago

ashit mehta 5 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago