યોગ સંયોગ - ભાગ 3 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 3

યોગ સંયોગ - ભાગ 3
 

  અદ્વિકા નિશાબેનના રિપોર્ટ જોઈ ચિંતિત હોય છે. તે બોલી, "પપ્પા , મમ્મીને આ વિશે કશી જાણ ન થવી જોઈએ. ડો.મહેરાએ પણ તે જ વાત કહી. મમ્મીને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે તે જ દવાઓ છે. બસ એટલું જ કહેવાનું છે. એમ પણ મહેરા અંકલે કહ્યું છે, આપણે પહેલા દવાઓ અને અન્ય ટ્રીટમેન્ટ કરીએ જરૂર જણાશે તો જ સર્જરી કરીશું."

"આજથી મમ્મીને બસ ખુશ રાખવાના છે. અહીંયાંથી આપણે મંદિરે જઈએ પછી ઘરે જઈશું." અદ્વિકા બોલી.

ત્યાંથી તેઓ મંદિર જવા નીકળ્યા.રસ્તામાં નિશાબેને પોતાના રિપોર્ટ વિશે પૂછ્યું. પણ અદ્વિકાએ ખૂબ સરળતાથી વાત સંભાળી લીધી. આ જોઈ આકાશભાઈને અદ્વિકા પર માન થયું. અદ્વિકા જાતે કાર ચલાવી રહી હતી.  તેણે વડોદરાનું ખૂબ જાણીતું અને પુરાતન એવું ગાજરાવાડી સ્થિત સિદ્ધિવિનાયક મંદિર તરફ ગાડી લીધી.

મંદિરથી થોડે દુર તેણે ગાડી પાર્ક કરી. મંદિરનાં પ્રાંગણમાં પગ મુકતા જ અદ્વિકાને અદભુત શાંતિનો અહેસાસ થયો. ભીતરમાં રહેલ દર્દના વમળો ધૂમાંડાની માફક દૂર હવામાં ફંગોળાવા લાગ્યા.

ઈશ્વર છે જ. છતાં તેને ન માનનાર એક વર્ગ હશે. જે સ્ત્રી પુરુષના મિલનના ફળ સ્વરૂપને માત્ર જીનેટિકલ અને સાયન્ટિફિક દ્રષ્ટિ કોણથી નિહાળે છે. પણ, તેનાથી પણ વિશાળ વર્ગ એ છે જેને ઈશ્વરમાં અનંત શ્રદ્ધા છે.અને એ શ્રદ્ધના સહારે તેઓ પોતાની આખી જીંદગી પુરી કરે છે. પોતાના સુખ, દુઃખને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી નિશ્ચિન્ત થઈ જાય છે. જ્યારે સંજોગો વિપરીત બને અને જીવનની કોઈ રાહદેખાય ત્યારે માણસ ઈશ્વરના ચરણોમાં એક નવી આશ સાથે આવે છે.

વડોદરાનું સૌથી જૂનું એવું આ મંદિરમાં પ્રભુ ગણેશની જમણી સૂંઢ વાળી વિશાળ મુર્તી છે. એવું કહેવાય છે કે શ્રી ગણેશની જમણી સૂંઢ વાળી મુર્તી ભાગ્યેજ જોવા મળે છે.
લોકવાયકા મુજબ અહીંયા આવનારની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

અદ્વિકા પણ સુદામાની જેમ એક યાચના લઈ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સામે ઉભી હતી. તેને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા  હતી. એ શ્રદ્ધા જ તેનાં લથડાતા કદમોને અહીં સુધી લાવી હતી. તેણે આંખો બંધ કરી પ્રભુનાં ચરણોમાં પોતાની બધી વ્યથા ઠાલવી દીધી. તેની આંખો છલકાઈ ઉઠી.પણ ભીતરમાં એક નવો ઉજાસ તેના રોમ રોમને ઉજાળી રહ્યો. તેના મનમંદિરમાં સંજોગો સામે લડવાનો ઘન્ટનાદ થવા લાગ્યો. અનોખા વિશ્વાસનું તેજ તેના મુખારવિંદ પર જળહળવા લાગ્યું.  તેના મનમાં અન્વય પ્રત્યેનો જે વિશ્વાસ હતો તે પ્રબળ બન્યો. તે મનોમન પ્રભુનો ધન્યવાદ કરી ત્યાંથી નીકળી.

