રામાપીરનો ઘોડો - ૫


જયા સલામત છે એ જાણીને કાનજીના જીવમા જીવ આવ્યો! કાનજી જે ઑટોમાં આવ્યો હતો, એમા એ ત્રણેય, કાનજી, કડ​વીમા અને તેમની પુત્ર​વધુ રવાના થયા.

“મા તમે અહિંયા છો તો મારી જયાને એની મમ્મી ક્યાં છે? ને આ બધું  કેવી રીતે બન્યુ?” સુખદ આશ્ચર્યથી કાનજીએ પુછેલું.


“ઇ હંધુય જયાએ કર્યુ. ઇને કાલે રાતે જ બધી વાતુની ખબર પડી ગઇતી. એ પહેલાથી હુંશિયાર જ હતી, આજ હ​વારે એણે ઘરની બાર બે વખત પેલા ગાડી ચલાવનાર ભયને આંટો મારતો જોયેલો. ઇ પેલા સાહેબનો જ ડ્રાઇવર છે ઇયે ઇને ખબર પડી ગ​ઈતી. આગલા દિવસે ઇની નેહાળમા એ આયેલો, એ સાહેબને લ​ઈને. તું  નેકળ્યો એ પેલા એ મારા ઘરે આવેલી તે ઇ વખત એણે મન કીધુતુ કે,


“તઈયાર રેજો મા, મારે તમારી ને ભાભીની કદાચ જરુર પડશે.”


ઇણે મન થોડી વાત કરેલી.  જેવો તું નેકળ્યો ભચાઉ જ​વા એવોજ એવડો ઇ ગાડી લ​ઈને છેક ઘરના ઓગણા હુંધી આઇ જયેલો. એ તારા ઘરે જ​ઈને બારણુ ખખડાવીને ઉભો રેલો ત્યારે મીયેય મારું બારણું ખોલીન ઇન જોયોતો. તારા ઘરનું બારણું જયાએજ ખોલેલું. પેલાએ કિધુ કે,


“ઇ એ લોકોન લેવા આયો સ. સાહેબે ગાડી મોકલી સ.” 


જયાએ કિધુ, “હારુ કર્યુ તમે જલદી આઇ ગયા. અમે તઈયાર જ છીયે. તમે ગાડીમાં બેહો હું અને મારી મમ્મી બાજુમા ચાવી આપીને આવીયે જ છીયે.” એજ વખતે જયાએ મારી સામે જોઇને ડોકું હલાવેલું, હું બારણે જ ઉભેલી. મને ખબર પડી ગ​ઈ કે દાળ મો કોક કાળું સ. 


 ઇ ભય જ​ઈન ઇની ગાડીમો બેઠો. જયાએ આવીન ઇનો દુપટ્ટો મન ઓઢાડીન બધી વાત ટુંકમો કરીતી. ઇણે કીધેલું  કે હું અન મારી વહુ ઇવડા ઇ હારે ગાડીમો જતા રહીયે, જયા અને એની મમ્મી બનીને, એ થોડોક આગળ ગાડી લઈને જતો રેય  પસ ગમે તે બોનુ કરીન અમે ઉતરી જાસુ. ત્યો હુધીમો ઇ મા-દીકરી જયાની બેનપણી ક​વિતાના ઘરે જતા રેશે. ઘરે તાળું મારીને.


જયા પેલા બાર ગ​ઈ આ ખાલી થેલો ગાડીમા મુક્યો ન પેલાની હામે જોઈન કીધુ કે,


“હું  મારો દુપટ્ટો ભુલી ગ​ઈ. એક મિનિટમા આવી, હો ભાઇ!” પેલો જયાને જ જોઇ રયોતો એટલામો મારી વહુ માથે ઓઢીને, જરા લાજ કાઢીને પાછળની સીટમો બેસી ગ​ઈ. જયા જેવી ઘરમો આવી એવી જ મુ ઇનો દુપટ્ટો માથેને, શરીરે લપેટીને બાર નેકળી, ઘરને બંધ કર્યુ ને ચાવી લ​ઈને ગાડીમો બેહી ગ​ઈ. આલો તમારા ઘરની ચાવી. જયાની મમ્મી પાહે બીજી ચાવી સ, એ ઇ વખતે મારા ઘરમો  હતી. કાનજીએ ચાવી લીધી.


