હૈયે મઢેલો ખાલીપો..

          

           ઘણીવાર એવું બને કે અમુક મુસાફરી આપણને કાયમ યાદ રહી જાય એવી બને....અમારી સાથે પણ કંઈક એવું જ બન્યું.. દૂરથી વ્હીસલ વગાડતી ટ્રેનના અવાજ કાને અથડાયા એટલે યોદ્ધાની માફક સામાન પકડી ટ્રેનમાં ચડવા ઊભા રહી ગયા...ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહી એટલે અમે ચડ્યા અને જગ્યા શોધીને બેસી ગયા.. ટ્રેનમાં લેડીઝ કોચમાં બેસવાનો એ ફાયદો કે ત્યાં મુસાફરીમાં એકલા હોય તો પણ એકલું ન લાગે... સ્ત્રીસહજ સ્વભાવની જેમ થોડી જ વારમાં તો પોતાના સુખ દુઃખની વાતો થવા માંડે અને રસ્તો કેમ પસાર થઈ જાય એનો ખ્યાલ પણ ન રહે....


         
          
          ટ્રેનને પ્લેટફોર્મને વિદાય આપી અને પોતાની મંઝીલ પર પહોંચવા નીકળી પડી .....  બારી બહારના પ્રકૃતિના સુંદર દ્રશ્યો નજર સામેથી પસાર થઈ રહ્યા હતા... થોડી જ વારમાં ડબ્બામાં બેઠેલી મહિલાઓની ગોષ્ઠિ જામી..એમાં ત્રણ ચાર મહિલાઓ એમની હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીઓને મળવા માટે જઇ રહ્યા હતા..તેમની વાતો શરૂ થઈ ગઈ..  એક વયસ્ક ઉમરના ત્રણ દીકરાઓની માતાએ પણ એમની વાતોમાં રસ લીધો એટલે હવે કાન સંપૂર્ણપણે એમની વાતો તરફ કેન્દ્રિત થયા... એમનું નામ સવિતાબેન...દેખાવે સાધારણ પરિવારનાં લાગે. ચહેરો સાવ શુષ્ક પડેલો. ચહેરા પર કોઈ હાવભાવ જ નહીં.. હતી તો બસ એક ઉદાસી...
                     એમના ત્રણ દીકરા માંથી મોટા દીકરા ના લગ્ન થઈ ગયેલા..  નાનો હજી કુંવારો હતો. એ બહારગામમાં નોકરી કરતો અને જે વચેટ હતો એને દીક્ષા ધારણ કરી પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો... તેઓ પોતાના મોટા દીકરાના ઘરે પારણું બંધાવાનું હતું એટલે ત્યાં વહુની કાળજી લેવા જતા હતા... કહેવાય છે ને કે મુદ્દલ કરતાં વ્યાજ વધુ વહાલું લાગે.... પરંતુ સવિતાબેન ના ચહેરા પર એવા ભાવો કઈક  અદ્રશ્ય હતા.. એમની પીડા એમના ચહેરા પર ચોખ્ખી વર્તાતી હતી ....  એમની અંદર જે વેદના દઝાડતી હતી એ થોડા જ સમયમાં પીગળીને આંસુ રૂપે પ્રગટ થવા લાગી...
             