તેઓ ઘરે આવ્યા ત્યારે અદ્વિકા સાવ હળવી ફૂલ હતી. તેને જોઈ નિશાબેનન અને આકાશભાઈને અત્યંત રાહત થઈ.
અદ્વિકાના મુખની શાંતી સૌની ખુશીનું કારણ બની ગયું.
નિશાબેન બોલ્યા, " મારી વ્હાલી દીકરી, તું સદા આમ જ રહેજે. એટલે મારે કોઈ દવાની જરૂર નહીં પડે. તું મારી ચિંતા કર્યા વગર કાલની તારી ઈવેન્ટનું કામ પતાવી દે."

અદ્વિકા તેની પાસે બેસતાં બોલી, "મમ્મી તમે અને પપ્પા બહાર હિંચકે બેસી ફ્રેશ થાઓ.હું હમણાં જમવાનું બનાવી દઉં. જમીને તમને દવા આપી, પછી હું મારું કામ કરીશ."

અદ્વિકાની વાત સાંભળી આકાશ ભાઈ બોલ્યા , "બેટા, આપણા ઘરમાં કેટલા નોકર છે. તો પણ તું જાતે રસોઈ બનાવે છે.  એ તારો અમારા માટેનો પ્રેમ છે. આજે તને આરામ મળે એટલે મેં ઘરે આવતા પહેલા જ વિઠ્ઠલકાકાને રસોઈનું કહી દીધું હતું. બધું તૈયાર જ હશે. તું અહીંયા બેસ મારે તારી સાથે વાત કરવી છે."

"બેટા, આજે અન્વયના ગયે એક વર્ષ થયું. આજથી એક  વર્ષ પહેલાં આજ દિવસે અન્વયનું કાર એકડીડેન્ટમાં મૃત્યુ થયું હતું. એ એક્સિડન્ટ એટલું ભયાનક હતું કે અન્વયનું બચવું અશક્ય હતું." 

"આખી ગાડી સળગી દૂર ખાઈમાં ફંગોળાઈ હતી. એક તો એ દિવસે ભયંકર વરસાદ અને પવન હતો. અને એટલે જ તેની ગાડીનું સંતુલન ગયું. એક ટ્રક સાથે તેની ગાડી અથડાઈ ગઈ.  બેટા કુદરતે મારી પાસેથી મારો દીકરો છીનવી લીધો પણ દિકરાથી વિશેષ એક દીકરી આપી. "

"બેટા, તારી સાથે ગયા જન્મનું જરૂર કોઈ ઋણાનુબંધ છે. જે પૂરું કરવા કુદરતે આ જન્મમાં તને અમારી પાસે મોકલી. બેટા તું તો દીકરી બની ગઈ. અમારે પણ મા બાપ તરીકેની ફરજ બજાવવાની છે. અન્વય આપણી યાદોમાં છે, પણ આપણી જિંદગીમાં નથી, તે સચ્ચાઈ સ્વીકારવી પડશે. તારા સ્નેહના સથવારે જ અમે જીવી રહ્યા છીએ."

અદ્વિકા તેમની વાત સાંભળી બોલી,  "પપ્પા હું ખુશ છું. મારી ચિંતા ન કરો.ચાલો હવે જમી લઈએ નહીતો મમ્મીને દવા લેવામાં મોડું થશે." આકાશ ભાઈ સમજી ગયા અદ્વિકાએ ખૂબ સિફતાઈથી વાત ટાળી દીધી.

********************

અન્વય વેબલોજી સ્ફેર નામની ઇન્ટરનેશનલ કંપનીનો માલીક હતો. કંપનીના મોટાભાગના પ્રોજેકટ વિદેશી કંપનીઓ સાથેના હતા.વર્લ્ડની ટોપ કંપનીઓમાંની આ એક હતી. અન્વયના ગયા બાદ આખી કંપની અદ્વિકા જ ચલાવતી. તે કંપનીની સી.ઈ.ઓ. હતી,  પણ હંમેશ એક એમ્પ્લોય માફક બધું કામ કરતી અને બધે દેખરેખ પણ રાખતી. મોટાભાગની મિટિંગો તે અને કંપનીના જનરલ મેનેજર અને સૌથી સિનિયર એવા વિજય કાકા કરતા.
વિજય કાકા, આકાશભાઈના વર્ષો જુના દોસ્ત હતા.એટલે સૌ તેને કાકા કહેતા. અદ્વિકાની ગેરહાજરીમાં તે જ બધું સંભાળતા.