 આ ગાડીવાળાન તો બુહા જેવાન ઇમ ક પાસળ જયા ને ઇની મમ્મી જ બેઠેલા સ. આટલે લગણ આયા એટલે મે માથેથી ઓઢણી કાઢી નાખી. ઇવડા ઇ એ મારી હામે જોતાજ ગાડી ઓય ઊભી રાખી દિધી. મન કે, “ડોહી તું  કુણ સે? જયા ક્યાં વઇ ગ​ઈ?” 


“ડોહી તારી મા! મારા રોયા, વડીલ હારે કેમ વાત કરાય ઇ ભાન પડતુ સે કે ન​ઈ?”  મે પસ એની હારે ઝગડ​વાનુ ચાલુ કર્યુ. મારી વહુએ ય માથેથી લાજ કાઢી નાખીને એયે પેલાને વળગી, 


“એ મોઢુ હંભાળીને બોલ જરા. ખબરસે કોની માની હારે વાત કરેસે ઇ? મારો ઘર​વાળો પોલીસમા છે, એક ફોન કરેને તો આવી બન્યુ હમજજે.”

“ધમકી હુ આલસ વહુ, ફોન કરીજ દે! આવા લોકો ઈમ નો સુધરે!”


“પેલો કોક બોલ ઇ પેલાજ અમે સાસુ વહુ ગાડીમાંથી બાર ઓયે ઉતરી ગયા. એ પુસતો’તો કે જયા ક્યાં ગઈ? મેં કીધું કુણ જયા? તારી ગાડીમાં અમે બે હાહુ વોવ જ બેઠેલાં હતા. જયા બયાન અમે નથ ઓળખાતા! પેલો ગીન્નાયેલો ઈને કોકન ફોન કર્યો અન પસી જતો રિયો.

 

“તમારો ખુબ આભાર મા! આજે તમે મારી જયાનો જ નહી અમારા આખા પરિવારનો જીવ બચાવ્યો છે.”

 

“લે એ હું  બોલ્યો? જયા કંઇ તારા એકલાની છોડી સે? સૌથી પેલ્લી એ મારી લાડકી સે!” 


ઑટો હ​વે એમના ઘરે આવીને ઉભી હતી. બે મહિલાઓ ઉતરીને અંદર ગઈ. કાનજીને  હવે જયા પાસે પહોંચવુ હતુ. એણે રિક્ષાવાળાને ક​વિતાના ઘર તરફ આવ​વા કહ્યુ. 


જે કાળી ગાડીમાથી એ બે બહેનો ઉતરી હતી એના ડ્રાઇવરે આગળ જ​ઈને યુ-ટર્ન માર્યો હતો. એ સામેના રોડ પરથી આ લોકો પર નજર રાખી રહ્યો હતો. કાનજીને કડ​વીમા સાથે વાતો કરતો જોઇને એણે એના બૉસને ફોન કરી જાણ કરેલી. એને એ લોકોનો પીંછો કર​વાનુ કહેવામાં આવેલુ. આગળ આગળ ઑટો ને પાછળ પાછળ કાળી રેનોલ્ટ ડસ્ટર ચાલે જતી હતી.


કાનજીને ક​વિતાના ઘરે જોતા જ જયા અને એની મમ્મી ખુશ થ​ઈ ગયા. એમની અડધી ચિંતા ઓછી થ​ઈ ગ​ઈ. કાનજીએ જયાને એની હોંશિયારી માટે શાબાસી આપી ત્યારે જયાએ જણાવ્યું કે એણે ગામડે બાપાને  ફોન કરી દિધો હતો અને એના કાકા ત્યાંથી અહીં આવવા માટે , સાધન કરાવીને એમને લેવા માટે આવી રહ્યા છે.