             આ વાતોમાં પૂરો ડબ્બો હવે જોડાતો હતો... સવિતાબહેન પોતાની લાગણીઓ બધા સાથે વાગોળીને મનનો ભાર હળવો કરવા ની કોશિશ કરી રહ્યા હતા તેમની વાત ઉપરથી જાણવા મળ્યું કે તેમના પતિ તેમને રાખતા નહીં દીકરાઓ પણ એમનું માન જાળવતા નહીં..  જે દીકરો માન આપતો અને લાગતું કે આ ઘડપણની લાકડી બનશે એમને આ સંસારરૂપી માયાજાળ ત્યાગ કર્યો.. નાના દીકરાને તો માની કશી જ પડી ન હતી... જ્યારે મોટા એ તો વહુની હા માં હા અને વહુની ના મા ના સીવાય કશું બોલતો જ નહિ... શરૂઆતમાં એવું લાગતું કે સવિતાબેનની વહુની બુરાઈ કરે છે... પણ એમની વાતો જેમ જેમ આગળ વધી તેમ તેમ એમના ચહેરા પર એ એકલતા સ્પષ્ટ દેખાતી હતી... આટલી ઉંમર છતાં ઘરનું બધું કામ તેમના માથે હતું આ તો એકદમ ઉલટું થઈ ગયું હોય એવું લાગ્યું...
                     હવે તો અમે જાણે વાતોના વંટોળીયા પર સવાર થઇ ગયા હતા...બારીની બહારથી પસાર થતા ઝુલતા ગાતા લીમડા પીપળાને બાવળીયા એ એમની વાતો સાંભળીને એમની વેદના અનુભવી રહ્યા હોય એવું લાગતું...  કઠણાઈ એમની એવી હતી કે તેમને કોઈ બહેન પણ ન હતા  અને માં હતા એ પણ માનસિક રીતે અસ્વસ્થ હતા... ભાભીઓ પાંચ હતા પણ એ તો સાંત્વના આપવાને બદલે તેમની પરિસ્થિતિથી રાજી થાય એવા હતા...  ભાઈઓને પણ બહેનની આવી કોઈ  વાતોમાં રસ નહોતો.. બધા ઉપર જેને પહેલો સાગો કહીએ એવા પાડોશીઓને પણ સવિતાબેનની વાતો સાંભળવામાં દિલચસ્પી નહોતી તેઓ પોતાના કામમાં જ મગ્ન હતા...
          એમને એ જ વાત નો અફસોસ હતો કે એમની પાસે એવી કોઈ વ્યક્તિ ન હતી જેની પાસે જઈએ પોતાની વાત કરી શકે... રડી શકે... મનનો ભાર હળવો કરી શકે..કોઈ બે ઘડી એને સાંભળી શકે.. જેની પાસેથી તે સહાનુભૂતિ મેળવી શકે.. કોઈ એમને સમજી શકે .... આસપાસ ઘણા બધા લોકો હોવા છતાં તે એકલા હતા.... પોતાના કહી શકાય એવા તો ઘણા હતા પણ એમનું કોઈ ન હતું !! 
                     સવિતાબેન એક જ વાક્ય ત્રણથી ચાર વાર બોલ્યા.... જે  ખરેખર હૃદયને એકદમ સ્પર્શી ગયું અને હૃદયને ગદગદ કરી હૃદયની આંખોને ભીંજવી ગયું..... એ હતું ,...મારે એક દીકરી હોત તો સારું હોત.. !!  મારે એક દીકરી હોત તો સારું હોત !!!... સાચે જ એમના આ શબ્દોએ છેક ઊંડે સુધી ટકોરા કર્યા....   જયારે કોઈ વસ્તુ નથી હોતી આપણી પાસે ત્યારે જ એની સાચી કિંમત સમજાય છે .... એ સવિતાબેનને સમજાણી હતી.. ખરેખર દીકરી શુ છે !!... ભલે એ લાકડી બની ટેકો ન આપી શકે પણ લાગણીનો ટેકો જરૂર આપશે... સ્કંદપુરાણ ના મતે એક પુત્રી  દસ પુત્રો બરાબર હોય છે દસ પુત્રો જેટલું પુણ્ય એક જ પુત્રી થી મળે છે જે આપણા સમાજમાં નારીનું ગૌરવ દર્શાવે છે... 
            સવિતાબેન ને એ જ વાત નો અફસોસ રહી ગયો કે તેમને દીકરી નહોતી....   જો દીકરી હોત તો એ મારી પીડાને સમજી શકે અને દુઃખમાં સહભાગી બને... ખરેખર એક દીકરી તો હોવી જ જોઈએ... એમની આ વાત સાંભળીને ઊઠીને એમને ગળે વળગી ને કહેવાનું મન થયું કે હું તમારી જ દીકરી છું એવું જ માનજો.... થોડી જ વારમાં તેમની સાથે એવી આત્મિયતાથી જોડાઈ જવાયું હતું ...  દરેક માં ને એક દિકરી તો હોવી જ જોઈએ..... આજે પણ જયારે ફરીથી એ ડબ્બામાં બેસું ત્યારે એમનું એ વાક્ય .... '' મારે એક દીકરી હોત તો સારું હોત '' ....   કાને અથડાઈ છે અને ફરીથી સવિતાબેનનો એ ચહેરો નજર સામે તારી આવે છે...

ગોપીબા વાળા :)  (પારિજા)

***

Rate & Review

Mayur Bharvad 6 months ago

Vikramsinh 7 months ago

daveasha42@gmail.com 7 months ago

Nirmita Patel 7 months ago

Råshméè Pärmär 7 months ago