આજે પણ અદ્વિકા પોતાનું બધું કામ તેને સોંપી નિશ્ચિન્ત હતી. પણ હવે ઇવેન્ટ એક દિવસ પોસ્ટપોન થઈ હોવાથી તે કોઈ કસર છોડવા માંગતી ન હતી. તે પોતાનું લેપટોપ ખોલી પ્રેઝન્ટેશન ચેક કરવા બેઠી.

લેપ ટોપ ખોલતા જ તેની સ્ક્રીન પર રહેલ પોતાનો અને અન્વયનો ફોટો જોઈ તે, અન્વયની પ્રેમભરી યાદોના ભૂતકાળમાં વિહરવા લાગી.

*****************

અભિનવ પોતાની મિટિંગ પતાવી ફ્રી થયો. તરત જ તેને યાદ  આવ્યું કે પોતે આધ્યાને નારાજ કરીને આવ્યો હતો. તેણે તરત આધ્યાને ફોન કર્યો .

"હેલો !  આધ્યા... "
"સોરી ડિયર.. તું  નીચે આવ."
"હું તારી રાહ જોઉં છું." અભિનવે ફોન પર આધ્યાને કહ્યું.

આધ્યા અભિનવ સાથે વાત કરી ખુશ થઈ ગઈ. તે નીચે આવી તો અભિનવ ત્યાં જ ઉભો હતો.

પોતાના કાન પકડતા અભિનવ બોલ્યો , "સોરી તને  હર્ટ થયું. પણ તું જાણે છે મને ડ્રીંક પસંદ નથી. અને ઓફીસ સમયે તો બિલકુલ નહીં. સોરીનો એ મતલબ બિલકુલ નથી કે હું ઈંડિયા નહીં જાવ. "

અભિનવની વાત સાંભળી આધ્યાનું મો પડી ગયું. તે ભીના સ્વરે બોલી, "અભી, હું ખૂબ સારી રીતે જાણું છું કે તારા દિલમાં હું ક્યાંય નથી. તું ઘણા સમયથી ઈન્ડિયા જવા વિચારે છે. પણ સંજોગો એવા બને કે તું જઈ નથી શકતો. આજે એજ સંજોગોએ વળતી કરવટ લીધી છે. એટલે જ જોને અચાનક તને ઇન્ડિયાના ડીલર પાસેથી ખૂબ મોટા પ્રોજેકટની ઓફર મળી. ખૂબ જ જલ્દી બધું ફાઈનલ પણ થઈ ગયું.અને તે જ એગ્રીમેન્ટની મિટિંગ માટે તારે જલ્દીથી ઇન્ડિયા જવું પડશે. જાણે કે તારી  કિસ્મત તને ત્યાં પોકારી રહી છે."

આધ્યાની વાત બદલતા અભિનવ બોલ્યો, "ચાલ હવે ફરી સ્નો પડવાનું ચાલું થાય તે પહેલા હું તને ઘરે ડ્રોપ કરી દઉં. તું એકલી જઈશ તો મને ચિંતા રહેશે. વળી રસ્તા પણ ખરાબ છે."

આધ્યાને ઘરે ડ્રોપ કરી તે પોતાના ઘરે ગયો. તેણે જોયું કે છેલ્લા 4  કલાકથી સ્નો ફોલ બંધ થયો હતો. ધીમે ધીમે  આસમાન સફેદ ચાદરને હટાવી નીલા રંગમાં રંગાવા લાગ્યું. આસમાનને સ્વચ્છ થતું જોઈ અભિનવની ખુશીની સીમા ન રહી. તેણે પોતાનું લેપટોપ કાઢ્યું અને બીજા દિવસ સાંજનું  ઈન્ડિયાની ફ્લાઈટનું બુકીંગ ચેક કરવા બેઠો.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"

શું છે અન્વય અને અદ્વિકાનો પાસ્ટ ?
શું  અભિનવ ઈન્ડિયા જઈ શકશે ?  તેનું ઈન્ડિયા જવું એ કોઈ  સંયોગ છે ?


Rate & Review

Pradyumn

Pradyumn 4 days ago

Roshni Joshi

Roshni Joshi 1 week ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Krupa Dave

Krupa Dave 2 weeks ago

Vishwa

Vishwa 2 weeks ago