 જયાની વાત સાંભળીને કાનજીને અજબ શાંતિનો અહેસાસ થયેલો. સવારનો ભાગી રહેલો કાનજી હવે જરાક ચીંતા મુક્ત બન્યો હતો. એણે વિચાર્યું કે હ​વે બધું સારું થઈ જશે, એમણે બસ, કાનજીના નાના ભાઇ, રામજીની પ્રતિક્ષા કર​વાની હતી.        ___*_____*_____*____*____વિ..ર..લ...... (વિરલ નામના છોકરાએ  બે હાથ ફેલાવીને, ઉંચા સાદે ગાયુ)

 ધ..​વ..લ....... (ધ​વલે ગાયુ ને વિરલને ભેંટી પડ્યો)

આયુષ્માન! (આયુષ્માનને ગાયુ ને એ પેલા બન્નેને ભેંટી પડ્યો)

 આ ત્રણેય સુરતીલાલાનો આ રોજિંદો ક્રમ હતો. વિરલ, ધ​વલ અને આયુષ્માન રોજ સ​વારે ભેગા થતા ત્યારે, અમર અકબર એન્થોની ફિલ્મનું ગીત એમના નામનો ઉપયોગ કરીને આ રીતે ગાતા અને જાણે વરસો બાદ ફરીથી મળ્યા હોય એમ એકબીજાને ભેંટતા! ત્રણેયના બાપાઓ પાસે લોટ રુપિયો હતો ને આ ત્રણેય જણા એને યથાશક્તી વાપરે જતા હતા. રોજ પાર્ટી કર​વી, મોંઘી ગાડીઓમાં  ફર​વું ને પિચ્ચરો જોવા બસ, એજ એમનુ કામ. આમતો એમનુ મિત્રવર્તુળ વિશાળ હતું છતાં, આ ત્રણેયને એકબીજા વગર જરાય ના ચાલતુ.

 જો એ ત્રણે સાથે હોય દુનીયા જુકાવી શકે એવો એમને વિશ્વાસ હતો. કોઇ પણ, કંઇ પણ કામ હોય એક​વાર આ ત્રિપુટીના હાથમા આવે એટલે પાર પડી જ જાય. સ્કુલ ટાઇમના આ મિત્રો હ​વે કોલેજ પણ એકસાથે જ જ​વાના હતા. ડોક્ટર બનાય એટલા સારા ત્રણેના માર્ક્સ ન હતા. એંજીનીયર થ​વાનુ વિરલ સિવાયના બે માટે થોડુ અઘરું હતુ. છેવટે બધાએ ભેગા મળીને બી.એસ.સી કર​વાનુ નક્કી કર્યુ હતુ. થોડો વખત રહીને કોલેજ ચાલુ થ​વાની હતી એટલે, રજાઓના દિવસોમા એ લોકો મોજમજા કરી રહ્યા હતા. 

અઠવાલાઈન્સ પાસે આવેલી સુરતી લોચાની દુકાન એમનું મનપસંદ સ્થળ અને ખાણું હતું. સુરતનો સ્વાદીસ્ટ લોચો ખાતા ખાતા આયુષ્માને કહ્યુ, “યાર, ક​ઈ મજા નથી આવી રહી.”

“તો, આયુષ બાબાને તૂફાની કરવી છે, એમને?” વિરલે આયુષના માથે હાથ ફેર​વતા કહ્યુ.

“યા..ર! એક જબર આઇડીયા આવી રહ્યો છે.” ધ​વલે ઉભા થ​ઈને ટેબલ પર મુક્કો માર્યો.

“શું...ઉઉઉ?” બાકીના બન્ને જણાએ કોરસમાં ગાયું.

 “અડધી રાતે જીપ લ​ઈને ગીરના જંગલમા જ​ઈએ ને સિંહ સાથે સેલ્ફી!” ધ​વલે આંખ મારી, “ કેવું લાગ્યું?” 

વિરલ અને આયુષે એક સાથે ઊભા થ​ઈ, ટેબલ પર મુક્કો મારી, કહ્યુ, “મસ્ત છે....!” 

એજ સાંજે સાત વાગે એ ત્રણેય જણા જુનાગઢથી આગળ ગીર તરફ જ​ઈ રહ્યા હતા.

એ લોકો ગીરના જંગલ સુંધી પહોંચી ગયા પછી એમની નજરે એક પાટિયું પડ્યું જેમાં લખ્યું હતું કે વરસના અમુકના સિંહોની પ્રજજન ગાળો હોવાથી જંગલ બંધ રાખવામાં આવશે અને એમના સાદ નસીબે એ ગાળો હાલ જ ચાલુ જ હતો. વિરલે આ પાટિયું જોતા જ ધવલ સામે જોયેલું,

“અરે પણ મને શી ખબર હાલ સિંહોની પ્રેમ કરવાની સીઝન ચાલતી હશે? સાલું આપણે તો એવી કોઈ સીઝન હોતી નથી હોતી!” ધવલે મોઢું લટકાવીને કહ્યું.

“હા...યાર!સિંહોને માટે ભગવાને એવો પ્રેમ કરવાનો જુદો, સ્પેશિઅલ વખત બનાવ્યો છે, અરે યાર કુતરા માટે શીયાલીની સીઝન બૂક કરી છે અને આપણા માટે કંઈજ નહિ?” આયુશે પણ એનો ઉકળાટ વ્યક્ત કર્યો.

“હવે શું કરવું છે, એ બોલો તણપાઓ ? જનાવરો માટે એક ચોક્કસ બનાવ્યો છે એમાજ એ પ્રેમ કરે તમારી જેમ રોજ રોજ રેડી ના હોય!” વિરલ ઉવાચ.

“જો હું આહીરનો દીકરો છું અને આ જંગલની બાજુમાં જ આવેલા ગામમાં રહું છું મને રોકવાનો એ લોકોને કોઈ હક નથી. અમે ગામવાળા ધારીએ ત્યારે જંગલમાં જી શકીએ. અમે લોકોતો અડધી રાત્રે જીપમાં બેસીને જંગલમાં ઘુસી જતા અને છેક અંદર જઈને સિંહોની પાછળ ગાડી ભગાવતા, કોઈ પૂછે તો કહી દેતા કે અમારી ગાય કે બકરી ચરતી ચરતી અંદર ચાલી ગઈ છે એને શોધીએ છીએ!”

“એ જે હોય તે હાલ શું કરવું છે એ પહેલા બોલ?” વિરલે કંટાળીને પૂછ્યું.

“હું વિચારું છું કે, અંદર જઈને ઓફિસરને રીકવેસ્ટ કરું, એ મારા જેવા માસુમ બાળકની ઈચ્છા જરૂર પૂરી કરશે!” ધવલે એના મોઢાં પર શક્ય એટલું નિર્દોષ સ્મિત રેલાવતાં કહ્યું.

“ઠીક છે જોકર જી આવ!” વિરલ અદબવાળીને ગાડીના બોનેટ પર બેસી ગયો.

ધવલ અંદર ઓફિસમાં ગયો અને ત્યાં બેઠેલાં કોઈ અધિકારીને અંદર જવા દેવા માટે વિનંતી કરી. પેલા એ, ‘સોરી’  કહ્યું તો આણે ‘પ્લીજ’ કહ્યું! આવું ચાર વખત બન્યું પછી પેલાએ, ‘ગેટ આઉટ’ કહ્યું અને ધવલ આને પોતાનું અપમાન સમજી થોડો ગરમ થઇ ગયો અને ઊંચા અવાજે બોલવા લાગ્યો. એનો અવાજ સાંભળીને આયુષને થયું કે એનો યાર મુસીબતમાં છે અને એ પણ ભાગતો અંદર ગયો. અંદર જતાજ એણે પંજાબીમાં જોર જોરથી બોલવાનું ચાલુ કરી દીધું પેલા ઓફિસરે છેલ્લે ધક્કા મારીને આ લોકોને બહાર કાઢવા બહાર કાઢવા પડ્યા અને એ લોકો સાંભળે એમ એણે ફોન કરીને કોઈકને સૂચના આપી કે, “જો આ ત્રણ લબરમુછીયા ગમે ત્યારે જંગલની આસપાસ ફરતાં દેખાય તો એમને પકડી લેવા એ કોઈ બુરા ઈરાદે જંગલમાં થવા માંગતા હોય એવું લાગે છે!”

આખરે વિરલે ગાડી સ્ટાર્ટ કરી અને બાકીના બંને પેલા ઓફિસર સામે દાંતિયા કરતા ગાડીમાં ગોઠવાઈ ગયા. થોડેક આગળ ગયા પછી વિરલે ગાડી થોભાવી હતી.

“ઓયે ક્યા હુઆ? ગડ્ડી બિગડ ગઈ ક્યા?”

એને જવાબ આપ્યા વગર વિરલ હસ્યો અને કહ્યું, “તારું ગામ નહિ દેખાડે ધવલીયા?”

“હા હા,ચાલ. પણ જે મારા કાકા આપણી સાથે આવત એ હાલ બહાર ગયા છે.” ધવલે કહ્યું.

“તું ચાલ તો ખરો!” ધવલ અને આયુષ બંને સમજી ગયા કે એ લોકો માટે વિરલે કોઈક સરસ પ્લાન ઘડી કાઢ્યો છે અને સાચું હતું...

એમના ગામમાં જઈને સૌથી પહેલા તો એ લોકો એક ઘરે જઈને જમ્યા હતા. ખીચડી, કઢી, બાજરીના રોટલાં, લસણની ચટણી અને ઘી ગોળની એમણે સારી એવી કિંમત આપેલી અને એ ઘરના માલિકે ખુશ થઈને એમને  જંગલમાં દાખલ થવાનો બીજો રસ્તો પણ બતાવેલો. એ રને જણાએ એ રસ્તે ગાડી મારી મુકેલી. જંગલમાં ઘણે અંદર ઘુસ્યા બાદ એમને સિંહનાં દર્શન થયેલા.એ અને સિંહણ એકબીજા સાથે મસ્ત હતા. ધવલે કેમેરો કાઢી શુટિંગ ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે વિરલે એને મનાઈ કરેલી. જંગલ આપણી સંપતિ છે અને એને સાચવવાની આપણી ફરજ છે. એના મતે અત્યારે એને આ જંગલ, આ સિંહ જોઇને જે રોમાંચ થઇ રહ્યો છે એ એનો દીકરો મોટો થઈને અહીં આવે ત્યારે એને પણ થવો જોઈએ! રાતના સમયે કેમેરાની લાઈટથી પ્રાણીઓને પરેશાની થાય એમ કહીને એણે ધવલને રોકેલો અને ધવલ માની ગયેલો. થોડીવાર બીજા જનાવરો જોતા અને રાત્રીમાં જંગલની મોજ માણતા એ લોકો કોઈ બીજી ગાડીને એમના તરફ આવતી જોઇને ભાગ્યા હતા અને પછી સુરત પાછાં જવા નીકળી ગયેલા...                                               

                 _*_*_*_*_*_*_*_*


સાંજે ચાર વાગે જયાના કાકા, રામજી એક મીની ટ્રક લ​ઈને આવી ગયા હતા. ઢોર ભરીને લઈ જ​વા માટે એનો ઉપયોગ ગામડે થતો. રામજીને જટ અહિં પહોંચ​વાનુ હતુ એટલે જે મળ્યું એ પહેલુ વાહન લ​ઈને એ આવી ગયેલો. આ ટ્રક પણ એના બીજા કોઇ ભેરુ પાસેથી ઉછીની લીધેલી. રામજીની સાથે એમના ગામનોજ એક છોકરો ડ્રાઇવર બનીને આવેલો તો બીજો એક છોકરો રામજી સાથે ભાઇબંધી નીભાવ​વા આવેલો. થોડોક  આરામ અને  ચા-નાસ્તો કરીને બધા લોકો પાંચ વાગે તો ટ્રકમા સવાર થ​ઈ ગયેલા. કવિતાના બધા ઘરવાળાએ છેક છેલ્લે સુંધી સહકાર આપેલો. 

ટ્રકમાં આગળ રામજી,  ડ્રાઇવર છોકરા સાથે બેસેલો. જયા, એના મમ્મી-પપ્પા અને બીજા ગામડેથી આવેલા ભાઇ  પાછળ બેઠેલા. ૬૦-૭૦ કિલોમિટરની ગતીએ એમનુ નાનકડું ટ્રક જ​ઈ રહ્યું હતું. બધાના જીવમાં થોડો ઉચાટ હતો. કાનજીની નજર અંધારામાં  દુર દુર, દેખાય ત્યાં સુંધી તાકતી રહેતી, એને ડર હતોકે કદાચ કોઇ પીંછો કરતુ આવતુ ના હોય! કોઇ કાળા રંગની ગાડી પસાર થતી દેખાતી કે એનુ દિલ જોર જોર થી ધડક​વા લાગતુ. જેવી ગાડી પસાર થ​ઈ જતી એ આંખો બંધ કરીને નિરાંતનો શ્વાસ લ​ઈ લેતો! એનું દિલ બસ એક જ પ્રાર્થના કરી રહ્યું હતું કે એમની લાડકવાયી દીકરીને લઈને હેમખેમ એમના ગામ ભેગા થઇ જાય..

ધીમી પણ એકધારી ગતીએ એમની મીની ટ્રક આગળ વધી રહી હતી. રાજકોટ હેમખેમ વટાવ્યા પછી બધાનો ઉચાટ ઓછો થ​ઈ ગયો હતો. બલા ટળી એવુ લાગતા હ​વે પાછળ બેઠેલાઓની આંખો ઘેરાવા લાગી હતી. જયા એની મમ્મીના ખોળામાં માથું નાખીને આરામથી સુતી હતી.

એક ઘર દેખાતુ હતુ. ના, ના બંગલો! બેઠા ઘાટનો બે માળનો બંગલો, બંગલાની વચોવચ મોટી, ગોળ આકારની કાચની બારી. એ બારીમાથી એક કઠપૂતળીનો ઘોડો, રામાપીરનો ઘોડો જયા સામે જોઇને મીઠું મલકી રહ્યો હતો. જાણે જયાને એની પાસે બોલ​વી રહ્યો હતો.  પછીના સીનમા દ્રષ્ય બદલાયું, હવે જયા એ ઘરની અંદર હતી. એ ગોળ, મોટી કાચની બારી આગળ ઊભી ઊભી નીચે જોઇ રહી હતી. નીચે બગીચો બનાવેલો હતો. એમા એક યુવાન એક નાના બે-ત્રણ વરસના ટેણિયાને ઘોડા પર બેસાડી રમાડી રહ્યો હતો. એ ઘોડો પાછો હસી રહ્યો હતો. હા, એ પેલોજ ઘોડો હતો. કાચની બારી વાળો! નીચે ઊભેલો યુવાન ઘડી ઘડી જયા સામે જોતો હતો. એના વાંકળીયા, સહેજ લાંબા વાળ કપાળ પર લહેરાતા હતા. એનુ સ્મિત,આહ! એનુ સ્મિત ગજબનુ હતુ. જયાના દિલને છેક ઊંડે સુંધી એ સ્પર્શી ગયુ. એનો ચહેરો થોડો ઝાંખો દેખાતો હતો. જયા એને ધારીને જોવા જતી હતી ત્યાંજ કોઇએ એને બૂમ મારેલી. એની મમ્મીએ કદાચ! અલગ અલગ અવાજો હવે સંભળાતા હતા, કોઇ જોર જોરથી દર​વાજો ઠોકી રહ્યું હતું. જયા સફાળી બેઠી થઈ ગઈ. એનુ સુંદર સપનું ટૂટી ગયું હતું.  એક પળમા જયા વાસ્તવિક જીવનમા પાછી ફેંકાઇ ગઈ. ***

Rate & Review

Verified icon

Heena Suchak 4 months ago

Verified icon

Parul Gondaliya 4 months ago

Verified icon

Bhavika Parmar 4 months ago

Verified icon

Sweta Desai Patel 6 months ago

Verified icon

Sonal Mehta 6 months ago